1939થી શરૂ થયેલા એ યુદ્ધમાં એક તરફ હતા મિત્ર રાષ્ટ્ર (બ્રિટેન અને તેના ઉપનિવેશ રાજ્યો- સંયુક્ત રાજ્ય અમેરિકા, સોવિયેત સંઘ) અને બીજી તરફ ધરી રાષ્ટ્રો (ફ્રાન્સના નેતૃત્વ હેઠળ નાઝી જર્મની, ફાસીવાદી ઈટલી, અને શાહી જાપાન.)
તે દરમિયાન જ અમેરિકી પ્રમુખ રૂઝવેલ્ટના શાસન હેઠળ અમેરિકા (America) દ્વારા ‘મેનહટ્ટન’ યોજના અંતર્ગત પરમાણુ બોમ્બનું નિર્માણ શરૂ થયું હતું અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 16 જુલાઇ 1945ના રોજ ન્યુ મેક્સિકોના આલમ ગોર્દા ખાતે અમેરિકા દ્વારા તેનું સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન જ બીજું વિશ્વયુદ્ધ પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું અને જાપાને (Japan) સંયુક્ત રાજ્ય અમેરિકાના પર્લહાર્બર પર હુમલો કર્યો. આ હુમલાની જવાબી કાર્યવાહી તરીકે અમેરિકાએ 6 ઓગસ્ટ 1945ના દિવસે જાપાનના શહેર હિરોશીમા (Hiroshima) પર ‘લિટલ બોય’ (Little Boy) નામક પરમાણુ બોમ્બ ફેંક્યો હતો.
આ અણુબોમ્બ 5 ટન યુરેનિયમ ધરાવતો હતો અને 20 હજાર ટન ટી.એન.ટી (Trinitrotolene- ટ્રાઇનાઇટ્રોટોલ્યુન, સ્ફોટક પદાર્થ) શક્તિ ધરાવતો હતો. જાપાનમાં આવેલી ‘ધ રેડીએશન ઇફેક્ટ્સ ફાઉન્ડેશન’ નામક સંસ્થાના જણાવ્યા અનુસાર આ અણુબોમ્બ દ્વારા જે વિસ્ફોટ થયો તેની ગરમી 7,000 ડિગ્રી સેલ્સિયસ સુધીની હતી.
આ વિસ્ફોટમાં જે જીવસંહાર થયો તે અકલ્પનીય હતો. ભયંકર જાનહાનિ બાદ પણ અમેરિકાની જીતની ભૂખ સંતોષાઈ નહોતી. 9 ઓગસ્ટ 1945ના રોજ અમેરિકાએ ફરીથી જાપાન પર હુમલો કર્યો હતો. અમેરિકાએ આવેશમાં આવીને જાપાનના ‘નાગાસાકી’ (Nagasaki) શહેર પર ‘ફેટ મેન’ (Fat Man) નામના અણુબોમ્બનો પ્રહાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ જીવસંહારમાં લગભગ 2.5 લાખથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જે બચી ગયા હતા તેઓ ત્રાસદાયક ઇજાઓનો ભોગ બન્યા હતા. આ બાદ જન્મેલા મોટાભાગના બાળકો અસહ્ય રોગ, માનસિક, શારીરિક વિકૃતિઓનો ભોગ બન્યા હતા. તાજેતરના સમયે પણ હિરોશીમામાં તે રેડીએશનની અસર જોવા મળી રહી છે. ઇતિહાસનો આ અંધકારમય સમય તે પછીથી આખા વિશ્વ માટેનો અંધકારમય સમય બન્યો હતો.
અણુબોમ્બ ફેંકાયો તે જોનાર લોકોના વર્ણન અનુસાર, અણુબોમ્બના વિસ્ફોટથી જે પ્રકાશ ઉદભવ્યો તે અનેક સૂર્યોના પ્રકાશ જેવો હતો, જે ગણતરીની ક્ષણોમાં જ 8000 ફૂટની ઊંચાઈએ પહોંચી ગયો હતો. જ્યાં બોમ્બ ફેંકાયો તેના 1 માઈલ સુધીના વિસ્તારમાં ધૂળના ગોટેગોટા ફેલાઈ ગયા હતા.
