મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં શાહી ઈદગાહ ‘મસ્જિદ’ના સરવેનો નિર્દેશ આપતા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર લગાવેલો સ્ટે નવેમ્બર સુધી લંબાવી દીધો છે. હવે નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજીવ ખન્ના અને સંજય કુમારની ખંડપીઠે શુક્રવારે (9 ઑગસ્ટ) આ આદેશ સંભળાવ્યો. કોર્ટ ત્રણ સ્પેશિયલ લીવ પિટિશન પર સુનાવણી કરી રહી હતી. જેમાંથી 2 અરજીઓ શાહી ઈદગાહ મસ્જિદ સમિતિ અને ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં અલ્હાબાદ હાઈકોર્ટના એ આદેશને પડકારવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે મે, 2023માં મથુરા કોર્ટમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલાને લગતા તમામ કેસ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.
જ્યારે ત્રીજી અરજી મસ્જિદ સમિતિ દ્વારા જ દાખલ કરવામાં આવી હતી, જેમાં ડિસેમ્બર, 2023ના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો. આ આદેશમાં કોર્ટે શાહી ઈદગાહ મસ્જિદના સરવે માટે એક કૉર્ટ કમિશનરની નિમણૂક કરવા માટે કહ્યું હતું. નોંધનીય છે કે કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી કેસમાં પણ આ પ્રકારે કોર્ટ કમિશનરની આગેવાનીમાં એક સરવે થઈ ચૂક્યો છે.
મામલાની સુનાવણી વખતે હિંદુ પક્ષના વકીલ વિષ્ણુશંકર જૈને કોર્ટ સમક્ષ દલીલ કરતાં કહ્યું કે, હાઈકોર્ટે તાજેતરમાં જ ભગવાન શ્રીકૃષ્ણ અને હિંદુ ભક્તો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની મેન્ટેનેબિલિટીને પડકારતી પિટિશન ફગાવી દીધી હતી, જેથી આ અરજીઓનું હવે કોઇ ઔચિત્ય રહેતું નથી.
નોંધવું જોઈએ કે તાજેતરમાં જ અલ્હાબાદ હાઈકોર્ટે એક ચુકાદો આપતાં મસ્જિદ સમિતિની એ અરજીઓ ફગાવી દીધી હતી, જેમાં દલીલો કરવામાં આવી હતી કે શાહી ઈદગાહ મસ્જિદને હટાવવાની માંગ કરતી હિંદુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી તમામ 18 પિટિશન પ્લેસીસ ઑફ વર્શિપ એક્ટ, 1991 તેમજ અન્ય અમુક કાયદાઓનું સીધું ઉલ્લંઘન છે અને જેથી તે સાંભળવા યોગ્ય પણ નથી. જોકે, કોર્ટે આ તમામ અરજીઓ ફગાવીને ઠેરવ્યું હતું કે આ મામલો પ્લેસીસ ઑફ વર્શિપ એક્ટ હેઠળ બાધ્ય નથી અને સુનાવણી કરી જ શકાય તેમ છે. વિષ્ણુશંકર જૈને આ આદેશનો હવાલો આપ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે હાલ આ દલીલો ધ્યાને લીધી નથી અને મામલાની સુનાવણી નવેમ્બરમાં મુકરર કરી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અલ્હાબાદ હાઈકોર્ટના તાજેતરના આદેશને પણ ધ્યાનમાં લેવામાં આવશે અને અન્ય પણ મામલે વિગતવાર તપાસ થશે. જે માટે નવેમ્બરમાં આગલી સુનાવણી થાય ત્યાં સુધીમાં 2023નો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ સ્થગિત રહેશે.