Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાજે રાફાને લઈને ઈકોસિસ્ટમે કર્યો હતો કકળાટ, ત્યાંથી જ મળ્યા નિર્દોષ ઈઝરાયેલી...

    જે રાફાને લઈને ઈકોસિસ્ટમે કર્યો હતો કકળાટ, ત્યાંથી જ મળ્યા નિર્દોષ ઈઝરાયેલી બંધકોના મૃતદેહો: હમાસનો પ્રોપગેન્ડા પીરસનારાઓ આતંકી બર્બરતા પર મૌન

    વાત રહી ઇઝરાયેલની તો તેને પોતાની સ્વરક્ષા અને નાગરિકોને બચાવવા માટે હંમેશા લડતું જ રહેવું પડશે અને તે એવું કરે પણ છે. જો ઇઝરાયેલ સ્વરક્ષા અને પોતાના નાગરિકોની રક્ષા માટે હથિયાર નહીં ઉઠાવે તો તે એક સમયે ખતમ થઈ જશે. તેથી તેને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે લડવું જ પડશે.

    - Advertisement -

    7 ઑક્ટોબર, 2023નો દિવસ ઇઝરાયેલી ઇતિહાસમાં કાળા અક્ષરે અંકિત થઈ ગયો. આ એ જ દિવસ છે, જ્યારે ઇસ્લામી આતંકવાદી સંગઠન હમાસે અચાનક વહેલી સવારે ઇઝરાયેલ પર ઘાતક હુમલો કરી દીધો હતો અને હજારો નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. કેટલાક ઇઝરાયેલી નાગરિકોને બંધક બનાવી લેવામાં આવ્યા તો બાળકો અને મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મ આચરવામાં આવ્યાં. સરહદ પાર કરીને ઈઝરાયેલમાં ઘૂસી આવેલા હમાસના આતંકવાદીઓએ માનવતાની તમામ હદો પાર કરીને નિર્દોષ યહૂદીઓ પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. વળતા જવાબમાં ઇઝરાયેલે પણ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું અને યુદ્ધ જાહેર કરીને ગાઝામાં ઘૂસીને આતંકીઓનો સફાયો શરૂ કર્યો. ત્યારથી લઈને આજદિન સુધી ઇઝરાયેલ-હમાસ યુદ્ધની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. પણ આ સમયમાં પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે એકલા હાથે આતંકી સંગઠનને રાડ પડાવી રહેલું ઇઝરાયેલ ગ્લોબલ લેફ્ટ ઇકોસિસ્ટમ અને તેમની ટોળકીના અમુક મીડિયા તત્વો માટે વિલન પણ બની ગયું છે.

    ગુજરાતીમાં સિંહ અને ઉંદરની વાર્તા સૌ કોઈએ સાંભળી હશે. પરંતુ, તેનો એક બોધપાઠ એવો પણ છે કે, તમે કોઈ ક્રિયા કરશો તો સામે પક્ષેથી ચોક્કસ પ્રતિક્રિયા પણ મળશે. હવે આ જ નિયમ હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં પણ લાગુ પડે છે. ઇઝરાયેલને નષ્ટ કરીને ત્યાં ઇસ્લામી શાસન સ્થાપવાની મંશા લઈને નીકળેલા હમાસે સૌથી પહેલાં યહૂદી દેશ પર ‘કારણ વગર’ હુમલો કરી દીધો હતો. તે પણ અચાનક. અનેક ઇઝરાયેલીઓને મોતને ઘાટ ઉતારી દીધા, મહિલા-બાળકો સહિત અનેકના અપહરણ કર્યાં અને જ્યારે અસ્તિત્વ પર જોખમ ઊભું થવા લાગ્યું તો ઇઝરાયેલે આતંકનો પ્રબળ પ્રતિકાર કર્યો. હમાસની ક્રિયાની પ્રતિક્રિયા તરીકે ઈઝરાયેલે વળતો જવાબ આજ સુધી શરૂ રાખ્યો છે. ઇઝરાયેલની નીતિ છે કે તેઓ ક્યારેય આંખ ઉઠાવીને પોતાની તરફ જોનારાઓને છોડતા નથી. આવા દુશ્મન પાડોશીઓ વચ્ચે આટલા નાના દેશે આજ સુધી અસ્તિત્વ ટકાવી રાખ્યું તેનું એક મોટું કારણ આ પણ છે.