નોંધવા જેવી બાબત છે કે, 1945ની આ ઘટનાની અસર આજે લગભગ 80 વર્ષ બાદ પણ જાપાનના માનવીઓ ભોગવી રહ્યા છે. બોમ્બના આવા વિનાશક પરિણામ જોઈને જે કર્મચારીઓ દ્વારા બોમ્બ ફેંકવામાં આવ્યો હતો તેમાંથી કોઈએ આત્મહત્યા કરી તો કોઈએ પોતાની માનસિક સમતુલા ગુમાવી દીધી હતી.
અણુબોમ્બના પ્રહારથી સર્જાયેલી ભયાવહ પરિસ્થિતિ જોઈને બોમ્બ બનાવનાર વૈજ્ઞાનિકો અને અણુક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર સંશોધકોએ તેમના શાસનકર્તાઓ દ્વારા કરાયેલી અણુબોમ્બ બનાવવાની માંગણીઓનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
અમેરિકાનું પ્રભુત્વ
આ બાદ અમેરિકા અણુબોમ્બ ધરાવતું પ્રથમ અને સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બની ગયું હતું. જેના કારણે તેનું પ્રભુત્વ પણ વધી ગયું હતું. જાપાનના 2 શહેરો પર અમેરિકાએ કરેલા હુમલાના કારણે બીજા વિશ્વયુદ્ધનો તો અંત આવ્યો, પરંતુ હવે વિશ્વને એવા વિનાશક અને ઘાતક શસ્ત્રોની ભેટ મળવાની હતી જે એક ક્ષણમાં સમગ્ર વિશ્વનું અસ્તિત્વ ખતમ કરી નાખે.
બીજા વિશ્વયુદ્ધ બાદ સંયુક્ત રાજ્ય અમેરિકા અને સોવિયેત સંઘ (હાલનું રશિયા) વચ્ચે વૈચારિક શીત યુદ્ધ (Cold War)ની શરૂઆત થઈ હતી. અમેરિકાની બરાબરી કરવા 1949માં રશિયા, 1952માં બ્રિટન, 1960માં ફ્રાન્સ, 1964માં ચીન અને 1974માં ભારત સહિતના રાષ્ટ્રોએ અણુશક્તિનો વિકાસ અને સફળ પરીક્ષણ કરી લીધા હતા.
વિશ્વ શાંતિ માટેની પરિષદો અને સંધિઓ
આ બાદ વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો પરમાણુ શક્તિ બનવાની હોડમાં લાગી ચૂક્યા હતા ત્યારે સમગ્ર વિશ્વની શાંતિ અને વિશ્વના અસ્તિત્વ પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા. આ સમયે વિશ્વ શાંતિ માટે પગલાં લેવાની આવશ્યકતા ઊભી થઈ હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વિશ્વ શાંતિના પ્રયાસો અંતર્ગત કેટલીક સમિતિઓ અને પરિષદોનું ગઠન થયું હતું.
આ બધી પરિષદો અને સમિતિઓમાં વિશ્વના અલગ અલગ રાષ્ટ્રોના પ્રતિનિધિઓ દ્વારા યોજનાઓ મૂકવામાં આવી હતી. જેમાંથી મોટાભાગની યોજનાઓને સ્વીકૃતી મળી નહીં અને જેનો સ્વીકાર થયો તે સફળ થઈ શકી નહીં. વર્ષ 1959માં નિ:શસ્ત્રીકરણ પંચની પુન:રચના માટે 10 સભ્યોની સમિતિ બનાવવામાં આવી, 1960માં સોવિયેતના વડાપ્રધાન ક્રુશ્ચોવના (Nikita Khrushchev) પ્રસ્તાવ પર આ સમિતિ 18 સભ્યોની થઈ.
