સુરતના ભેસાણ વિસ્તારમાં રહેલા એક વૃદ્ધ પારસી વ્યક્તિની કરોડો રૂપિયાની જમીન ભૂમાફિયાઓએ કબજે કરીને વેચવાનું કાવતરું રચ્યું હતું, જેનો આખરે પર્દાફાશ થયો છે. આરોપી ઝાકીર ગુલામઅલી નકવી તેના સહયોગી સાક્ષી સાથે સબ-રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ કરાવવા માટે પહોંચ્યો હતો. તે દરમિયાન જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. પારસી વ્યક્તિની 40 વીઘા જમીન પર આરોપીઓએ કબજો કરી રાખેલો હતો. જેમાંથી 14 વીઘા જમીનનો તો સોદો પણ કરી નાખ્યો હતો. હાલ પોલીસ આ દિશામાં વધુ તપાસ હાથ ધરી રહી છે.
સુરતના ભેસાણ ગામમાં પારસી ફળિયામાં રહેતા 72 વર્ષીય કુરુષ રૂસ્તમજી પટેલની ભેસાણના અલગ-અલગ બ્લોકમાં ₹100 કરોડની જમીનો આવેલી છે. આ જ જમીનોના દસ્તાવેજ કરાવવા માટે ઝાકીર ગુલામઅલી નકવી અને તેનો એક સહયોગી હજીરા સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ગયા હતા. પરંતુ પારસી વૃદ્ધને શંકા હતી કે, તેમની જમીન પચાવી પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. જેથી તેમણે પહેલાં જ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં વાંધાઅરજી કરી હતી. ત્યારબાદ બંને આરોપીઓ કચેરીએ પહોંચ્યા હતા. કચેરીએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે આરોપી અકબર અને પિયુષ શાહ ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
પારસી વૃદ્ધ કુરુષ પટેલનું નામ ધારણ કરીને દસ્તાવેજ કરવા આવેલા ઝાકીર ગુલામઅલી નકવી અને સાક્ષીમાં સહી કરનારા મુકેશ મેંદપરાની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટ દ્વારા બંને આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હાલ પણ પોલીસ વિભાગ આ કેસ વિશેની તપાસ કરી રહ્યો છે. ફરાર થઈ ગયેલા આરોપીઓને પકડવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
પારસી વૃદ્ધે કરી હતી વાંધાઅરજી
આ સમગ્ર કેસ મામલે DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ભેસાણ ગામની 40 વીઘા જમીન એક પારસી વ્યક્તિની માલિકીની છે. તેમણે સબ-રજિસ્ટ્રાર કચેરી ખાતે એક વાંધા અરજી કરી હતી કે, કોઈપણ વ્યક્તિ જમીન અંગે દસ્તાવેજ કરવા માટે આવે તો તેમને મોબાઈલ ફોન દ્વારા જાણ કરવી. તેમની જમીન પર દસ્તાવેજો બનાવવા માટે ઝાકીર સહિતના આરોપીઓ આવ્યા ત્યારે વાંધાઅરજી પ્રમાણે તેમને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જમીન માલિક તરફથી કચેરીમાં જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઉપરાંત પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, જે 2 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે, તેમના દ્વારા જાણવા મળ્યું છે કે, આ લોકો માર્ચ- એપ્રિલથી જ પારસી વૃદ્ધની જમીન પર નજર રાખીને બેઠા હતા. આ ઉપરાંત તેમણે મૂળ જમીન માલિકના નામના બોગસ દસ્તાવેજો પણ બનાવ્યા હતા. તેમણે 14 વીઘા જમીનનો સોદો કરી નાખ્યો હતો અને ₹3 કરોડ 41 લાખ તેમણે એડવાન્સ પણ લઈ લીધા હતા. હવે આ કેસ વિશે વધુ તપાસ પણ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.