    અહીં તમામ ભૂલ આતંકી સંગઠન હમાસની છે. યુદ્ધના બ્યૂગલો સૌથી પહેલાં 7 ઑક્ટોબરના રોજ હમાસે ફૂંક્યાં અને આજે તેમના એક-એક આતંકીઓ ફૂંકાઈ રહ્યાં છે. પરંતુ ગ્લોબલ ઇકોસિસ્ટમ અને મીડિયા કાયમ ઇઝરાયેલ પર દોષનો ટોપલો નાખવા મથી રહ્યું છે. જ્યારે સ્પષ્ટ વાસ્તવિકતા એ છે કે, યુદ્ધની શરૂઆત હમાસે કરી હતી. ઇઝરાયેલ તો માત્ર સ્વરક્ષા માટે હાથમાં હથિયાર ધારણ કરીને પોતાના અસ્તિત્વને ટકાવી રહ્યું છે. સૃષ્ટિનો કોઈપણ જીવ કે પ્રાણી પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા આજીવન લડતો રહે છે અને તેને તેમ કરવાનો અધિકાર કુદરત દ્વારા આપવામાં આવ્યો છે. આજે સ્થિતિ એવી છે કે, ઇઝરાયેલ આતંકીઓને વીણી-વીણીને મારી રહ્યું છે અને અસહ્ય દુખાવો ગ્લોબલ મીડિયા અને ઇકોસિસ્ટમને થઈ રહ્યો છે.

    - Advertisement -

    આમ તો આ યુદ્ધમાં ઈઝરાયેલે નેરેટિવ વૉર પોતાની તરફ કરવામાં મહદ અંશે સફળતા મેળવી હતી, પણ તેમ છતાં ગ્લોબલ લેફ્ટ ઈકોસિસ્ટમ તેમને જ દોષી ગણાવીને હમાસના આતંકવાદીઓને નિર્દોષ ચીતરવામાં કોઇ કસર છોડતી નથી. ‘ઑલ આઇઝ ઓન રાફા’ જેવાં પેઇડ કેમ્પેઇન તેની સાબિતી છે, જે ચલાવીને દુનિયા સામે ઇઝરાયેલને વિલન ચીતરવામાં આવતું રહે છે. જ્યારે હમાસ તો જાણે દૂધે ધોયેલું હોય! આવાં કેમ્પેઇન છેક ભારત સુધી પણ આવી ગયાં હતાં. વચ્ચે ‘રાફા’ના નામે બહુ કચાટ કર્યો હતો. પણ તેમને બાંગ્લાદેશી હિંદુઓ માટે અવાજ ઉઠાવવાનું કહો તો મોંમાં મગ ભરાય જાય એ બે નંબરની વાત છે.

    જોકે, રાફાની ઘટનામાં પણ હકીકત જાણીજોઈને ઢાંકી દેવામાં આવી અને ઇઝરાયેલે નિર્દોષ બાળકોને-મહિલાઓને મારી નાખ્યાં હોવાનું કહેવાયું. જ્યારે હકીકતે ઈઝરાયેલની સેનાએ કહ્યું હતું કે, તેમનાં માત્ર 2 ફાઈટર જેટ રાફા મોકલવામાં આવ્યાં હતાં અને તેમાં સીમિત પ્રમાણમાં દારૂગોળો હતો. જેનાથી આટલી મોટી ખુવારી ન થઈ શકે. ઉપરાંત, હુમલો તો આતંકવાદી ઠેકાણાં પર કરવામાં આવ્યો હતો. પણ હમાસના આતંકવાદીઓ જાણીજોઇને દારૂગોળો અને હથિયારો એવા ઠેકાણે રાખે છે, જ્યાં નાગરિકોનો પણ વસવાટ હોય. તો જે ખુવારી થઈ એ હમાસનો દારૂગોળો વિસ્ફોટ પામ્યો એટલે થઈ હોય એવી પ્રબળ સંભાવના હતી. તેમ છતાં એક જ બાજુનો પ્રોપગેન્ડા ચલાવવામાં આવ્યો અને હમાસની કરતૂતો ઢંકાઈ ગઈ.