નવેમ્બર 1961માં નિ:શસ્ત્રીકરણ માટે ભારતે પણ એક પ્રસ્તાવ મૂક્યો હતો. પ્રસ્તાવમાં હતું કે જ્યાં સુધી અણુ-પ્રયોગો પર કોઈ સમજૂતી ન થાય ત્યાં સુધી અણુપ્રયોગ કરવા નહીં. ભારતના આ પ્રસ્તાવનો સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાએ સ્વીકાર કર્યો હતો.
આ બાદ 1 જુલાઇ 1968ના રોજ પરમાણુ અપ્રસાર સંધિ (Nuclear Non – Proliferation Treaty – NPT) સામાન્ય સભાએ મંજૂર કરી હતી. આ સંધિ અંતર્ગત જે રાજ્યો અણુશસ્ત્રો ધરાવે છે તે અને જે નથી ધરાવતા તે, કોઈપણ રીતે અણુશસ્ત્રોનું ઉત્પાદન કરી શકશે નહીં. જોકે, બિનલશ્કરી કાર્યો માટે પરમાણુશસ્ત્રોને મંજૂરી આપવામાં આવી હતી. આ સંધિ પર 114 દેશોએ હસ્તાક્ષર પણ કર્યા હતા.
26 મે 1972ના રોજ એન્ટિ-બેલિસ્ટિક મિસાઇલ સંધિ (Anti-Ballistic Missile Treaty – ABMT) કરવામાં આવી. આ સંધિ સંયુક્ત રાજ્ય અમેરિકા અને સોવિયેત સંઘ પર એવું નિયંત્રણ મૂકતી હતી કે, બંને દેશો કાં તો પોતાની સરહદ પર અથવા તો પોતાની રાજધાની કોઈ પણ એક જ સ્થાને એક જ અણુ પ્રક્ષેપાસ્ત્ર વિરોધી મથક રાખી શકે અને ત્યાં 100થી વધુ લોંચર્સ હોવા જોઈએ નહીં. પરંતુ વર્ષ 2001માં અમેરિકાએ આ સંધિમાંથી ખસી જવાની વાત કરી અને સંધિ ત્યાં નિષ્ફળ ગઈ હતી.
26 મે 1972ના રોજ અમેરિકા અને સોવિયેત સંઘના પ્રતિનિધિઓ વચ્ચે ‘વ્યૂહાત્મક શસ્ત્ર નિયંત્રણ મંત્રણા’ (Strategic Arms Limitation Talk – SALT – 1 ) શરૂ થઈ હતી. જેમાં અણુટોપકાની સંખ્યામાં ઘટાડો, વ્યૂહાત્મક સંરક્ષક અને આક્રમક શસ્ત્રો પર નિયંત્રણ અને અણુશસ્ત્રો ફેંકવાના દરેક સ્થળે 100થી વધુ લોંચર્સ ન રાખવાનું બંને સત્તાઓએ સ્વીકાર્યું હતું.
18 જૂન 1979ના રોજ બંને સત્તા વચ્ચે SALT – 2 સંધિ થઈ હતી. જેમાં બંને સત્તાઓએ પોતાના વ્યૂહાત્મક પ્રક્ષેપસ્ત્રો અને બોમ્બરોની સંખ્યામાં ઘટાડો કરીને 1981 સુધી 2250 કરશે તેવું નક્કી થયું હતું. જેમાં જમીન પરથી ફેંકાતા મિસાઈલ્સની સંખ્યા 820 અને જમીન તથા સબમરીનમાંથી ફેંકાતા મિસાઈલ્સની સંખ્યા ભેગી કરીને 1350થી વધુ ના થવી જોઈએ તેવો નિર્ણય થયો હતો. ઉપરાંત, શસ્ત્રો નાશ કરવા સહિતની ઘણી બાબતોનો સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો.
