બાંગ્લાદેશમાં (Bangladesh) સરકાર વિરોધી આંદોલનના બહાને હિંદુઓ પર હિંસા કરવાના ઘણા મામલાઓ સામે આવ્યા હતા. શેખ હસીનાએ (Sheikh Hasina) રાજીનામું આપ્યા બાદ હિંદુઓ પર હુમલાની ઘટના વધી રહી હતી. ત્યારે બાંગ્લાદેશની વચગાળાની સરકારના ગૃહ મામલાઓના સલાહકાર એમ સખાવત હોસૈને (M Sakhawat Hossain) હિંદુઓની માફી માંગી છે. વચગાળાની સરકારે શપથ ગ્રહણ કર્યા બાદ બાંગ્લાદેશી લઘુમતીની માફી માંગી હતી. તેમણે સ્વીકાર્યું છે કે, બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ પર હુમલા થયા છે અને તેઓ તેમને સુરક્ષા પૂરી પાડવામાં સદંતર નિષફળ નીવડ્યા છે.
બાંગ્લાદેશમાં હિંસાના પગલે વડાંપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ ઉઠી હતી. શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ તાજેતરમાં જ વચગાળાની સરકાર બની છે. જે સરકારે હવે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલી હિંસા માટે માફી માંગી છે. વચગાળાની સરકારના ગૃહ મામલાઓના સલાહકાર એમ સખાવત હોસૈને 11 ઑગસ્ટે માફી માંગતા કહ્યું હતું કે, “અમે હિંદુઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા છીએ. તેમની સુરક્ષાની જવાબદારી મુસ્લિમ બહુમતીની હતી. અમે ભવિષ્યમાં હિંદુ સમાજને સુરક્ષા આપવાનું અને પરિસ્થિતિમાં સુધાર લાવવાનું આશ્વાસન આપીએ છીએ.”
New Home Minister Shakhawat Hossain Apologises To Hindu Community For Failure To Protect Them. He Says Its The Failure Of Majority Community To Protect Others. He Hopes Things Will Be Better Soon
— বাংলার ছেলে 🇧🇩 (@iSoumikSaheb) August 11, 2024
Good To See He Apologising Though Majority Incidents Happened Before He Took Oath… pic.twitter.com/QXq2mG6bol
ઉલ્લેખનીય છે કે, સખાવત હોસૈને આ ઘટનાઓ માટે આડકતરી રીતે મીડિયાને જવાબદાર ગણાવ્યું હતું. તેમણે રાજારબાગ સેન્ટ્રલ પોલીસ હોસ્પિટલમાં ઘાયલ પોલીસકર્મીઓની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, “જ્યારે મીડિયા સત્યને સમર્થન આપતું નથી ત્યારે એક રાષ્ટ્ર અસ્તવ્યસ્ત થઈ જાય છે.” ઉપરાંત તેમણે કહ્યું કે, જો મીડિયાએ સચોટ રીતે હિંદુ હિંસાની ઘટનાઓની જાણ કરી હોત તો પોલીસના માધ્યમથી આ હિંસાઓ રોકી શકાઈ હોત.
તેમણે મીડિયાની ટીકા કરતાં કહ્યું હતું કે, “મીડિયા ઘણીવાર સત્યની અવગણના કરે છે… ટોકશોમાં જરૂરી બાબતોનો અભાવ હોય છે અને મીડિયા સચોટ માહિતી આપવામાં નિષ્ફળ જાય છે, તેથી મીડિયાએ પ્રમાણિક્તાથી માહિતી રજૂ કરવી જોઈએ.” ઉપરાંત વચગાળાની સરકારે મીડિયાને ખોટી અને ભ્રામક બાબતો ના ફેલાવવા ચેતવણી પણ આપી છે. સરકારે કહ્યું છે કે, જો મીડિયા આવું કરશે તો તે માધ્યમ પર પ્રતિબંધ લગાવવાની ફરજ પડી શકે છે.
સાથે એ પણ નોંધવા જેવુ છે કે, ભારતમાં રહેલા કથિત ફેક્ટચેકર અને ઇસ્લામવાદીઓએ બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંદુવિરોધી હિંસાને નકારી હતી. વિદેશી મીડિયાએ પણ ઘણીવાર આવી ઘટનાઓને નકારી હતી. જ્યારે હવે તો બાંગ્લાદેશની વચગાળાની સરકારે જ આ અંગે કબૂલનામું કર્યું છે કે, પાડોશી દેશમાં હિંદુઓ પર હુમલા થયા હતા. સરકારે તે પણ કબૂલ્યું છે કે, હુમલા થયા હોવા છતાં બાંગ્લાદેશ પ્રશાસન લઘુમતી હિંદુઓને સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ ગયું હતું.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં આરક્ષણના વિરોધમાં આંદોલન શરૂ થયા હતા. જેણે બાદમાં સરકાર વિરોધી હિંસાનું સ્વરૂપ ધારણ કર્યું અને જમાત દ્વારા આખો મુદ્દો હાઈજેક કરી લેવામાં આવ્યો હતો. ત્યારપછીથી હિંદુઓ પર બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ દ્વારા હુમલાની ઘટનાઓ સામે આવી રહી હતી. હિંદુઓના ઘરો પર હુમલા, મંદિરોમાં તોડફોડ, લૂંટ, મહિલાઓના અપહરણ, તેમની સાથે બળાત્કાર અને હત્યા સહિતના હિંસાના મામલાઓ સામે આવ્યા હતા. જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સમગ્ર વિશ્વનું ધ્યાન જ્યારે આ ઘટનાઓ પર ખેંચાયું ત્યારે વચગાળાની સરકારે હિંદુઓની માફી માંગી છે.