    મીડિયામાં આવતા સમાચારો અને તેની ઉપર થતી ચર્ચા પણ જોશો તો જણાશે કે ચર્ચા શાની વધુ થાય છે. હમાસના આતંકવાદીઓ ઇઝરાયેલ પર હુમલા કરે કે નિર્દોષ ઇઝરાયેલીઓને મારે તેના સમાચાર પ્રકાશિત પણ થાય તોપણ તેની ખાસ ચર્ચા થતી નથી, કે આપણા સુધી પહોંચતા નથી અને અખબાર કે વેબસાઈટના એક ખૂણામાં પડ્યા રહે છે. બીજું, આવા સમાચારો આપવાની પદ્ધતિ પણ જોવા જેવી છે. જેમાં ‘ઈઝરાયેલનો આવો દાવો છે’ કે પછી ‘ઇઝરાયેલ આમ કહી રહ્યું છે’ કહીને વાત કહેવામાં આવશે. પણ બીજી તરફ, ઇઝરાયેલ આતંકવાદીઓને પણ મારે અને કાર્યવાહીમાં ક્યાંક એકાદ નાગરિકને ખરોચ પણ આવે એટલે આખી એક ઇકોસિસ્ટમ જાગી ઊઠે છે અને છાતી કૂટવા માંડે છે. આવા સમાચારો જાણે શત પ્રતિશત સત્ય હોય અને સંપૂર્ણ તથ્યપૂર્ણ હોય તે રીતે આપવામાં આવશે. બીજી તરફ હમાસ પણ પોતે પહેલાં હુમલો કરીને જ્યારે જવાબ મળે ત્યારે વિક્ટિમ કાર્ડ રમવામાં પાવરધું થઈ ગયું છે. તેને સાથે મળે છે આ ટોળકીનો.

    6 ઇઝરાયેલી બંધકોના મૃતદેહ મળ્યા

    7 ઑક્ટોબરના રોજ હમાસે ઇઝરાયેલ પર હુમલો કરીને હજારો નાગરિકોને બંધક બનાવ્યા હતા. તેમાંથી કેટલાકને મારી નાખવામાં આવ્યા હતા તો કેટલાક પર અમાનુષી અત્યાચાર ગુંજારવમાં આવ્યા હતા. અમુકને ઇઝરાયેલી સેના બચાવવામાં સફળ થઈ છે. તાજેતરમાં ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સને (IDF) હમાસ દ્વારા જીવિત અપહ્યત કરવામાં આવેલા 6 ઇઝરાયેલી નાગરિકોના મૃતદેહો મળી આવ્યા. શનિવાર-રવિવારની રાત્રે દક્ષિણી ગાઝાના રાફામાં એક ટનલની અંદરથી તે મૃતદેહો મળી આવ્યા હતા. ઇઝરાયેલી સેનાએ જણાવ્યું છે કે, મૃતદેહ મળ્યાના થોડા કલાકો પહેલાં જ તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. મૃતકોની ઓળખ, હર્ષ ગોલ્ડબર્ગ-પોલિન, એડેન યેરૂશલમી, ઓરી ડૈનિનો, એલેક્સ લુબ્નોવ, કાર્મેલ ગેટ અને અલ્મોગ સારૂસી તરીકે થઈ છે. આ મૃતદેહો રાફામાં જ મળી આવ્યા છે, તેમ છતાં ‘ઑલ આઇઝ ઓન રાફા’ આ કેમ્પેઇન હવે નહીં ચાલે, કારણ કે, મૃતકો ઇઝરાયેલી નાગરિકો છે અને મારનારા હમાસના આતંકીઓ છે. ગ્લોબલ મીડિયા અને ઇકોસિસ્ટમનું આવી ઘટનામાં બોલવું તેમના ‘બંધારણ’ વિરુદ્ધ ગણાય છે.