આ બાદ 1 જાન્યુઆરી 1984થી સ્ટોકહોમ ખાતે વાતચીત શરૂ થઈ જે 22 સપ્ટેમ્બર 1986માં પૂર્ણ થઈ. આ સ્ટોકહોમ પરિષદ તરીકે પણ ઓળખાય છે. આ વાતચીત દરમિયાન બે પક્ષોના યુદ્ધ દરમિયાન સૈનિક સંખ્યા સહિત ટેન્કોની સંખ્યા પણ નક્કી કરવામાં આવી. આ સમજૂતી પર 35 રાષ્ટ્રોએ હસ્તાક્ષર કર્યા હતા.
આ સિવાય 1986માં મેક્સિકો ઘોષણા, 16 એપ્રિલ 1987માં પ્રક્ષેપાસ્ત્ર નિકાસ નિયંત્રણ, 21થી 23 જાન્યુઆરી 1988માં 6 રાષ્ટ્રોના સમૂહની સ્ટોકહોમ શિખર પરિષદ (Stockholm Summit of Group of Six), 1982માં વ્યૂહાત્મક શસ્ત્રોમાં ઘટાડો કરવાની વાતચીત – 1 (Strategic Arms Reduction Talk – START – 1) , START – 2, START – 3 Comprehensive Test Ban Treaty – CTBT એવી ઘણી બધી સંધિઓ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, મોટાભાગની સંધિઓ અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે જ થઈ છે. આટલી બધી સંધિઓ અને વાટાઘાટો થયા બાદ પણ આજે વિશ્વ અણુશસ્ત્રોના ભયથી બચી શક્યું નથી. આ બધી સંધિઓ દરમિયાન જ ઘણા રાષ્ટ્રોએ અણુ-પરમાણુ શસ્ત્રો વિકસાવ્યા છે અને તેના સફળ પ્રયોગો પણ કર્યા છે. તેથી આ સંધિઓનું કોઈ સકારાત્મક પરિણામ મળ્યું હોય એમ લાગતું નથી.
બંને સવાઇ સત્તાઓ સંધિઓ કરતી રહી વિશ્વના અન્ય દેશોના તેના પર હસ્તાક્ષર લેતી રહી, અને પોતે જ તે સંધિઓનો ભંગ કરતી રહી એમ કહીએ તો કઈ ખોટું નથી. અત્યારે હાલમાં પણ વિશ્વના મોટાભાગના દેશો અણુ પ્રક્ષેપાસ્ત્રો ધરાવે જ છે.
‘ઇન્ટરનેશનલ કેમ્પેન ટુ અબોલીશ ન્યુક્લિરબોમ્બ’ (International Campaign to Abolish Nuclear bomb)ના 2023ના અહેવાલ અનુસાર, સૌથી વધુ પરમાણુશસ્ત્રો ધરાવતો દેશ રશિયા છે. તેની પાસે 5899 અણુ શસ્ત્રો છે. એ પછી ક્રમશ: અમેરિકા: 5244, ચીન: 410, ફ્રાન્સ: 290, યુનાઈટેડ કિંગડમ: 225, પાકિસ્તાન: 170, ભારત: 164, ઇઝરાયેલ: 90, ઉત્તર કોરિયા: 30 એમ વિશ્વના લગભગ બધા જ દેશો પરમાણુ શસ્ત્રો ધરાવે છે.
આ આંકડાઓ જોતાં જ એમ લાગે છે કે વિશ્વ શાંતિ કેટલા મોટા ભય પર ઊભેલી છે. વિશ્વમાં હાલ રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-ગાઝાનું યુદ્ધ શરૂ જ છે. ત્યારે આટલા બધા અણુશસ્ત્રો સાથે વિશ્વના અસ્તિત્વ પર માથે લટકતી તલવારની જેમ જોખમ તોળાઈ રહ્યું છે.
લેખ માટેની માહિતીના સંદર્ભ ગ્રંથો- 1 વિશ્વ રાજકારણ 2 ભારતની વિદેશનીતિ 3 તુલનાત્મક રાજકારણ