પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થયો અને ગુજરાતમાં તહેવારોની પણ શરૂઆત થઈ ગઈ. તેવામાં રાજકોટથી (Rajkot) એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. શહેરના ભગવતીપરા ખાતે એક જ હિંદુ પરિવારના ચાર સભ્યો પર છરીના ઘા ઝીંકીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ પરિવારના બે સભ્યો આશાબાપીર પાસેથી થઈને અન્ય એક હિંદુ પરિવારના ત્યાં દશામાના વ્રતનો મંડપ બાંધવા જઈ રહ્યા હતા, દરમિયાન સિકંદર, અફઝલ, સમીર અને દરેડ નામના મુસ્લિમ યુવકોએ તેમની સાથે માથાકૂટ કરી હતી. પછીથી તેમના ઘર પાસે જઈ જીવલેણ હુમલો કરી દીધો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઘટના રાજકોટ B ડિવિઝન (Rajkot B Division) પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભગવતીપરાની શેરી નંબર 9ની છે. અહીં રહેતા જગદીશભાઈ વાઘેલા મંડપ સર્વિસનું કામ કરે છે. તેમનો મોટો દીકરો મિહિર અને નાનો દીકરો આશિષ ફાસ્ટફૂડનો ધંધો કરે છે. ઘટનામાં ફરિયાદી પણ મિહિર વાઘેલા જ છે. તેણે B ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર ઘટના ગત રવિવારની (4 ઓગસ્ટ 2024) છે.
મિહિરે દાખલ કરેલી ફરિયાદ અનુસાર તે અને તેનો ભાઈ તેમની ખાણીપીણીની દુકાને હતા ત્યારે તેનાં માતા દોડતા ત્યાં આવ્યાં હતાં અને બંનેને ઘરે બોલાવ્યા હતા. બંનેએ ઘરે દોડી જઈ પૂછપરછ કરતાં તેમના પિતાએ તેઓ દશામાના વ્રતનો મંડપ નાખવા ગયા ત્યારે આશાબાપીર દરગાહ પાસે સિકંદર સહિતના આરોપીઓ સાથે માથાકૂટ થઈ હોવાનું જણાવ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તે લોકો વાત કરી રહ્યા હતા તે દરમિયાન જ ચારેય આરોપીઓ ત્યાં તીક્ષ્ણ હથિયાર સાથે ધસી આવ્યા હતા અને પરિવાર પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 19 વર્ષીય આશિષને પેટમાં છરી હુલાવી દેવામાં આવતાં તેની હાલત ગંભીર છે અને તે સારવાર હેઠળ છે. અન્ય લોકોને પણ મૂઢમાર વાગ્યો છે. આ મામલે રાજકોટ B ડિવીઝનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.
‘હિંદુડા છે, એવા ઘા માર કે પતી જાય’: પીડિત ફરીયાદી મિહિરે ઑપઇન્ડિયાને કહી સંભળાવી ઘટના
આ મામલે વધુ માહિતી લેવા અમે પીડિત પરિવારના મોટા દીકરા મિહિર વાઘેલાનો સંપર્ક કર્યો હતો. મિહિરે ઑપઇન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, “હું અને મારો ભાઈ ઉભા હતા, એટલામાં મારાં મમ્મી દોડતા અમને બોલાવવા આવ્યાં. અમે જઈને પૂછ્યું તો મારા પપ્પાએ અમને જણાવ્યું કે તેઓ અને અન્ય એક વ્યક્તિ આશાબાપીરની દરગાહવાળા મેઈન રોડે થઈને તેની નજીક રહેતા એક હિંદુ પરિવારના ત્યાં દશામાતાના વ્રત હોવાથી મંડપ નાખવા જઈ રહ્યા હતા. તેવામાં સિકંદર, અફઝલ, દરેડ અને સમીર નામના મુસ્લિમ યુવકોએ અમને રસ્તામાં અટકાવ્યા હતા.”
મિહિરે આગળ જણાવ્યું કે, “રસ્તામાં અટકાવીને તેમણે મારા પિતાને કહ્યું હતું કે, “અમારી શેરીમાંથી નીકળવાનું નહીં, આટલું કહીને તેમણે મારા પપ્પા સાથે મારકૂટ પણ કરી. મારા પિતા અને અન્ય ભાઈ ત્યાંથી પરત આવી ગયા હતા. અમે ઉભા ઉભા વાત કરી જ રહ્યા હતા કે સિકંદર, અફઝલ, દરેડ અને સમીર એમ ચારેય ભાઈ તીક્ષ્ણ હથીયાર લઈને આવી ચઢ્યા હતા. અમે હજુ કશું સમજીએ તે પહેલાં જ તેમણે અમને માર મારવાનું શરૂ કરી દીધું મારા માતાપિતા અમને બચાવવા વચ્ચે પડ્યા તો તેમને પણ માર મારવામાં આવ્યો.”