    જે નાગરિકોના મૃતદેહો મળી આવ્યા છે, તેમને ઇઝરાયેલમાંથી બંધક બનાવીને ગાઝામાં લાવવામાં આવ્યા હતા. હમાસના આતંકીઓએ બંધકો સાથે અમાનુષી વ્યવહારો પણ કર્યા હતા. તમામના મૃતદેહો પર અનેક ઇજાનાં નિશાનો પણ મળી આવ્યાં હતાં. તેમના માથા અને શરીરના અન્ય ભાગો પર ગોળીના નિશાન જોવા મળ્યાં હતાં. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, મૃતદેહ મળ્યાના 48 કલાક પહેલાં તેમની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ તો થઈ માત્ર તાજેતરના મળી આવેલા 6 મૃતદેહોની વાત. પણ આવા અસંખ્યક લોકો આજે પણ હમાસના બંધકમાં છે. હુમલા દરમિયાન હમાસે હજારો ઇઝરાયેલી નાગરિકોને બંધક બનાવ્યા હતા. જેમાંથી કેટલાકના મૃતદેહો પહેલાં પણ મળ્યા હતા અને હજુ પણ મળી રહ્યા છે.

    બાકીના તમામ નાગરિકો આજે પણ પૃથ્વી પર જ નર્કની અનુભૂતિ કરી રહ્યા છે. હમાસના આતંકીઓ તેમના પર ભયંકર અત્યાચાર પણ ગુજારી રહ્યા છે. કેટલાક નાગરિકોના બાળકોને પણ તેમની સામે જ ગોળીઓ ધરબી દેવામાં આવી હતી. આ જ વાસ્તવિકતા છે હમાસની. ઇસ્લામિક આતંકવાદનું અંતિમ ધ્યેય માત્ર અને માત્ર હિંસા અને કાફિરોનો નરસંહાર છે. આ જ હમાસનું બંધારણ છે અને આ જ તેની વાસ્તવિકતા પણ છે. પરંતુ આવી બધી બાબતોની ચર્ચા ગ્લોબલ મીડિયા અને ઇકોસિસ્ટમમાં ક્યારેય થતી નથી. કોઈ આતંકવાદીનું ઘર ઉડાવી દેવામાં આવે તો આ જમાત આખી દુનિયા સળગાવવા નીકળી પડે છે. પરંતુ, જ્યારે નિર્દોષ નાગરિકોની અમાનુષી રીતે હત્યા કરી નાખવામાં આવે, ત્યારે આ જમાત ભયંકર મૌન ધારણ કરી બેસી રહે છે.

    અને વાત રહી ઇઝરાયેલની તો તેને પોતાની સ્વરક્ષા અને નાગરિકોને બચાવવા માટે હંમેશા લડતું જ રહેવું પડશે અને તે એવું કરે પણ છે. માત્ર ઇઝરાયેલ જ નહીં, પરંતુ દુનિયાનો કોઈપણ દેશ પોતાના નાગરિકોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. જો ઇઝરાયેલ સ્વરક્ષા અને પોતાના નાગરિકોની રક્ષા માટે હથિયાર નહીં ઉઠાવે તો તે એક સમયે ખતમ થઈ જશે. તેથી તેને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે લડવું જ પડશે અને ઇઝરાયેલ લડી પણ રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં