છેલ્લા કેટલાક સમયમાં બનાવતી ઓળખ પત્રો (Fake Id Proof) સાથે હિંદુ બનીને ફરતા અનેક લોકો ઝડપાયા હોવાના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ત્યારે હવે આવા જ પ્રકારની એક ચિંતાજનક ઘટના સામે આવી છે. ટ્રેનમાં ચોરી કરતો એક મુસ્લિમ યુવક આર્મીના મેજર કક્ષાના અધિકારીનું હિંદુ ઓળખના બનાવટી આઈડી કાર્ડ સાથે ઝડપાયો છે. શહેબાઝ ખાને મેજર હર્ષિત ચૌધરી નામ ધારણ કરી તે નામનું ખોટું આર્મી મેજરનું આઇકાર્ડ અને આધારકાર્ડ સહિતના અનેક ઓળખપત્રો મળી આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર રેલવે પોલીસને (Ahmedabad Railway Police) થોડા સમય અગાઉ વંદે ભારત ટ્રેનમાંથી (Vande Bharat Train) સુટકેસ ચોરી થયાની ફરિયાદ મળી હતી. આ કેસમાં તપાસ કરતા સીસીટીવીમાં એક વ્યક્તિ બેગ સાથે જોવા મળ્યો હતો. તેણે રેલવે ટિકિટ કરતી વખતે આપેલા ડોકયુમેન્ટ અનુસાર તેની ઓળખ રાજસ્થાનના રહેવાસી હર્ષિત ચૌધરી તરીકે થઈ હતી. ત્યારે ગત 5 તારીખે LCBએ તેની ધરપકડ કરી હતી. હર્ષિતની ધરપકડ બાદ તેને અમદાવાદ રેલવે પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. તેને અમદાવાદ લાવીને પૂછપરછ કરતા જ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. પોલીસને તેની પાસેથી આર્મીના મેજર રેન્કનું આઈડી કાર્ડ મળી આવ્યું હતું. આ આઇકાર્ડમાં ફોટો આ જ યુવકનો હતો અને નામ હતું હર્ષિત ચૌધરી.
હિંદુ ઓળખવાળું આર્મીનું આઇકાર્ડ બનાવટી
આઈકાર્ડ મળ્યા બાદ પોલીસે કડક પૂછપરછ કરતા તેણે આધારકાર્ડ અને આર્મીનું આઇકાર્ડ (Fake Army I-card) ખોટું હોવાનું કબુલ્યું હતું. કબુલાત બાદ તેની સાચી ઓળખ શહેબાઝ મુસ્તાક અલી ખાન હોવાનું સામે આવ્યું હતું. પોતે હિંદુ હોવાનો અને આર્મી ઓફિસર હોવાની ઓળખ આપીને રુઆબ ઝાડતો આરોપી મુસ્લિમ હોવાનું સામે આવતા જ પોલીસ સાબદી થઈ ગઈ અને કાર્યવાહી શરૂ કરી. આરોપીએ ખોટું આર્મી મેજરનું આઇકાર્ડ અને આ બનાવટી ઓળખપત્રો પોતે જ બનાવ્યા હોવાનું જણાવ્યું છે, જેના પર પોલીસને ભારોભાર શંકા છે.
ખોટા ઓળખપત્રો પર ફ્લાઈટ-ટ્રેનની મુસાફરી
અહેવાલોમાં જણાવ્યા અનુસાર આરોપીનું અસલ નામ શહેબાઝ મુસ્તાક અલી ખાન અને તે ઉત્તર પ્રદેશના મૌલાના આઝાદ નગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. રેલવે પોલીસ જેમ જેમ તેની તપાસ કરતી જઈ રહી હતી તેમ તેમ ચોંકાવનારા ખુલાસો થતા રહ્યા. આરોપીએ આ જ બનાવટી ડોકયુમેન્ટ પર જ ત્રણ વાર ડોમેસ્ટિક ફ્લાઈટ અને ત્રણ વાર રેલ્વેમાં મુસાફરી કરી ચૂક્યો છે. આ ઘટસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી છે અને તપાસમાં ભાગ ભજવી રહી છે.
અબ્બુ નિવૃત્ત ફૌજી અને ભાઈ એરફોર્સમાં
આર્મી અધિકારી અને હિંદુની ખોટી ઓળખ આપનાર શેહબાઝના પરિવાર પર પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેના અબ્બુ ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા છે અને તેનો એક ભાઈ ભારતીય વાયુસેનામાં ફરજ બજાવે છે. તેનો અન્ય એક ભાઈ હાલ ભણતો હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીના નિકાહ થઇ ચૂક્યા છે અને તેને બે સંતાનો પણ છે.
હાલ પોલીસે તેને ન્યાયિક કસ્ટડીમાં રાખ્યો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. એક તરફ હિંદુ નામ રાખવું, આર્મીના અધિકારી તરીકે ઓળખ આપવી અને ફ્લાઈટ તેમજ ટ્રેનમાં મુસાફરી કરવા પાછળ પોલીસને મોટા ષડ્યંત્રની ગંધ આવી રહી છે. પોલીસનું માનવું છે કે જો વાત માત્ર ચોરી સુધીની હોય તો કોઈ વ્યક્તિ બનાવટી પુરાવાઓ આપીને યાત્રા તો ન જ કરે. આરોપી ચોરીની આડમાં કોઈ મોટા ષડ્યંત્રને પાર પડવાની ફિરાકમાં હતો કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.