કેરળના એર્નાકુલમ સ્થિત ચર્ચ સંચાલિત કોલેજમાં મુસ્લિમ વિદ્યાર્થીઓએ નમાજ પઢવા માટે અલગ રૂમની માંગ કરી છે. જેને લઈને હવે વિવાદ ઊભો થયો છે. કોલેજ પ્રશાસને મુસ્લિમ વિદ્યાર્થીઓની માંગણી પૂરી ન કરતાં તેઓ રોષે ભરાયા હતા અને આખી કોલેજ માથે લીધી હતી. બીજી તરફ મુસ્લિમ વિદ્યાર્થીઓના વિરોધમાં કોલેજ પ્રશાસન અને ચર્ચ પણ મેદાને ઉતરી આવ્યા છે. આ ઉપરાંત અલગ-અલગ ખ્રિસ્તી સંગઠનો પણ મેદાને ઉતરી આવ્યા છે. ચર્ચ તરફથી મુસ્લિમ વિદ્યાર્થીઓની આ હરકતને મઝહબી હસ્તક્ષેપ ગણવામાં આવી છે અને કોલેજને આની મંજૂરી ન આપવા માટે અપીલ કરવામાં આવી છે.
માહિતી અનુસાર, આ વિવાદ શુક્રવાર (26 જુલાઈ, 2024)ના રોજથી શરૂ થયો હતો. કેરળના એર્નાકુલમ સ્થિત ચર્ચ સંચાલિત નિર્મલા કોલેજના વેઇટિંગ હૉલમાં કેટલીક મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ જાહેરમાં નમાજ પઢી હતી. ત્યારબાદ કોલેજના સ્ટાફે આ અંગેની જાણ કોલેજ પ્રશાસનને કરી હતી. જે બાદ કોલેજ પ્રશાસને પણ આ બાબતને ગંભીરતાથી લીધી હતી અને મુસ્લિમ વિદ્યાર્થિનીઓને કોલેજમાં નમાજ પઢવાથી રોકી હતી. ત્યારબાદ આ આખો વિવાદ શરૂ થયો હતો.
મુસ્લિમ વિદ્યાર્થીઓએ કોલેજમાં કર્યો હોબાળો
ઘટના બાદ મુસ્લિમ વિદ્યાર્થીઓએ કોલેજમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું. મુસ્લિમ વિદ્યાર્થીઓએ આખી કોલેજ માથે લીધી અને કેમ્પસની અંદર જ રોજ નમાજ પઢવા માટે અલાયદા રૂમની માંગણી કરવા લાગ્યા. મુસ્લિમ વિદ્યાર્થીઓએ આ અંગે તર્ક આપતા કહ્યું કે, આ તેમના મઝહબનો એક ભાગ છે અને તેમને અલગથી એક રૂમ આપવામાં આવે. જેના પર કોલેજના પ્રિન્સિપાલ જસ્ટિન કન્નડને સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. કોલેજ પ્રશાસને અને અન્ય ખ્રિસ્તી સંગઠનોએ મુસ્લિમ વિદ્યાર્થીઓની માંગણી પર વિરોધ નોંધાવ્યો છે.
કોલેજ પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે, તે એક સેક્યુલર સંસ્થા છે અને ત્યાં કોઈને પણ નમાજ પઢવાની પરવાનગી આપવામાં આવશે નહીં. કોલેજ મુસ્લિમ વિદ્યાર્થીઓને ત્યાં સુધી કહ્યું છે કે, જો તેઓ નમાજ પઢવા માંગે છે તો તેમને દર શુક્રવારે નમાજ પઢવા માટેની રજા પણ આપવામાં આવશે. આ માટે માત્ર તેમણે લેખિત આવેદનપત્ર આપવાનો રહેશે. તેમ છતાં મુસ્લિમ વિદ્યાર્થીઓ અલગ રૂમની જ માંગણી કરી રહ્યા છે. કોલેજ પ્રશાસને કહ્યું છે કે, કોલેજથી મસ્જિદ લગભગ 200 મીટર જ દૂર છે અને વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ત્યાં જવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. મુસ્લિમ વિદ્યાર્થીઓના સમર્થનમાં કેટલાક વિદ્યાર્થી સંગઠનો પણ ઉતરી આવ્યા છે. કોલેજની આ ઘટના બાદ કેરળના સાઈરો માલાબાર ચર્ચ અને કેથોલિક કોંગ્રેસે તેના પર સખત વાંધો ઉઠાવ્યો છે.
ખ્રિસ્તી સંગઠનો અને ભાજપ પણ મેદાને
સાઈરો માલાબાર ચર્ચે આ ઘટનાને ખ્રિસ્તી સંસ્થાઓમાં મઝહબી હસ્તક્ષેપ ગણાવી છે. ચર્ચની પબ્લિક અફેર્સ કમિટીએ કહ્યું છે કે, ઈસાઈ સંસ્થાનોમાં મઝહબી દખલગીરીનો વિરોધ કરવામાં આવશે. આ ઉપરાંત ચર્ચે તે પણ જણાવ્યું છે કે, કેરળના બે મુખ્ય વિદ્યાર્થી સંગઠનો પણ મુસ્લિમ વિદ્યાર્થીઓની માંગણીના સમર્થનમાં આવ્યા છે. આ માંગણીના કોઈ નૈતિક કે કાયદાકીય આધાર પણ નથી. બીજી તરફ કેરળની અન્ય એક ખ્રિસ્તી સંસ્થા કેથોલિક કોંગ્રેસે પણ મુસ્લિમ વિદ્યાર્થીઓને અલગ રૂમ ન આપવાની અપીલ કરી છે. કેથોલિક કોંગ્રેસે તો મુસ્લિમ મૌલવીઓને પણ અપીલ કરી છે કે, તેઓ રૂઢિવાદી ન બને અને મસ્જિદમાં મહીલાઓ માટે પણ જગ્યા બનાવે.
Deliberate attempts are being made to chaos in Hindu & Christian educational institutions in Kerala are unacceptable. Threatening principals for enforcing discipline shows the true face of religious extremism supported by the Left and Congress. Do any Muslim-managed institutions…
— K Surendran (@surendranbjp) July 28, 2024
તે સાથે જ આ ઘટનાને લઈને ભાજપે પણ વિરોધ નોંધાવ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે સુરેન્દ્રને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, “કેરળમાં હિંદુ અને ખ્રિસ્તી સંસ્થાઓમાં જાણીજોઇને અરાજકતા ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેને સ્વીકારી શકાશે નહીં. પ્રિન્સિપાલના અનુશાસન લાગુ કરવા પર ધમકીઓ આપવી કોંગ્રેસ અને વામપંથી સંગઠનોનો અસલી ચહેરો ઉજાગર કરે છે.” તેમણે વધુમાં કહ્યું કે, “શું કોઈ મુસ્લિમ સંસ્થામાં બિન-મુસ્લિમો માટે પ્રાર્થનાની પરવાનગી આપવામાં આવશે? સરકારે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. ભાજપ તેની વિરુદ્ધ છે અને સંસ્થાઓને દરેક સંભવિત સહાયતા આપવામાં આવશે.”
ઉલ્લેખનીય છે કે, નિર્મલા કોલેજની સ્થાપના 1953માં થઈ હતી. તે ખ્રિસ્તી લઘુમતી સંસ્થા છે. તે કેરળના સીરિયન કેથોલિક ચર્ચ દ્વારા ચલાવવામાં આવે છે. આ સંસ્થામાં 3000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને અહીં એક ચર્ચ પણ છે. મુસ્લિમ વિદ્યાર્થીઓએ નમાજ પઢવા માટે જગ્યાની માંગણી કર્યા બાદ હવે અહીં વિવાદ ઉભો થયો છે.