એક તરફ હિંદુઓનો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. સોમવારે (19 ઓગસ્ટ 2024) લોકો ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યા હતા, ને બીજી તરફ બોરસદના ટેકરીયાપુરા ખાતેની નહેરમાંથી ગાયનું કપાયેલું માથું મળી આવતા આખા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મહત્વની વાત એ છે કે બોરસદ આસપાસના અનેક ગામોમાં આ નહેર મારફતે પીવા તેમજ ખેતી માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે. તે જ નહેરમાંથી ગાયનું માથું મળી આવતા સ્થાનિક હિંદુઓની ધાર્મિક આસ્થા દુભાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રક્ષાબંધનના દિવસે સવારે સંવેદનશીલ શહેર બોરસદના વનતળાવ પાસેથી પસાર થતી નહેરમાં ગાયનું માથું મળી આવ્યું હતું. આ નહેર ટેકરીયાપુરા પાસેથી પસાર થાય છે અને અહીં કેટલાક ખેડૂતોને નહેરમાં ગાયનું માથું દેખાતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. જોતજોતામાં વાત આખા પંથકમાં ફેલાઈ ગઈ. ઘટનાની જાણ થતા જ સ્થાનિક હિંદુ સંગઠનો ટેકરીયાપુરા નહેર પર દોડી આવ્યા હતા. બીજી તરફ પોલીસને પણ માહિતી મળતા આખો પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકાઈ ગયો હતો.
પોલીસની હાજરીમાં જ નહેરમાંથી ગાયનું માથું બહાર કાઢવામાં આવ્યું. પોલીસે તેનું પંચનામું કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવીને આ પ્રકારનું કૃત્ય કરનાર લોકોને તાત્કાલિક ઝડપી લેવા માંગ કરી છે. પોસ્ટમોર્ટમ અને અન્ય કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થતા જ હિંદુ સંગઠનો અને સ્થાનિક લોકોએ ગાયના માથાને હિંદુ વિધિ-વિધાન અનુસાર સમાધી આપી હતી. બીજી તરફ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ આદરી છે.
બે દિવસમાં બે ઘટના
આ તો થઈ રક્ષાબંધનના દિવસની વાત. તેના બીજા દિવસે, એટલે કે મંગળવારે (20 ઓગસ્ટ 2024) પણ જ્યાંથી ગાયનું માથું મળી આવ્યું, તેના 50 જ મીટર દૂર કોઈ ગાયનું ચામડું ફેંકી ગયું હતું. ફરી એક વાર લોકોના ટોળા નહેર પર એકઠા થઈ ગયા હતા. સતત બે દિવસ ગૌવંશના અંશ મળી આવતા હિંદુ સંગઠનોનો રોષ સાતમાં આસમાને પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ફરી દોડતી થઇ હતી. હાલ પોલીસે આ ચામડા સહિતના મૃત અવશેષોને FSL માટે મોકલી આપ્યા છે.
આ નહેરનું પાણી પીવા તથા ખેતીના ઉપયોગ માટે વપરાય છે, અમારી ધાર્મિક લાગણી દુભાઈ- વિશ્વ હિંદુ પરિષદ
નોંધનીય છે કે, આણંદ જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અશાંતિ ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા હોવાના આરોપો હિંદુ સમાજ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે બોરસદની તાજેતરની ઘટનાથી હિંદુ સમુદાય આઘાત અને આક્રોશની લાગણી અનુભવી રહ્યો છે. આ મામલે વિશ્વ હિંદુ પરિષદના પ્રખંડ મંત્રી મેહુલ પટેલે ઑપઇન્ડિયા સાથે વાત કરીને આખો ઘટનાક્રમ જણાવ્યો હતો.
તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “અમે રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યા હતા. એટલામાં સ્થાનિક લોકોનો ફોન આવ્યો કે નહેરમાં કોઈ ગાયનું માથું અને ચામડું કાપીને નાખી ગયું છે. હવે આ કેનાલમાંથી આસપાસના ગામડાઓના મોટાભાગે હિંદુઓની વસ્તી છે. આ પાણી ખેતી અને પશુઓને પીવડાવવા ઉપરાંત લોકો પણ પીવા માટે ઉપયોગ કરે છે. હવે વિચારો કે ગૌમાતા આપણા ધર્મમાં કેટલું મહત્વ ધરાવે છે. અને એ જ ગૌમાતાના માંસના ટુકડા અને માથા જો આપણા પીવાના પાણીમાં હોય તો આપણી શું હાલત થાય?”
તેમણે વધુમાં કહ્યું કે, “સામાન્ય દિવસોમાં પણ મોટાભાગના હિંદુઓ માંસાહારથી દૂર રહે છે. જે લોકો માંસાહાર કરે પણ છે, તેઓ ક્યારેય ગૌમાંસ ન ખાય. અને અત્યારે તો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. તેવામાં જો આ પ્રકારે જળાશયોને અપવિત્ર અને દુષિત કરવામાં આવે તો તે સાંખી ન લેવાય. શું જે લોકો આ પાણીનો પીવાના પાણી તરીકે ઉપયોગ કરતા હશે તેમની લાગણી નહીં દુભાઈ હોય? તેમની આસ્થાને ઠેસ નહીં પહોંચી હોય?”
આણંદ જિલ્લામાં શાંતિ ડહોળવાના અનેક પ્રયાસ, અમે પ્રશાસનને આવેદન પત્ર પાઠવીશું- મેહુલ પટેલ
બોરસદના ટેકરીયાપુરામાં ગાયનું કપાયેલું માથું કોઈ પ્રથમ ઘટના નથી, કે જેમાં હિંદુ આસ્થા સાથે ચેડા કરવામાં આવ્યા હોય. આ વિશે જણાવતા મેહુલ પટેલે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “બોરસદમાં આ પહેલા પણ આવી જ 2 ઘટનાઓ ઘટી ચૂકી છે. આણંદમાં પણ કોથળીમાં ભરીને ગૌવંશના અવશેષો મળી આવ્યા હતા. પણ એ કેસમાં પોલીસ આરોપીઓને શોધવામાં અસફળ રહી છે. આ ઘટનાને લઈને ત્વરિત કાર્યવાહી કરવામાં આવે અને આરોપીઓને કડકમાં કડક સજા આપવાની માંગ સાથે અમે આવતીકાલે પ્રશાસનને આવેદન પત્ર પાઠવીશું.” તેમના જણાવ્યા અનુસાર આણંદ જિલ્લામાં એવી અનેક ઘટનાઓ ઘટી છે જેમાં શાંતિ ડહોળવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનામાં મેહુલ પટેલ પોતે ફરીયાદી થયા છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, જે ગાયનું માથું નહેરમાંથી મળી આવ્યું છે, તેના મોઢા પર મોયડી (પશુને બાધવા માટેનો દોરડાથી બનાવેલો એક પ્રકારનો ગાળિયો)બાંધેલી હતી. ગાયના કાનમાં કોઈ પણ પ્રકારનો ટેગ નહતો. સાથે જ આ માથું માત્ર દોઢ-બે ફૂટ ઊંડા પાણીમાં હતું. ફરિયાદમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે આ માથું બીજે કશેથી તણાઈને આવ્યું હોય તેવું નથી જણાઈ રહ્યું. પરંતુ હિંદુ સમુદાયની લાગણી દુભાવવા માટે જાણીજોઈને આ કૃત્ય કરવામાં આવ્યું છે. મેહુલ પટેલની ફરિયાદના આધારે બોરસદ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ BNSની કલમ 299 અને 325 તેમજ પ્રાણી સંરક્ષણ અધિનિયમ 8 (2) મુજબ FIR નોંધી છે. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.