Saturday, September 21, 2024
More
    હોમપેજદેશસંપત્તિ પર દાવો થયા બાદ તમારે સાબિત કરવી પડે છે માલિકી, વિવાદના...

    સંપત્તિ પર દાવો થયા બાદ તમારે સાબિત કરવી પડે છે માલિકી, વિવાદના કિસ્સામાં ટ્રિબ્યુનલનો નિર્ણય જ અંતિમ: જાણો શું છે વક્ફ બોર્ડ, જેમની પાસે સેના અને રેલવે બાદ છે સૌથી વધુ મિલકત

    આમ તો ભારતના બંધારણમાં ‘સેક્યુલર સ્ટેટ’ શબ્દ ઉમેરવામાં આવ્યો છે, પણ હકીકત એ છે કે દેશમાં આવો કાયદો માત્ર એક જ મઝહબ માટે છે. ન હિંદુઓ, ન શીખો, ન ખ્રિસ્તીઓ કે ન સૌથી ઓછા લઘુમતીઓ પારસીઓ માટે આવો કાયદો બનાવવામાં આવ્યો છે.

    - Advertisement -

    રવિવારે (4 ઑગસ્ટ) સવારે એક સમાચાર આવ્યા અને તેનાથી અવારનવાર ચર્ચા અને વિવાદોમાં રહેતું વક્ફ બોર્ડ ફરીથી ચર્ચામાં આવ્યું. સમાચાર એવા છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ બોર્ડની અનિયંત્રિત સત્તા પર લગામ લગાવવા માટે વક્ફ એક્ટ, 1995માં સંશોધન કરી રહી છે અને આ માટે આગામી અઠવાડિયે સંસદમાં બિલ રજૂ કરવામાં આવશે. મીડિયા અહેવાલોનું માનીએ તો મોદી સરકારની કેબિનેટે કાયદામાં કુલ 40 સંશોધનોને મંજૂરી આપી છે, જેના કારણે બોર્ડની સત્તા પર ગાળિયો કસાશે. 

    કેન્દ્ર સરકાર તરફથી હજુ અધિકારિક જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે, અથવા બને કે સીધું બિલ જ રજૂ કરવામાં આવે. પરંતુ દેશમાં વક્ફ બોર્ડ, તેને લગતા કાયદા અને વિવાદો વિશે ચર્ચા ફરી એક વખત શરૂ થઈ છે. ત્યારે આ સમય છે ફરી એક વખત યાદ કરવાનો કે વક્ફ બોર્ડ શું છે અને શા માટે તેની ઉપર લગામ લગાવવી જરૂરી છે. 

    શું છે વક્ફનો અર્થ? 

    ઇસ્લામમાં ‘વક્ફ’નો સીધો અર્થ થાય સ્થાયી, અસ્થાયી મિલકતને મઝહબી કે પાક ઉદ્દેશ્ય માટે કાયમ માટે દાન કરી દેવી. આ સંપત્તિ સમર્પિત કોને કરવી? જવાબ છે- અલ્લાહને. એક વખત કોઇ સંપત્તિ વક્ફને અપાઈ તો પછી તેનો મઝહબી હેતુઓ સિવાય બીજી કોઇ પણ પ્રવૃત્તિ માટે ઉપયોગ થઈ શકે નહીં અને શરિયા (ઈસ્લામિક કાનૂન) અનુસાર એક વખત વક્ફ માટે દાન અપાયા બાદ તે કાયમ માટે વક્ફની સંપત્તિ થઈ જાય છે અને પરત ક્યારેય મેળવી શકાતી નથી. 