તેમણે કહ્યું, “આટલામાં સિકંદર અને દરેડે મારા નાના ભાઈને પકડી રાખ્યો અને અફઝલે તેની પાસે રહેલી છરી મારા ભાઈના પેટમાં હુલાવી દીધી હતી. તે લોકો એમ કહી રહ્યા હતા કે, હિંદુના છોકરા છે, હિંદુડા છે, મારી નાખવાની ગણતરીએ જ ઘા મરજે. એવા ઘા માર કે પતી જાય. મારો ભાઈ લોહીલુહાણ થઈ ગયો. તેના પેટમાંથી લોહી નીકળી રહ્યું હતું. એટલામાં આસપાસના લોકો આવી જતા ચારેય આરોપીઓ ભાગી છૂટ્યા હતા. મારા ભાઈની હાલત વધુ ગંભીર હોવાથી અમે તાત્કાલિક તેને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યો હતો.”
હાલ તેમના ભાઈની સ્થિતિ શું છે તે સવાલ પર તેમણે જણાવ્યું કે, “એ લોકો અમાને મારી નાખવાની ગણતરીથી જ આવ્યા હતા. મારા ભાઈને જે રીતે છરી મારી છે, તેનો જીવ હજુ પણ જોખમમાં છે.” મિહિરના જણાવ્યા અનુસાર હાલ આશિષ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. તેની હાલત ખૂબ ગંભીર છે. તે હજુ પણ સિવિલમાં સારવાર હેઠળ છે.
હિંદુ સંગઠન પરિવાર સાથે, તમામ મદદ પૂરી પડશે- વિશ્વ હિંદુ પરિષદ
આ ઘટનાને લઈને સ્થાનિક હિંદુ સમાજ અને સંગઠનોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. હિંદુ સંગઠનો પણ ઘટનાને લઈને આકરા પાણીએ છે. આ મામલે વિશ્વ હિંદુ પરિષદ રાજકોટ જિલ્લા મંત્રી આશિષ શેઠે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “પરિવાર પહેલાં ફરિયાદ નોંધાવવા ભગવતીપરા પોલીસ ચોકીએ ગયો હતો. ત્યાં પીએસઆઈ શેખે હળવી કલમો અંતર્ગત ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. આથી પરિવારમાં અસંતોષ હતો. બાદમાં તેઓ B ડિવિઝન પોલીસ સ્ટેશન ગયા, જ્યાં PI જાડેજાએ તેમને ન્યાય અપાવવા પૂરતી કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.”
તેમણે કહ્યું કે, “બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદે પરિવારનો સંપર્ક કરીને તેમને તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. જ્યાં પણ જરૂર પડશે પરિષદ સહિતના તમામ હિંદુ સંગઠનો તેમની સાથે રહેશે. અમે પોલીસ સાથે પણ વાત કરીને ધારાધોરણો અનુસાર કડકમાં કડક કાર્યવાહી કરવા આવેદન કર્યું છે. પીડિત પરિવારનો નાનો દીકરો હાલ ગંભીર છે. આરોપીઓએ ‘હિંદુના દીકરા છે, પૂરા કરી નાખ’ કહીને તેને આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા.”
ચારેય આરોપીઓની ધરપકડ, કાર્યવાહી શરૂ
નોંધનીય છે કે ફરિયાદ નોંધાયા બાદ તરત જ ચારેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ મામલે પોલીસે સિકંદર રાઉમા, અફઝલ રાઉમા, દરેડ ઉર્ફે દલીયો રાઉમા અન સમીર રાઉમા એમ ચારેય ભાઈઓ વિરુદ્ધ BNSની કલમો 118(2), 115(2), 352, અને 54 NS તેમજ GPAની કલમ 135 અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે તે જાણવા ઑપઇન્ડિયાએ B ડિવીઝન પોલીસનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ થઇ શક્યો નહતો. વધુ માહિતી મળતાં જ લેખને અપડેટ કરી દેવામાં આવશે.