Sunday, September 22, 2024
More
    હોમપેજસ્પેશ્યલઅનુમાનો અને ધારણાઓના આધારે આરોપો, ઠોસ દાવાનો અભાવ: સમજો કેમ કશું સાબિત...

    અનુમાનો અને ધારણાઓના આધારે આરોપો, ઠોસ દાવાનો અભાવ: સમજો કેમ કશું સાબિત નથી કરી શકતો SEBI ચીફને ટાર્ગેટ કરતો હિંડનબર્ગનો તાજો રિપોર્ટ

    જે રીતે હિંડનબર્ગ રિસર્ચે માધવી બુચ અને વિનોદ અદાણી વચ્ચેના વ્યવસાયી સંબંધો સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે, એ વિચિત્ર છે. શોર્ટસેલરે માત્ર એક જ ઑફશોરમાં રોકાણ કરવા બદલ બંને વચ્ચે મિલીભગતનો આરોપ લગાવી દીધો છે. અને આટલું પૂરતું નથી.

    - Advertisement -

    અગાઉ પણ ભારતીય ઉદ્યોગ સમૂહ અદાણી જૂથને ટાર્ગેટ કરીને વિવાદોમાં આવેલી અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ ‘હિંડનબર્ગ રિસર્ચ’ દ્વારા શનિવારે (10 ઑગસ્ટ) નવો એક રિપોર્ટ પ્રકાશિત કરીને ભારતના માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયાનાં (SEBI) ચેરપર્સન માધવી બુચને ટાર્ગેટ કરવામાં આવ્યાં. અગાઉ આ ફર્મે અદાણીને ટાર્ગેટ કરીને ભારતના બજારમાં $100 બિલિયનનું નુકસાન કરાવ્યું હતું, હવે તેમણે ટાર્ગેટ SEBIને બનાવ્યું છે. 

    હિંડનબર્ગ રિસર્ચે આરોપ લગાવ્યો છે કે SEBIનાં ચેરપર્સન માધવી બુચ અને તેમના પતિ ધવલ બુચની અમુક એવી ‘ગુપ્ત’ ઑફશોર એન્ટિટીમાં ભાગીદારી છે, જે ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી સાથે સંકળાયેલી છે. 

    SEBI ચીફ પર આરોપ લગાવતાં હિંડનબર્ગ લખે છે, “હાલનાં SEBI ચેરપર્સન અને તેમના પતિ ધવલ બુચ પાસે બરમુડા અને મોરેશિયસના એ જ ગુપ્ત ઑફશોર ફંડમાં અમુક છૂપી ભાગીદારી હતી, જે ફંડ એ જ જટિલ સંરચનાનો ભાગ હતા, જેનો ઉપયોગ વિનોદ અદાણીએ પણ કર્યો હતો.” હિંડનબર્ગનું કહેવું છે કે તેમના આ દાવાઓ અમુક બાતમીદારો અને તપાસ એજન્સીઓ દ્વારા પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજો પર આધારિત છે. 

    - Advertisement -

    આગળ કહે છે કે, “જો SEBI ખરેખર ઑફશોર ફંડ હોલ્ડર્સને શોધવા માંગતી હોય તો કદાચ SEBI ચેરપર્સને શરૂઆત પોતાને જ અરીસામાં જોઈને કરવી જોઈએ. એ બાબતમાં બિલકુલ આશ્ચર્ય નથી કે SEBI શા માટે એ ટ્રેઇલ પકડવામાં બહુ રસ દાખવી નથી રહી, જે અંતે પોતાના જ ચેરપર્સન પાસે જઈને અટકે.”

    ટૂંકમાં હિંડનબર્ગ રિસર્ચે SEBI અને તેનાં પ્રમુખની નીતિમત્તા પર પ્રશ્ન ઉઠાવીને ભારતીય ઉદ્યોગસમૂહ અદાણીને વચ્ચે ઘસડી લાવીને તેમની સામે કોઇ કાર્યવાહી થતી ન હોવાનું અને બંને વચ્ચે મિલીભગત હોવાનું સાબિત કરવાના પ્રયાસ કર્યા છે. એ ભૂલવું ન જોઈએ કે આ પહેલાં જાન્યુઆરી, 2023માં હિંડનબર્ગે અદાણી જૂથ પર કંપનીઓ વિરુદ્ધ ‘ફ્રોડ’ અને ‘સ્ટોક મનિપ્યુલેશન’ના તદ્દન ખોટા અને પાયા વગરના આરોપો લગાવ્યા હતા.  