    - Advertisement -

    ‘વક્ફ’ પ્રક્રિયા હેઠળ જે-તે માલિક પાસેથી સંપત્તિ હસ્તગત કરી લેવામાં આવે અને તેને અલ્લાહના નામે કરી દેવામાં આવે છે. જે ત્યારપછી કાયમ માટે તે જ સ્થિતિમાં રહે છે અને મૂળ માલિક પાસે પરત જતી નથી. જે વ્યક્તિ સંપત્તિ આપે છે તેને ‘વકીફ’ કહેવાય છે. સરળ ભાષામાં જેને ‘દાતા’ કહેવાય એવો વ્યક્તિ. હવે આ સંપત્તિ અલ્લાહને સમર્પિત કરવામાં આવે છે, પણ તેના સંચાલન માટે કોઈની જરૂર પડે, જેથી વકીફ તેના માટે એક વ્યક્તિને નીમે છે, જે હોય છે ‘મુતવ્વલી’. વક્ફ સંપત્તિના સંચાલન અને જાળવણીની જવાબદારી તેના શિરે હોય છે. 

    ભારતમાં વક્ફનો શું ઇતિહાસ? 

    ભારતમાં વક્ફનાં મૂળ ઈસ્લામિક શાસન દરમિયાનથી જોવા મળે છે. દિલ્હી સલ્તનતના શરૂઆતના વખતમાં સુલતાન મુઈજુદ્દીન સેમ ઘોરે (જે મુહમ્મદ ઘોરી નામે કુખ્યાત થયો અને જેણે ભારતમાં ઇસ્લામિક શાસન સ્થાપ્યું) મુલતાનની જામા મસ્જિદ માટે 2 ગામો દાન કર્યાં હતાં અને તેનું સંચાલન શૈખુલ ઈસ્લામને સોંપ્યું હતું. પછીથી જેમ ભારતમાં દિલ્હી સલ્તનત અને પછી ઈસ્લામિક શાસનનાં મૂળિયાં મજબૂત થતાં ગયાં એમ વક્ફ સંપત્તિ પણ વધતી રહી. 

    અંગ્રેજોએ પણ વક્ફને ગણાવ્યું હતું ‘ગેરકાયદેસર’ 

    પછીથી બ્રિટિશ રાજ આવ્યું પરંતુ વક્ફ સંપત્તિઓના વધારામાં કોઇ ફેર પડ્યો નહીં. જોકે, 19મી સદીના અંતમાં લંડનની પ્રિવી કાઉન્સિલમાં ભારતમાં વક્ફ નાબૂદ કરવાની માંગ સાથે એક કેસ પહોંચ્યો હતો. આ કેસ જેમણે સાંભળ્યો એ બ્રિટીશ ન્યાયાધીશોએ વક્ફને ગેરકાદયેસર ઠેરવીને હાનિકારક ગણાવ્યું હતું. પણ તેમનો આદેશ ભારતમાં ક્યારેય સ્વીકારાયો નહીં અને ઉપરથી 1913માં વક્ફ વેલિડેટિંગ એક્ટ લાવવામાં આવ્યો. ત્યારપછી ક્યારેય વક્ફ પર નિયંત્રણ લગાવવાના પ્રયાસો થયા નથી. કોંગ્રેસે આવીને તેની શક્તિઓ વધારવાનું જ કામ કર્યું છે. 

    વાચકોને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે આજની તારીખે ભારતમાં સશસ્ત્ર સેનાઓ અને રેલ્વે બાદ વક્ફ એવી બોડી છે, જેની પાસે સૌથી વધુ સંપત્તિ છે. વક્ફ મૅનેજમેન્ટ સિસ્ટમના અધિકારિક ડેટા અનુસાર, ભારતમાં કુલ 8 લાખ 54 હજાર જેટલી વક્ફ સંપત્તિઓ છે અને દેશભરમાં કુલ 8 લાખ એકરથી વધુ જમીનમાં ફેલાયેલી છે. 2009માં આ આંકડો 4 લાખ એકર હતો. જે હવે બમણો થઈ ગયો છે. 

    સ્વતંત્રતા પછી પણ તુષ્ટિકરણ અને વૉટબેન્કના રાજકારણના લીધે વક્ફ વધુને વધુ મજબૂત જ થતું ગયું. ટાઈમ્સ ઑફ ઇન્ડિયાનો એક રિપોર્ટ જણાવે છે કે, ભાગલા પછી જ્યારે પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ ભારત આવી ગયા ત્યારે તેમની ત્યાંની સંપત્તિ સ્થાનિક મુસ્લિમો અને પાકિસ્તાન સરકારે પચાવી પાડી હતી. પણ ભારતથી જે મુસ્લિમો પાકિસ્તાન ગયા હતા તેમની અહીંની સંપત્તિ સરકારે વક્ફ બોર્ડને સુપરત કરી દીધી હતી. 

    નેહરુ સરકારે 1954માં બનાવ્યો હતો વક્ફ એક્ટ, 1995માં કોંગ્રેસે નવો કાયદો બનાવીને બોર્ડ વધુ શક્તિશાળી બનાવ્યું 

    વર્ષ 1954માં જવાહરલાલ નહેરુની સરકારે એક કાયદો બનાવ્યો, જેને નામ અપાયું વક્ફ બોર્ડ એક્ટ ઑફ 1954 અને વક્ફના કેન્દ્રીયકરણનું કામ શરૂ થયું. કાયદા હેઠળ એક સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની રચના કરવામાં આવી, જેના હેઠળ અલગ-અલગ રાજ્યોનાં વક્ફ બોર્ડ આવે છે. આ તમામ બોર્ડની સ્થાપના વક્ફ એક્ટ, 1954ના સેક્શન 9(1) હેઠળ કરવામાં આવી છે. તમામ વક્ફ બોર્ડ ઉપર કાઉન્સિલ આવે છે, જે એક સ્ટેચ્યુચરી બોડી (કાયદા માન્ય) છે.

    ત્યારપછી મોટેભાગે કોંગ્રેસની જ સરકારો રહી, પણ વક્ફ પર નિયંત્રણની વાત ક્યાંય આવી નહીં. એટલું પૂરતું ન હતું ત્યાં 1995માં તત્કાલીન કોંગ્રેસ સરકાર એક નવો કાયદો લાવી, જેનાથી 1954નો કાયદો રદ કરીને નવો વક્ફ એક્ટ લાગુ કરવામાં આવ્યો. આ એક્ટના કારણે વક્ફને એવી અમાપ શક્તિઓ પ્રાપ્ત થઈ, જેની અસરો આજે પણ જોવા મળી રહી છે. 

    22 નવેમ્બર, 1995ના રોજ સરકારે આ વક્ફ એક્ટ લાગુ કર્યો હતો, જે આજે પણ લાગુ છે. સમય પ્રમાણે તેમાં સંશોધનો થતાં રહ્યાં છે પણ આ સંશોધનોના કારણે વક્ફ બોર્ડને સત્તા જ મળી છે, લગામ લાગી નથી. આ નવા કાયદાથી વક્ફ કાઉન્સિલ અને રાજ્યનાં વક્ફ બોર્ડને વધુ શક્તિઓ આપવામાં આવી. હવે આ કાયદાના અમુક ખંડ જોઈએ. 

    વક્ફ એક્ટના સેક્શન 4 હેઠળ વક્ફ સરવે કમિશનરને સિવિલ કોર્ટ જેટલી જ સત્તા આપવામાં આવી છે. એટલું જ નહીં, જે સરવે હાથ ધરવામાં આવે તેનો ખર્ચ પણ સરકારે ભોગવવાનો રહે છે. એટલે કે જો કોઇ હિંદુ સંપત્તિને વક્ફ બોર્ડ પોતાની સંપત્તિ જાહેર કરે અને તેનો સરવે કરવામાં આવે તો તેનો ખર્ચ પણ સરકાર જ ભોગવશે, એટલે કે ટેક્સપેયરના પૈસા જશે. સેક્શન 40 અનુસાર, વક્ફ બોર્ડને એ નક્કી કરવાની સત્તા મળે છે કે તમારી જમીન વક્ફની છે કે કેમ. જો કોઇ સંપત્તિ પર વક્ફ દાવો માંડે તો ત્યારબાદ સંપત્તિના માલિકે પુરવાર કરવું પડે છે કે જે-તે સંપત્તિ તેની માલિકીની છે.

    સેક્શન 54 હેઠળ વક્ફ કોઇને ‘અતિક્રમણકારી’ પણ ઘોષિત કરી શકે છે. કાયદા અનુસાર, જો ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરને લાગે કે વક્ફ સંપત્તિ પર કોઈ અતિક્રમણ કરવામાં આવ્યું છે તો તેઓ ફરિયાદ પર કે સ્વતઃ સંજ્ઞાન લઈને જે-તે વ્યક્તિને નોટિસ પાઠવી શકે છે, જેણે પછી કારણ દર્શાવવું પડે છે. તપાસ બાદ જો સામે આવે કે સંપત્તિ વક્ફ સંપત્તિ છે અને તેની ઉપર અતિક્રમણ કરવામાં આવ્યું છે તો અધિકારી ટ્રિબ્યુનલમાં રજૂઆત કરીને જગ્યા ખાલી કરાવવા સુધીની કાર્યવાહી કરાવી શકે છે.

    ટ્રિબ્યુનલને સિવિલ કોર્ટ જેટલી જ સત્તા 

    સરળ શબ્દોમાં કહીએ તો વક્ફ પોતાની રીતે નક્કી કરે છે કે જે-તે સંપત્તિ વક્ફ સંપત્તિ છે કે નહીં, ત્યારબાદ ‘અતિક્રમણ કરનાર’ને નોટિસ મોકલે છે, મામલો વક્ફ ટ્રિબ્યુનલમાં જાય છે અને જો ટ્રિબ્યુનલને રજૂઆત પર સંતોષ થયો તો જગ્યા ખાલી કરવાનો આદેશ પણ છૂટી શકે છે. વધુ ગંભીર બાબત એ છે કે કાયદાના સેક્શન 85 હેઠળ વક્ફ કે વક્ફ સંપત્તિને લગતા વિવાદો માત્ર વક્ફ ટ્રિબ્યુનલ દ્વારા જ નક્કી કરવામાં આવે છે, જેને સિવિલ કોર્ટ જેટલી સત્તા હોય છે અને કોડ ઑફ સિવિલ પ્રોસીજર હેઠળ તેને એ તમામ સત્તા અને અધિકારો પ્રાપ્ત છે, જે એક સિવિલ કોર્ટને હોય છે. આ ટ્રિબ્યુનલના આદેશ બંને પક્ષોએ માન્ય રાખવા જ પડે છે અને તેને દેશની કોઇ પણ સિવિલ કોર્ટમાં પડકારી શકાતા નથી. 2019માં સુપ્રીમ કોર્ટે પણ એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, વક્ફ સંપત્તિને લગતા મામલા ટ્રિબ્યુનલ જ નક્કી કરશે, દેશની કોર્ટ તેમાં કશું કરી શકે તેમ નથી. 

    સુરતની મહાનગરપાલિકા કચેરીને વક્ફ સંપત્તિ ઘોષિત કરાઈ હતી 

    ભૂતકાળમાં અનેક કિસ્સા સામે આવ્યા છે, જેમાં હિંદુઓની ઘણી સંપત્તિને અને અહીં સુધી કે સરકારી સંપત્તિને પણ વક્ફ સંપત્તિ ઘોષિત કરી દેવામાં આવી હતી. બે વર્ષ પહેલાં સુરતમાં મહાનગરપાલિકાની કચેરીને ‘વક્ફ સંપત્તિ’ ઘોષિત કરી દેવામાં આવી હતી અને દાવો માંડી દેવાયો હતો. ‘મુઘલી સરાય’ના નામે ઓળખાતી SMCની મુખ્ય ઈમારતને ‘હુમાયુ સરાય’ નામ આપવાની માંગ સાથે વર્ષ 2016માં એક અરજી કરવામાં આવી હતી. આ અરજી સુરતના અબ્દુલ્લાહ જરૂલ્લાહ નામના વ્યક્તિએ કરી હતી, જેમાં તેમણે વક્ફ અધિનિયમ 36ને ટાંકીને SMCની મુખ્ય કચેરીની ઈમારતને વક્ફ બોર્ડની માલિકી તરીકે નોંધવામાં આવે તેવી માંગ કરી હતી. વર્ષ 2021માં અરજદારની તરફેણમાં હુકમ આપીને કચેરીની ઈમારતને ‘વક્ફ મિલકત’ તરીકે નોંધી દેવામાં આવી હતી. 

    જોકે, સુરતના એક કૉર્પોરેટર અને અમુક અધિકારીઓએ રસ દાખવીને મામલો હાથ પર લેતાં ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરી હતી અને માલિકી સાબિત કરવા માટે દસ્તાવેજો રજૂ કર્યા હતા. આખરે ગત 5 એપ્રિલ, 2024ના રોજ તમામ તથ્યો અને માહિતીને ધ્યાને લઈને ટ્રિબ્યુનલે ઠેરવ્યું કે, ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડનો 25 નવેમ્બર, 2021નો સુરતના વૉર્ડ નંબર, 11ની સિટી સરવે નંબર, 1504ની મિલકતને ‘હુમાયુ સરાય’ વક્ફ મિલકત તરીકે નોંધણી કરવાનો હુકમ ગેરકાયદેસર, કાયદાના પ્રથાપિત ન્યાયિક સિદ્ધાંત વિરુદ્ધ, ભૂલ ભરેલો અને મનસ્વી હતો અને ન્યાયનાં હિતમાં તેને રદબાતલ ઠેરવવામાં આવે છે. 

    આ એક કિસ્સો છે, આવા અનેક કિસ્સાઓ બન્યા છે, જેમાં વક્ફ બોર્ડની અમાપ શક્તિઓના કારણે મનફાવે એ રીતે સંપત્તિને હસ્તગત કરી લેવામાં આવી હોય. આવા સંજોગોમાં એકમાત્ર રસ્તો ટ્રિબ્યુનલનો જ રહે છે અને તેમાં પણ જો ટ્રિબ્યુનલ બોર્ડની તરફેણમાં આદેશ આપે તો કોઇ રસ્તો રહેતો નથી. 

    ‘સેક્યુલર’ દેશમાં આવો મઝહબી કાયદો કેવી રીતે? 

    આમ તો ભારતના બંધારણમાં ‘સેક્યુલર સ્ટેટ’ શબ્દ ઉમેરવામાં આવ્યો છે, પણ હકીકત એ છે કે દેશમાં આવો કાયદો માત્ર એક જ મઝહબ માટે છે. ન હિંદુઓ, ન શીખો, ન ખ્રિસ્તીઓ કે ન સૌથી ઓછા લઘુમતીઓ પારસીઓ માટે આવો કાયદો બનાવવામાં આવ્યો છે. વક્રતા એ પણ છે કે વર્ષ 1991માં એક પ્લેસીસ ઑફ વર્શિપ એક્ટ બનાવાયો હતો, જેમાં જોગવાઈ છે કે 15 ઑગસ્ટ, 1947ના રોજ ધાર્મિક-મઝહબી સ્થળોનાં જે ચરિત્ર હોય તે જાળવી રાખવામાં આવે અને તેમાં ફેરફાર કરી શકાય નહીં. બીજી તરફ, ચાર જ વર્ષ પછી વક્ફ બોર્ડ એક્ટને મજબૂત બનાવી દેવાયો, જેમાં બોર્ડ કોઇ પણ સંપત્તિને મઝહબી ઘોષિત કરી શકે છે. 

    નોંધવાનું એ પણ રહે કે ‘સેક્યુલર’ ભારતમાં આ વક્ફ એક્ટ લાગુ છે, પણ તૂર્કી, સીરિયા, લિબિયા, સુદાન જેવા ઇસ્લામી દેશોમાં આવો કોઇ કાયદો કે જોગવાઇ નથી. ન ત્યાં વક્ફ બોર્ડ છે કે ન વક્ફ એક્ટ છે. પરંતુ અહીં તુષ્ટિકરણ અને વૉટબેન્કના રાજકારણના કારણે આવી પ્રવૃત્તિઓને કાયદાકીય રક્ષણ મળી રહ્યું છે. જોકે, મોદી સરકારે હવે થોડી આશા જગાવી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં