Monday, September 16, 2024
More
    હોમપેજદેશ‘પ્લેસીસ ઑફ વર્શિપ એક્ટ બાધ્ય નહીં, અરજીઓ સાંભળવા યોગ્ય’: મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ...

    ‘પ્લેસીસ ઑફ વર્શિપ એક્ટ બાધ્ય નહીં, અરજીઓ સાંભળવા યોગ્ય’: મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસમાં હિંદુ પક્ષનો મોટો વિજય, હાઈકોર્ટે મસ્જિદ સમિતિની દલીલો ફગાવી

    હિંદુ પક્ષ દ્વારા મથુરા સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરીને કહેવામાં આવ્યું હતું કે, મથુરામાં સ્થિત શાહી ઈદગાહ ‘મસ્જિદ’ શ્રીકૃષ્ણ જન્મભૂમિ પર બનાવવામાં આવી છે, જે જમીન હિંદુ પક્ષને પરત આપવામાં આવે અને મસ્જિદ ત્યાંથી હટાવવામાં આવે.

    - Advertisement -

    શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપતાં મસ્જિદ હટાવવાની માંગ કરતી હિંદુ પક્ષની અરજીઓ પર સુનાવણી કરવા માટે રસ્તો મોકળો કરી આપ્યો છે. કોર્ટે કહ્યું કે, આ અરજીઓ સાંભળવા યોગ્ય છે અને ‘પ્લેસીસ ઑફ વર્શિપ એક્ટ’ અને અન્ય કાયદાઓ અહીં લાગુ પડતા નથી. જેથી હવે આ અરજીઓનાં ગુણદોષ (મેરિટ્સ) પર સુનાવણી હાથ ધરવામાં આવશે. કોર્ટે 6 જૂનના રોજ આદેશ સુરક્ષિત રાખ્યા બાદ ગુરુવારે (1 ઑગસ્ટ) આ ચુકાદો સંભળાવ્યો હતો.

    જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો. કોર્ટે કહ્યું કે, હિંદુ ભક્તો અને ભગવાન દ્વારા દાખલ કરવામાં આવેલા કેસ લિમિટેશન એક્ટ કે પ્લેસીસ ઑફ વર્શિપ એક્ટ હેઠળ રદબાતલ ઠેરવી શકાય નહીં. આ સાથે કોર્ટે શાહી ઈદગાહ ‘મસ્જિદ’ના મેનેજમેન્ટ ટ્રસ્ટની એ દલીલ પણ ફગાવી દીધી, જેમાં એ દલીલ કરવામાં આવી હતી કે હાઇકોર્ટમાં હિંદુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલા કેસ પ્લેસીસ ઑફ વર્શિપ એક્ટ, લિમિટેશન એક્ટ અને સ્પેશિયલ રિલીફ એક્ટ હેઠળ સાંભળી શકાય નહીં. 

    આ મામલે મૂળ રીતે હિંદુ પક્ષ દ્વારા મથુરા સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરીને કહેવામાં આવ્યું હતું કે, મથુરામાં સ્થિત શાહી ઈદગાહ ‘મસ્જિદ’ શ્રીકૃષ્ણ જન્મભૂમિ પર બનાવવામાં આવી છે, જે જમીન હિંદુ પક્ષને પરત આપવામાં આવે અને મસ્જિદ ત્યાંથી હટાવવામાં આવે. સપ્ટેમ્બર, 2020માં મથુરા સિવિલ કોર્ટે પ્લેસીસ ઑફ વર્શિપ એક્ટનો સંદર્ભ આપીને હિંદુ પક્ષની અરજીઓ ફગાવી દીધી હતી. પરંતુ જિલ્લા કોર્ટમાં અપીલ કરવામાં આવતાં આદેશ પલટાવી દેવાયો હતો. મે, 2022માં મથુરા જિલ્લા કોર્ટે સિવિલ કોર્ટનો આદેશ રદ કરીને ઠેરવ્યું હતું કે આ કેસ સાંભળવા યોગ્ય છે. 

    - Advertisement -

    જોકે, પછીથી 2023માં આ કેસ મથુરા જિલ્લા કોર્ટમાંથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. જ્યાં મુસ્લિમ પક્ષે અરજી કરીને દલીલો આપી હતી કે કેસ સાંભળી શકવા યોગ્ય નથી. જે હાલ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. જેથી હવે અરજીઓનાં મેરિટ્સ પર સુનાવણી હાથ ધરવામાં આવશે. નોંધવું જોઈએ કે આવી લગભગ અઢારેક અરજીઓ કોર્ટમાં કરવામાં આવી છે, જેમાંથી મોટાભાગે એકસરખી જ માંગણી છે. મુખ્ય એ છે કે મસ્જિદના સ્થાને મૂળ મંદિર હતું અને જમીન હિંદુ પક્ષને પરત સોંપવામાં આવે. 

    શાહી ઈદગાહ અતિક્રમણ કરીને બનાવાયેલું બાંધકામ, ક્યાંય રેકર્ડ પર નહીં: હિંદુ પક્ષ

    અરજીઓની મેન્ટેનેબિલિટી સામે મુસ્લિમ પક્ષે કરેલી અરજી મામલે હિંદુ પક્ષે દલીલ આપી હતી કે, સરકારી રેકર્ડ ઉપર શાહી ઈદગાહ નામની કોઈ સંપત્તિ દાખલ નથી અને તેને ગેરકાયદેસર રીતે જમીન કબજે કરીને બનાવવામાં આવી છે. સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો આ વક્ફ સંપત્તિ હોય તો તેમણે જણાવવું જોઈએ કે આખરે તે કોણે દાનમાં આપી હતી? સાથે દલીલ કરવામાં આવી કે ન તો અહીં પ્લેસીસ ઑફ વર્શિપ એક્ટ લાગુ પડે છે કે ન લિમિટેશન એક્ટ અને સ્પેશિયલ રિલીફ એક્ટ હેઠળ અરજીને નકારી શકાય. આ દલીલ કોર્ટે સ્વીકારી લીધી છે. 

    નોંધવું જોઈએ કે પ્લેસીસ ઑફ વર્શિપ એક્ટ કાયમ વિવાદમાં રહ્યો છે, જે 1991માં કોંગ્રેસ સરકારે બનાવ્યો હતો. આ કાયદામાં જોગવાઈ એવી છે કે 15 ઑગસ્ટ, 1947ના રોજ જે ધાર્મિક-મઝહબી સ્થળનું ચરિત્ર જે હોય તેમાં ફેરફાર કરી શકાય નહીં. જોકે, તે સમયે અયોધ્યા રામજન્મભૂમિ કેસ કોર્ટમાં લંબિત હોવાથી આ કેસને બાકાત રાખવામાં આવ્યો હતો. 

    વાત શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસની કરવામાં આવે તો તે રામ જન્મભૂમિ અને કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી કેસ બાદ દેશનો ત્રીજો સૌથી ચર્ચિત કેસ છે, જ્યાં હિંદુ મંદિરને તોડીને મસ્જિદ બનાવવા સામે કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા છે. મથુરામાં ઇસ્લામી આક્રાંતા ઔરંગઝેબે મંદિર તોડીને મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. હિંદુ પક્ષે કોર્ટમાં અરજી કરીને મસ્જિદ હટાવવાની માંગ કરી છે. બીજી તરફ, મુસ્લિમ પક્ષ તેનો વિરોધ કરી રહ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં