Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનેશનલ હેરાલ્ડ કેસ: માત્ર તપાસ કરવા માટે પહોંચી હતી ઇડીની ટીમ, કોંગ્રેસ...

    નેશનલ હેરાલ્ડ કેસ: માત્ર તપાસ કરવા માટે પહોંચી હતી ઇડીની ટીમ, કોંગ્રેસ નેતાઓએ સહકાર ન આપતાં ઓફિસ સીલ કરવી પડી

    ઇડીના અધિકારીઓ અનુસાર, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે આવીને તપાસ કરાવ્યા વગર જ ચાલ્યા ગયા હતા, જે બાદ ઓફિસ સીલ કરવી પડી હતી.

    - Advertisement -

    ‘નેશનલ હેરાલ્ડ’ કેસની તપાસ કરતી એજન્સી ઇડીએ દિલ્હી સ્થિત ‘હેરાલ્ડ હાઉસ’માં આવેલ યંગ ઇન્ડિયનની ઓફિસ સીલ કરી દીધી છે. ઇડીના અધિકારીઓનું કહેવું છે કે તેઓ ઓફિસમાં તપાસ કરવા માંગતા હતા પરંતુ કોંગ્રેસ તરફથી સહયોગ ન મળવાના કારણે ઓફિસ અસ્થાયી રૂપે સીલ કરી દેવામાં આવી છે તેમજ પરવાનગી વગર ખોલવાની મનાઈ ફરમાવવામાં આવી છે. 

    ઇડીના અધિકારીઓ બુધવારે (3 ઓગસ્ટ 2022) હેરાલ્ડ હાઉસ ખાતે આવેલ યંગ ઇન્ડિયનની ઓફિસે તપાસ માટે પહોંચ્યા હતા. પરંતુ ત્યારે કોંગ્રેસ તરફથી કોઈ હાજર ન હોવાના કારણે ઓફિસ સીલ કરવી પડી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે આવ્યા અને તપાસ કરાવ્યા વગર જ ચાલ્યા ગયા હતા. જે બાદ આ નિર્ણય લેવો પડ્યો. 

    ઇડીના સૂત્રોએ આજતક સાથેની વાતચીતમાં કહ્યું કે, પ્રિન્સિપાલ ઓફિસર મલ્લિકાર્જુન ખડગે આવ્યા અને તપાસ કરાવ્યા વગર જ પરિસર છોડીને ચાલ્યા ગયા. હવે, તેમને સમન કરવામાં આવ્યા છે જેથી ત્યાં તપાસ થઇ શકે. જ્યારે અધિકૃત વ્યક્તિની હાજરીમાં તપાસ પૂર્ણ થઇ જશે તો સીલ હટાવી દેવામાં આવશે.  હાલ યંગ ઇન્ડિયનની ઓફિસ અસ્થાયી રૂપે સીલ કરી દેવામાં આવી છે. 

    - Advertisement -

    બીજી તરફ, મલ્લિકાર્જુન ખડગેએ ઇડીની વાત નકારી દીધી છે. તેમણે દાવો કર્યો કે ઇડીએ તેમની પાસે સર્ચ ઓપરેશન માટે પરવાનગી જ માંગી ન હતી અને તેમણે તેમને તપાસ કરતા રોક્યા પણ ન હતા. 

    એક તરફ એજન્સીએ યંગ ઇન્ડિયનની ઓફિસ સીલ કરી દીધી હતી તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંને આ કેસમાં આરોપીઓ છે અને તાજેતરમાં જ એજન્સી આ બંને નેતાઓની પૂછપરછ કરી ચૂકી છે. 

    ગત જૂન મહિનામાં ઇડીએ રાહુલ ગાંધીની પૂછપરછ કરી હતી અને તેમના જવાબો લીધા હતા. જે બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ સમન્સ પાઠવવામાં આવ્યા હતા. તેમની પણ હાલમાં જ પૂછપરછ થઇ ચૂકી છે. કહેવાય છે કે રાહુલ ગાંધી અધિકારીઓને સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા તો સોનિયા ગાંધીએ પણ દોષનો ટોપલો કોંગ્રેસના દિવગંત નેતા મોતીલાલ વોરા પર ઢોળી મૂક્યો હતો. 

    સોનિયા-રાહુલને પૂછપરછ માટે ઇડીએ સમન્સ પાઠવ્યા બાદથી જ અકળાઈ ઉઠેલી કોંગ્રેસ પાર્ટી હવે યંગ ઇન્ડિયનની ઓફિસ સીલ થયા બાદ ફરી પ્રદર્શન કરવાની યોજના ઘડી રહી છે. જે માટે પાર્ટીએ લોકસભા અને રાજ્યસભાના સાંસદોની એક બેઠક બોલાવી છે. ઉલ્લેખનીય છે કે ગાંધી પરિવારના બે નેતાઓની પૂછપરછ દરમિયાન કોંગ્રેસે આખા દેશમાં ધીંગાણું કર્યું હતું અને ઘણાં સ્થળોએ હિંસક બનાવો પણ બન્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં