બાંગ્લાદેશમાં શેખ હસીનાના રાજીનામાં બાદથી હિંસા અને તોડફોડ જોવા મળી રહી છે. ઇસ્લામી કટ્ટરપંથીઓએ હિંદુઓને ટાર્ગેટ કર્યા છે. અનેક હિંદુ મંદિરો અને મકાનો પર હુમલા થયા છે, ત્યાં સુધી કે, હિંદુઓની દેવપ્રતિમાંઓ પણ તોડી પાડવામાં આવી છે. આ તમામ ઘટનાઓ વિરુદ્ધ હવે હિંદુઓ પણ અસહાય બનીને રસ્તા પર ઉતરી આવ્યા છે. બાંગ્લાદેશના હિંદુઓએ દેશભરમાં અલગ-અલગ સ્થળોએ ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યા છે. હિંદુ જાગરણ મંચે રાજધાની ઢાકામાં લઘુમતીઓ પરના હુમલાની ટીકા કરતાં સૂત્રોચ્ચાર કર્યા છે. હિંદુ સંગઠનોએ શાંતિપૂર્વક, ‘હરે કૃષ્ણા- હરે રામા’ના કીર્તન સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને સુરક્ષાની બાહેંધરી માંગી છે.
બાંગ્લાદેશી મીડિયા ‘ઢાકા ટ્રિબ્યુન’ અનુસાર, હિંદુઓ અને લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાઓના વિરોધમાં હિંદુ જાગરણ મંચ દ્વારા ઢાકામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો હિંદુઓએ ભાગ લીધો હતો. શાહબાગ ચોકમાં શુક્રવારે (9 ઑગસ્ટ) સાંજે હજારો હિંદુઓ એકઠા થયા હતા અને શાંતિપૂર્વક ‘હરે કૃષ્ણા-હરે રામા’ના કીર્તન સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાંગ્લાદેશમાં થઈ રહેલા હિંસક હુમલાઓ વચ્ચે તેમણે ‘જાગો હિંદુઓ, જાગો’ અને ‘જય શ્રીરામ’ના નારા પણ લગાવ્યા હતા. રેલી દરમિયાન હિંદુ સમુદાય દ્વારા ચાર માંગણીઓ રાખવામાં આવી હતી.
Protest in #Dhaka.
— Hindu Voice (@HinduVoice_in) August 9, 2024
‘Hindus have right to live’
Hindu minorities are protesting against the ongoing anti-Hindu violence in #Bangladesh.
Thousands of Hindus gathered in Shahbag Square today. pic.twitter.com/VdswCwCjif
બાંગ્લાદેશી હિંદુઓએ સરકાર પાસે માંગણી કરી છે કે, લઘુમતી મંત્રાલયની સ્થાપના કરવામાં આવે, લઘુમતી સંરક્ષણ આયોગનું ગઠન કરવામાં આવે, લઘુમતીઓ પર હુમલાઓને રોકવા માટે સખત કાયદા લાવવામાં આવે અને લઘુમતીઓ માટે સંસદની 10% બેઠકો અનામત રાખવામાં આવે. આ સાથે જ તેમણે ‘જય બાંગ્લા’ના નારા પણ લગાવ્યા હતા. તેમણે બાંગ્લાદેશ છોડીને જવા માટેનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
‘આ અમારા પૂર્વજોની ભૂમિ’- બાંગ્લાદેશી હિંદુઓ
શાહબાગ ચોક સુધી માર્ચ કરવા પહેલાં હિંદુઓએ નેશનલ પ્રેસ ક્લબ સામે એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યો હતો. તેમણે તાજેતરની ઘટનાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને હિંદુઓ પર થયેલા જીવલેણ હુમલાઓની નિંદા કરી હતી. દીનાજપુરમાં ચાર હિંદુ ગામોને સળગાવી દેવાની ઘટનાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. હિંદુઓએ કહ્યું હતું કે, સતત હુમલાના કારણે અસહાય થયેલા હિંદુઓ સરહદી વિસ્તારોમાં શરણ લઈ રહ્યા છે. આ ઉપરાંત તેમણે બાંગ્લાદેશના હિંદુઓ માટે સુરક્ષાની વ્યવસ્થા કરવાની માંગણી પણ કરી હતી.
હિંદુઓએ મીડિયા સામે આવીને કહ્યું હતું કે, “અમે આ દેશમાં જન્મ્યા છીએ. આ દેશ બધાનો છે. હિંદુઓ આ દેશને નહીં છોડે. આ અમારા પૂર્વજોની જન્મભૂમિ છે. અમે અહીં ઉડીને નહોતા આવ્યા. આ દેશ કોઇની જાગીર નથી. અમે મરી જઈશું, પરંતુ અમારા પૂર્વજોની ભૂમિને નહીં છોડીએ.” બાંગ્લાદેશના અન્ય પણ ઘણા વિસ્તારોમાં શાંતિ માટેના પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. દરમિયાન હિંદુઓ પોસ્ટરો લઈને પ્રદર્શન કરતાં જોવા મળ્યા હતા.