    આ અગાઉ SEBIએ અમેરિકી ફર્મ પર ખોટા ફાયદા મેળવવા માટે આ કારસ્તાનો કરવાના આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે હિંડનબર્ગે પહેલાં જ ચીન સાથે સંકળાયેલા હેજ ફંડ સાથે પોતાનો અદાણી જૂથ પરનો રિપોર્ટ શૅર કરી દીધો હતો. સાથે એ પણ ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પણ પોતાના ચુકાદામાં SEBIને ક્લીન ચિટ આપી હતી. 

    ગત વર્ષે જાતજાતના આરોપો લગાવ્યા પછી પણ અદાણી જૂથને ફસાવી ન શકી તો હવે આ ફર્મ  ‘હિંડનબર્ગ રિસર્ચ’ હતાશ થઈ ગઈ છે અને હવે સીધું નિશાન ઉદ્યોગસમૂહ વિરુદ્ધ લગાવવામાં આવેલા ‘ફ્રોડ’ અને ‘સ્ટોક મનિપ્યુલેશન’ના આરોપોની તપાસ કરતી સંસ્થા SEBI પર સાધવામાં આવ્યું છે. જેમાં SEBI ચેરપર્સન માધવી બુચ અને તેમના પતિ ધવલ બુચ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમની અમુક ગુપ્ત ઑફશોર ફંડ્સમાં ભાગીદારી છે, જેનો ઉપયોગ અદાણી મની સાયફનિંગ કૌભાંડમાં થયો હતો. 

    હિંડનબર્ગનો દાવો છે કે ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીએ વર્ષ 2013માં ‘ગ્લોબલ ડાયનેમિક એપોર્ચ્યુનિટીસ ફંડ’ નામના એક બરમુડા સ્થિત ફંડમાં રોકાણ કર્યું હતું, જેણે પછી મોરેશિયસ સ્થિત એક ઑફશોર ફંડ ‘IPE પ્લસ ફંડ’માં રોકાણ કર્યું. હિંડનબર્ગનો આરોપ છે કે માધવી બુચ અને તેમના પતિ ધવલ બુચે સિંગાપોરમાં વર્ષ 2015માં IPE પ્લસ ફંડ 1’માં ખાતાં ખોલાવ્યાં હતાં. આગળ દાવો એવો છે કે SEBI પ્રમુખે રેગ્યુલેટરી બોડીમાં જોડાવા પહેલાં પોતાનું નામ હટાવી દીધું હતું.

    વર્ષ 2018માં ધવલ બુચ દ્વારા ‘IPE પ્લસ ફંડ 1’ની $872,762.25ની રકમ રિડિમ કરવામાં આવી હતી, જે ટ્રાન્ઝેક્શન ‘ઇન્ડિયન ઈન્ફોલાઈન’ નામની એક વેલ્થ મેનેજમેન્ટ ફર્મ દ્વારા કરવામાં આવ્યું હતું. હવે અહીં માધવી બુચ તે સમયે ઑફશોર ફંડમાં ભાગીદારી ધરાવતાં હતાં, જેનો ઉપયોગ હિંડનબર્ગે એવું દર્શાવવા માટે કર્યો છે કે SEBIનાં ચેરપર્સન રહેતાં તેઓ અદાણી સામે યોગ્ય કાર્યવાહી કરી રહ્યાં નથી. 

    અહીં બે વાત સમજવા જેવી છે. તેઓ SEBIનો ભાગ બન્યાં તે પહેલાં જ પોર્ટફોલિયો છોડી દીધો હતો અને ‘IPE પ્લસ ફંડ 1’ સાથે સંકળાયેલ ફંડ તેમના પતિ દ્વારા (જેઓ તે સમયે એસેટના માલિક હતા) હિંડનબર્ગનો રિપોર્ટ પ્રકાશિત થયો તેના 5 વર્ષ પહેલાં જ રિડિમ કરી લેવામાં આવ્યું હતું. અમેરિકન શોર્ટસેલરે જે દસ્તાવેજો પૂરા પાડ્યા છે, તે અનુસાર આમાં 0.02%નું નુકસાન થયું હતું. એટલે ખોટ ખાતા ફંડ માટે ‘કનફિલક્ટ ઑફ ઇન્ટરેસ્ટ’ની સંભાવના વ્યક્ત કરવી એ વિચિત્ર બાબત છે. 

    જે રીતે હિંડનબર્ગ રિસર્ચે માધવી બુચ અને વિનોદ અદાણી વચ્ચેના વ્યવસાયી સંબંધો સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે, એ વિચિત્ર છે. શોર્ટસેલરે માત્ર એક જ ઑફશોરમાં રોકાણ કરવા બદલ બંને વચ્ચે મિલીભગતનો આરોપ લગાવી દીધો છે. અને આટલું પૂરતું નથી. રિપોર્ટમાં બહુ જાણીતા ઇન્વેસ્ટમેન્ટ મેનેજર અનિલ આહુજાની પ્રતિષ્ઠા પણ ખરડવામાં આવી છે. તેઓ ‘IPE પ્લસ ફંડ’ના માલિક છે, જેમાં માધવી બુચ અને તેમના પતિએ રોકાણ કર્યું હતું. 

    આહુજા અન્ય કંપનીઓમાં પણ સેવા આપી ચૂક્યા છે એ કોણ કહેશે હિંડનબર્ગ?

    અદાણી જૂથ સાથે બુચ દંપતીનું જોડાણ સ્થાપિત કરવા માટે હિંડનબર્ગ રિસર્ચે દાવો કર્યો છે કે અનિલ આહુજાએ બોર્ડ ઑફ અદાણી ઈન્ટરપ્રાઈઝ લિમિટેડમાં સેવા આપી હતી. પરંતુ શોર્ટ સેલરે એ કહ્યું નથી કે આહુજા ભૂતકાળમાં અન્ય કંપનીઓનાં બોર્ડમાં પણ સેવા આપી ચૂક્યા છે. જેમાં નિમ્બુઝ કોમ્યુનિકેશન લિમિટેડ, HDFC બેંક, HDFC સિક્યુરિટીઝ, ડોમિનોઝ પિઝ્ઝા ઇન્ડિયા અને MTR ફૂડ્સ વગેરેનો સમાવેશ થાય છે. તેમની વ્યવસાયી ઉપલબ્ધિઓને જોતાં તેમણે અદાણી જૂથ જેવા ભારતના અગ્રણી ઉદ્યોગ સમૂહમાં સેવા આપી હોય તો તેમાં કોઈ બહુ આશ્ચર્યની વાત નથી. 

    આવાં તથ્યો સામે હોવા છતાં અમેરિકન શોર્ટસેલરે માધવી બુચ પર આરોપો લગાવી દીધા, જેઓ ખરેખર તો અદાણી જૂથનાં પણ ગ્રાહક નથી અને તેમની સાથે કંઈ લાગતું-વળગતું નથી. વાત માત્ર એટલી છે કે તેઓ એવી એક કંપનીનાં ગ્રાહક છે, જેની સ્થાપના અદાણી એન્ટરપ્રાઇઝના બોર્ડમાં એક સમયે સેવા આપી ચૂકેલા વ્યક્તિએ કરી હતી.

    મફતની સલાહો, વિચિત્ર સવાલો

    આગળ હિંડનબર્ગ રિસર્ચે પંચાત કરીને માધવી બુચે SEBI ચીફ તરીકેના તેમના કાર્યકાળ પહેલાં ભારતીય મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કેમ ન કર્યું હતું તેવા પ્રશ્નો કર્યા છે અને પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા માટે મફતની સલાહ આપી છે. જેમાં શોર્ટસેલર લખે છે કે, “ટૂંકમાં, ભારતમાં હજારો મેઈનસ્ટ્રીમ, પ્રતિષ્ઠિત ઑનશોર ભારતીય મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સ હોવા છતાં દસ્તાવેજો દર્શાવે છે કે SEBI પ્રમુખ માધવી બુચ અને તેમના પતિએ બહુ નાના એસેટ સાથે મલ્ટી-લેયર્ડ ઑફશોર ફંડ સ્ટ્રક્ચરમાં ભાગીદારી ખરીદી હતી.”

    ગમે તેમ કરીને જોડાણ સ્થાપવા માટેની મથામણમાં હિંડનબર્ગ અંતે લખે છે કે, “SEBI અદાણી જૂથના અમુક શંકાસ્પદ ઑફશોર શેરહોલ્ડરો વિરુદ્ધ ઠોસ કાર્યવાહી કરવામાં બહુ રસ નથી દાખવી રહ્યું, તેના કારણમાં એ હોય શકે કે ચેરપર્સન માધવી બુચ પણ એ જ ફંડમાં રોકાણ કરી રહ્યાં હતાં જેનો ઉપયોગ ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીએ પણ કર્યો હતો.” 

    આટલી બાબતો પરથી એટલું સ્પષ્ટ છે કે, વર્તમાન SEBI ચેરપર્સન પરના હિંડનબર્ગના આરોપો કશું જ સાબિત કરી શકતા નથી અને તે અનુમાનો, ધારણાઓ અને અટકળો સિવાય બીજું કંઈ જ નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં