ગણેશોત્સવને લઈને હાલ દેશભરમાં ઊજવણીનો માહોલ છે. ઠેરઠેર ગણેશજીની સ્થાપના થઈ રહી છે. આવનારા કેટલાક દિવસો સુધી દેશનું વાતાવરણ ભગવાન ગણેશમય રહેશે. સામાન્ય વ્યક્તિઓથી લઈને ખ્યાતનામ હસ્તીઓ પોતાના ઘરે ભગવાન ગણેશજીને પધરાવી રહ્યા છે. આ જ ક્રમમાં બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાને પણ ઘરે ભગવાન ગણપતિની પધરામણી કરી હતી, પણ દર વખતની જેમ આ વખતે પણ કટ્ટરપંથી ઇસ્લામીઓને તે પસંદ ન આવ્યું અને ભડકી ઉઠ્યા. સારાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ગણેશજીની પૂજા કરતા સાથે ફોટા મૂક્યા નહીં કે કટ્ટરપંથીઓ ટ્રોલ કરવા માટે તૂટી પડ્યા.
ગણેશ ઉત્સવ શરૂ થતાંની સાથે જ મોટાભાગના ફિલ્મસ્ટારો પણ પોતપોતાના ઘરે ભગવાન ગણપતિ પધરાવી રહ્યા છે. આ જ શ્રેણીમાં અભિનેત્રી સારા અલી ખાને પણ પોતાના ઘરે શ્રીજીની પવિત્ર મૂર્તિ લાવીને સ્થાપના કરી. તેમણે સનાતન સંસ્કૃતિ મુજબ લાલ વસ્ત્ર પહેરીને, લાલ તિલક તેમજ લાલ ઘરેણાં પહેર્યાં હતાં. નોંધવું જોઈએ કે હિંદુ સંસ્કૃતિમાં લાલ રંગને અતિશુભ માનવામાં આવે છે. તેમણે હિંદુ પહેરવેશમાં ભગવાન ગણેશને પગે નમન કરતા ફોટા પાડીને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર મૂક્યા હતા. ફોટામાં તેઓ ચહેરા પર સ્મિત સાથે ભગવાનને પગે લાગી રહ્યાં છે.
સારાએ આ ફોટો મૂકીને તેના કૅપ્શનમાં લખ્યું કે, “ગણેશ ચતુર્થીની શુભકામનાઓ, બાપ્પા આપણા જીવનમાં શાંતિ અને ઉલ્લાસ લાવે.” તેમણે આ ફોટો તેમના આધિકારિક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મૂક્યો હતો.
સારાના આ રૂપને જોઈ કટ્ટરપંથી ઇસ્લામીઓ ભડક્યા
હંમેશની જેમ આ વખતે પણ કેટલાક કટ્ટરપંથી ઇસ્લામીઓને તે ન ગમ્યું કે એક મુસ્લિમ અભિનેત્રી આ રીતે કોઈ હિંદુ દેવતાની પૂજા અર્ચના કરે કે તેમના પ્રત્યે આસ્થા દર્શાવે. સારાએ કરેલી પોસ્ટ જોઈ કટ્ટરપંથીઓના પેટમાં તેલ રેડાયું અને તેઓ તેમને તેમની પોસ્ટ પર જઈને ટ્રોલ કરવા લાગ્યા. આ ટ્રોલર ટોળકીમાં માત્ર પુરુષો જ નહીં, પરંતુ મહિલાઓ પણ હતી. તમામે સારાની ભગવાન ગણેશ પ્રત્યેની આસ્થાની નિંદા કરી છે અને તેને વખોડી છે.
કોઈએ કાફિર કહી, તો કોઈએ જહન્નમ માટે લાનત આપી
સારાની પોસ્ટ જોઇને ઉકળેલા મુસ્લિમોએ તેમને અનેક રીતે અપમાનિત કરવાનો પ્રયત્ન કર્યો છે. એક આયશા નામની યુઝરે લખ્યું, “હમ જલેંગે ઈસસે ? અમને કોઈ ફરક જ નથી પડતો. અમે તેને મુસ્લિમ ગણતા જ નથી, તેનું નામ બસ મુસ્લિમ છે. આ અર્ધનગ્ન ફરવાવાળી અમારા પાક મઝહબમાં ક્યાંથી આવી ગઈ તે નથી સમજાતું.”
અન્ય એક હયા નૂર નામના એકાઉન્ટ પરથી સારાને આમ મૂર્તિપૂજા કરતાં જોઈને તેમના પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તેણે લખ્યું, “સર્વશક્તિમાન અલ્લાહે આ દુનિયા બનાવી છે. અમે બધા એક અલ્લાહને માનનારા છીએ. આ પથ્થરની મૂર્તિની પૂજા કરવી યોગ્ય નથી.” આટલું જ નહીં. લોકોએ સારાને ગાળો આપવા માટે પણ કમેન્ટ કરી, એકે લખ્યું કે સારાને ગાળો આપવા માટેનું બટન. અન્ય એક વ્યક્તિએ સારાને શરમ કરવા કહ્યું તો વળી એકે તેને શિર્ક ગણાવ્યું.
મહત્વની વાત તો તે છે કે, સારાને ટાર્ગેટ કરવામાં મુસ્લિમ મહિલાઓના નામવાળા એકાઉન્ટ વધારે જોવા મળ્યા હતા. સારા ખાન, મહોમ્મદ નિહાલ, અબ્દુલ હનન, શાહબાઝ, અહેમદ જેવા એકાઉન્ટ પરથી તેમને ગાળો ભાંડવામાં આવી, કોઈએ તેને પૂછ્યું કે, તને દફન કરવાની કે સળગાવવાની? તો વળી કોઈએ સારાને કાફિર પણ કહી દીધી.
આવી જ કમેન્ટ અન્ય એકાઉન્ટ પરથી પણ કરવામાં આવી. શરીફ શકીલ નામના એકાઉન્ટ પરથી સારાને અભદ્ર ભાષામાં ભાંડવામાં આવી. ઈમરાન શેખ અને રહેમાન નામના એકાઉન્ટ પરથી પણ આ પ્રકારની કમેન્ટ કરવામાં આવી કે સારા મુસ્લિમ નથી અને અલ્લાહ તેને જહન્નમમાં મોકલે.
આ પહેલાં પણ સારાને ગાળો ભાંડવામાં આવી હતી
જોકે, આ કોઈ પહેલી વખત નથી કે સારા અલી ખાનને કટ્ટરપંથી મુસ્લિમોએ ગાળો ભાંડી હોય. અહીં નોંધવું જોઈએ કે, સારા હિંદુ ધર્મમાં આસ્થા ધરાવે છે અને હિંદુ તહેવારો તે શ્રદ્ધાથી ઉજવે પણ છે. આ પહેલાં એકવાર જયારે સારાએ મહાશિવરાત્રિ પર શિવજીની પૂજા કરતી તસ્વીર પોસ્ટ કરી ત્યારે પણ કટ્ટરપંથીઓએ અપશબ્દો અને સલાહોનો મારો ચલાવ્યો હતો.
તે સમયે પણ સારાને મુસ્લિમ ન હોવાના ટોણા માર્યા હતા. લોકોએ તેને શિર્ક ન કરવાની સલાહો આપી હતી અને કેટલાકે તો અભદ્ર ભાષામાં ગાળો પણ ભાંડી હતી. જોકે, હવે મુસ્લિમ અભિનેતા કે અભિનેત્રી પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર હિંદુ પરંપરાને અનુસરતા સમયની કે તહેવારોની ઉજવણી કરતી તસ્વીરો પોસ્ટ કરે એટલે ઇસ્લામી કટ્ટરપંથીઓ તરફથી ગાળો મળવી જાણે સામાન્ય બાબત બની ગઈ છે. કટ્ટરપંથીઓ અવારનવાર આ પ્રકારે અનેક લોકોને ભાંડતા નજરે પડતા રહે છે.