Friday, September 20, 2024
More
    હોમપેજદેશPM મોદીએ કહ્યું 'હર ઘર તિરંગા' અભિયાનને બનાવો જન આંદોલન, તો દેશવાસીઓએ...

    PM મોદીએ કહ્યું ‘હર ઘર તિરંગા’ અભિયાનને બનાવો જન આંદોલન, તો દેશવાસીઓએ ખરીદ્યા રેકોર્ડતોડ રાષ્ટ્રધ્વજ: સ્વતંત્રતા દિવસ પહેલાં જ થયો 60થી 70%નો વધારો

    સ્વતંત્રતાના 75 વર્ષ અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત PM મોદી દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીની અપીલ બાદ તિરંગાનું 500 કરોડનું વેચાણ થયું હતું અને 30 કરોડ જેટલા તિરંગા બનાવવામાં આવ્યા હતા.

    - Advertisement -

    દેશનો 78મો સ્વતંત્રતા દિવસ (Independence Day) નજીક આવી રહ્યો છે. ત્યારે PM મોદી દ્વારા ‘હર ઘર તિરંગા’ (Har Ghar Tiranga) અભિયાનને ‘જન આંદોલન’ બનાવવાની અપીલ કરવામાં આવી હતી. અપીલ બાદ 15 ઓગસ્ટની ઉજવણીની તૈયારીઓનો ઉત્સાહ વધી ગયો છે. તિરંગાના વેચાણમાં 60-70 ટકાનો વધારો થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2022માં ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કર્યું હતું. તિરંગો લહેરાવવાના, બનાવવાના સહિત ઘણા બધા નિયમોમાં ફેરફાર પણ કર્યા હતા.

    PM મોદીએ (Narendra Modi) 11 ઓગસ્ટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, “સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે, આવો આપણે સૌ મળીને ‘હર ઘર તિરંગા’ અભિયાનને જન આંદોલન બનાવીએ.” આ બાદ PM મોદીએ પોતાનો પ્રોફાઇલ ફોટો બદલી તેમાં તિરંગો લગાવ્યો હતો. તથા સામાન્ય માણસોને પણ આવું કરવા અને તિરંગા સાથે સેલ્ફી લઈ મોકલવા અપીલ કરી હતી. PM મોદીની આ અપીલની એવી અસર થઈ કે તિરંગાના વેચાણમાં 60-70 ટકાનો વધારો થવા પામ્યો.

    ઉલ્લેખનીય છે કે PMની અપીલ બાદ લોકો પૂર જોશમાં સ્વતંત્રતા દિનની ઉજવણીમાં લાગી ગયા છે. તિરંગાની ખરીદી કરી રહ્યા છે. ઘણા બધા લોકો તો બલ્કમાં રાષ્ટ્રધ્વજ ખરીદી લોકોને મફતમાં આપી રહ્યા છે. તિરંગાના કલરમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ પણ બનાવવામાં આવી રહી છે. નાની નાની ચકરડીઓ, નાની સાઇઝના તિરંગા, બ્રેસલેટ, ટોપી, બેચ, ફુગ્ગાઓ, જેવી અલગ અલગ પ્રકારની વસ્તુઓ બજારમાં આવવા લાગી છે. હાલમાં બજારમાં અલગ અલગ સાઈઝના ₹20થી શરૂ કરી ₹500 સુધીના ઝંડાઓ મળી રહ્યા છે.

    - Advertisement -

    સ્વતંત્રતા દિવસના 4-5 દિવસો પહેલા જ તેની ઉજવણીની શરૂઆત થઈ જતી હોય છે. ક્યાંક ક્યાંક તો 2-3 દિવસ પહેલા જ કાર્યક્રમોની શરૂઆત થઈ જાય છે. ત્યારે આવા સમયે તિરંગાની અને તિરંગા કલરની વસ્તુઓની માંગ વધવી સ્વાભાવિક છે, પરંતુ PM મોદીની અપીલ બાદ રાષ્ટ્રધ્વજ બનાવનાર લોકોને બલ્કમાં ઓર્ડર મળી રહ્યા છે. વિદેશોમાં પણ તિરંગાની માંગ જોવા મળી રહી છે. નાનીથી મોટી દુકાનો, લારીઓ, ઓનલાઈન માધ્યમ, સ્થાનિક બજારો દરેક જગ્યાએ તિરંગાનું બહોળા પ્રમાણમાં વેચાણ શરૂ થઈ ગયું છે.

    નોંધનીય બાબત છે કે પહેલા માત્ર ખાદીના કાપડનો જ રાષ્ટ્રધ્વજ બનતો હતો, અને અમુક સંસ્થાઓને જ રાષ્ટ્રધ્વજ ફરકાવવાની પરવાનગી હતી. પરંતુ વર્ષ 2021 ડિસેમ્બરમાં આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ બાદ વોકલ ફોર લોકલને વધુ ઢીલ મળી. અલગ અલગ કાપડ અને આકારમાં તિરંગાની બનાવટ શરૂ થઈ હતી. ગ્રાહકો પોતાની પસંદના કપડાં અને આકારમાં તિરંગાની માંગ કરવા લાગ્યા હતા. જેના પરિણામે નાના દુકાનદારોને પણ ફાયદો થવા લાગ્યો હતો.

    2022માં PM મોદીએ શરૂ કરાવ્યું હતું આ અભિયાન

    સ્વતંત્રતાના 75 વર્ષ અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત PM મોદી દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીની અપીલ બાદ તિરંગાનું 500 કરોડનું વેચાણ થયું હતું અને 30 કરોડ જેટલા તિરંગા બનાવવામાં આવ્યા હતા. 2022માં પણ PM મોદીએ લોકોને તિરંગા સાથે સેલ્ફી પોસ્ટ કરવા કહ્યું હતું. ત્યારે લગભગ 5 કરોડ આસપાસ સેલ્ફીઓ પોસ્ટ કરવામાં આવી હતી.

    2022 પહેલાં સ્વતંત્રતા દિવસે માત્ર અમુક જ સંસ્થાઓ તિરંગો ફરકાવી શકતી હતી, પરંતુ 2022 PM મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ થયા બાદ સામાન્ય માણસ પણ પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે. ત્યારે સામાન્ય લોકોમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને જાગૃતિ આવી છે. લોકોની અંદર ક્યાંક છુપાઈ ગયેલી રાષ્ટ્રહિતની ભાવના ઉજાગર થવા લાગી છે. લોકો ઉત્સાહ ભેર પોતાના ઘરે તિરંગો લહેરાવતા થયા છે, ત્યારે આ વર્ષે પણ PM મોદીને લોકોને પોતાના ઘરે તિરંગો લહેરાવવાની અપીલ કરી છે. લોકોનો ઉત્સાહ તિરંગાના વધી રહેલા વેચાણના આધારે જોઈ શકાય છે. 15 ઓગસ્ટ આવતાં આવતાં હજી તિરંગાનું વેચાણ વધે તેવી સંભાવના છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં