આસામ વિધાનસભામાં જુમ્માની નમાજ માટેનો 2 કલાકનો બ્રેક સમય હટાવી દેવામાં આવ્યો છે, ત્યારથી બિહારની રાષ્ટ્રીય જનતા દળ (RJD) પાર્ટીના નેતા તેજસ્વી યાદવ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને ઘેરવાનો પ્રયત્ન કરતા નજરે પડી રહ્યા છે. આ વાકયુદ્ધમાં હવે મુખ્યમંત્રી સરમાએ તેજસ્વી યાદવને જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે તેજસ્વી યાદવની નમાજને લઈને કરવામાં આવેલી ટિપ્પણીની ટીકા કરતાં કહ્યું છે કે, તેમણે ઉપદેશ આપતા પહેલાં પોતે તેમ કરી દેખાડવાની જરૂર છે.
વાસ્તવમાં આસામ સરકારે વિધાનસભામાં આપવામાં આવતા જુમ્માની નમાજ માટેના બ્રેકની પ્રથા પર રોક લગાવી દીધી છે. એટલે કે, હવેથી આસામ વિધાનસભામાં મુસ્લિમ ધારાસભ્યોને જુમ્માની નમાજ પઢવા માટે અલગથી રીસેસ નહીં આપવામાં આવે. આ નિર્ણય બાદ બિહાર RJDના નેતા તેજસ્વી યાદવે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર ટિપ્પણીઓ કરી હતી. તેમણે સરમા પર ‘સસ્તી લોકપ્રિયતા’ મેળવવા માટે સ્ટંટ કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ સીએમ સરમાએ તેમના પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, મને સલાહ આપનારા લોકો પહેલા પોતે તે કરી બતાવે.
‘મને સલાહ આપવાવાળા પોતે ચાર કલાકનો બ્રેક આપી બતાવે’: CM સરમા
તેજસ્વિની ટિપ્પણી બાદ સીએમ સરમાએ પણ તેમને વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “જો મને સલાહ આપનારા લોકો પોતે પોતાના રાજ્યમાં ચાર કલાકનો જુમ્માની નમાજનો બ્રેક આપતા હોય, તો હું 2 કલાકનો બ્રેક ફરી લાગુ કરી દઈશ.” તેમણે એક જાહેર સભામાં સંબોધન કરતા કહ્યું કે, “તેજસ્વી યાદવ મારી ટીકા કરી રહ્યા છે. પરંતુ હું તેમને પૂછવા માંગું છું કે, શું બિહારમાં આવી કોઈ પ્રથા છે ખરી? તેઓ જયારે બિહારના ડેપ્યુટી સીએમ હતા ત્યારે તેમણે 4 કલાકનો બ્રેક લાગુ કરવાની જરૂર હતી. મને ઉપદેશ આપતા પહેલાં તમે પોતે તો તે કરી બતાવો.”
તેમણે આગળ જણાવ્યું કે, આસામ વિધાનસભા ઉપરાંત લોકસભા કે રાજ્યસભામાં ક્યાંય પણ 1937ની આ બ્રિટીશ પ્રથાની જોગવાઈ નથી. સાથે જ તેમણે કહ્યું કે, “જુમ્માના બ્રેકને રદ કરવાનો નિર્ણય મુખ્યમંત્રીનો નથી, પરંતુ રાજ્યના તમામ હિંદુ અને મુસ્લિમ ધારાસભ્યોનો છે. જયારે વિધાનસભા અધ્યક્ષે તેની ઘોષણા કરી ત્યારે સદનમાં હાજર એક પણ મુસ્લિમ ધારાસભ્યએ તેનો વિરોધ નથી કર્યો. આસામ વિધાનસભામાં કૂલ 126 ધારાસભ્યો છે, જેમાંથી 25 મુસ્લિમ છે.” તેમણે એમ પણ જણાવ્યું કે, વિરોધ માત્ર આસામની બહાર જ થઇ રહ્યો છે. બાકી આસામની વિધાનસભામાં તો પ્રસ્તાવ સર્વસહમતીથી જ પસાર થયો છે.
શુક્રવારે જ નિર્ણય લેવાયો હતો કે જુમ્માની નમાજ માટે રીસેસ નહીં મળે
નોંધનીય છે કે, આસામના મુખ્યમત્રી હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે (30 ઓગસ્ટ 2024) એટલે કે જુમ્માના દિવસે જ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને વિધાનસભામાં આપવામાં આવતી જુમ્માની નમાજની રીસેસ રદ કરી નાખી હતી. તે અંગેની માહિતી તેમણે પોતાના આધિકારિક X હેન્ડલ પરથી આપી હતી. તેમણે આ પ્રથાને મુસ્લિમ લીગની વિચારધારાવાળી ગણાવી હતી.
By doing away with the 2 hour Jumma break, @AssamAssembly has prioritised productivity and shed another vestige of colonial baggage.
— Himanta Biswa Sarma (@himantabiswa) August 30, 2024
This practice was introduced by Muslim League’s Syed Saadulla in 1937.
My gratitude to Hon’ble Speaker Shri @BiswajitDaimar5 dangoriya and our…
આ અંગે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, “આસામ વિધાનસભાની ઉત્પાદકતા વધારવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના કોલોનિયલ બોજને હટાવવા માટે, દર શુક્રવારે જુમ્મા માટે થઈને સદનને 2 કલાક માટે સ્થગિત કરતાં નિયમને રદ કરવામાં આવ્યો છે.” તેમણે કહ્યું હતું કે, “આ પ્રથા 1937 પહેલા મુસ્લિમ લીગના સૈયદ સાદુલ્લાહ દ્વારા શરૂ કરવામાં આવી હતી.” આ સાથે જ તેમણે વિધાનસભા અધ્યક્ષ અને મુસ્લિમ ધારાસભ્યો સહિત તમામ નેતાઓનો આભાર પણ માન્યો હતો.