Friday, October 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદે મૂકી માજા: વડોદરામાં વિશ્વામિત્રી બે-કાંઠે, અનેક લોકોના સ્થળાંતર; દરિયામાં...

    મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદે મૂકી માજા: વડોદરામાં વિશ્વામિત્રી બે-કાંઠે, અનેક લોકોના સ્થળાંતર; દરિયામાં હાઈટાઇડથી સુરતમાં ખાડી પૂર, લીધો ત્રણનો ભોગ

    બુધવારે પડેલા મુશળધાર વરસાદથી આજવા સરોવર 212.15 ફૂટની સપાટી વટાવી ગયું હતું. વધુ પડતા પાણીની આવકના કારણે સરોવર ઓવરફલો થતા વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક વધી હતી.

    - Advertisement -

    સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસ્યા બાદ મેઘરાજા હવે મધ્ય-દક્ષિણ ગુજરાતને ધમરોળી રહ્યા છે. બુધવારે (25 જુલાઈ 2024) વડોદરામાં પડેલા 14 ઇંચ વરસાદ બાદ આજવા સરોવર (Ajwa Sarovar) જળાશયોના જળસ્તર વધવાને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વિશ્વામિત્રી નદીમાં પણ પાણીની આવક થતા શહેરમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ સુરતમાં પણ ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ છે. દરિયામાં હાઈટાઇડના (High tide) કારણે ખાડીઓમાં પાણીની સપાટી વધી હતી. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. સુરતમાં ખાડી પૂરમાં અત્યાર સુધી ત્રણ લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. વડોદરા અને સૂરતમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, તો ભરૂચમાં પણ અનેક ગામો અસરગ્રસ્ત થયા છે.

    વિશ્વામિત્રીમાં જળસપાટી વધતા વડોદરા ડૂબ્યું

    વડોદરાની (Vadodara) વાત કરીએ તો બુધવારે પડેલા મુશળધાર વરસાદથી આજવા સરોવર 212.15 ફૂટની સપાટી વટાવી ગયું હતું. વધુ પડતા પાણીની આવકના કારણે સરોવર ઓવરફલો થતા વિશ્વામિત્રી નદીમાં (Vishwamitri River) પાણીની આવક વધી હતી. પરિસ્થિતિ એવી સર્જાઈ કે ગુરુવારે વગર વરસાદે શહેરના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. નદીમાં પાણીનું સ્તર વધતા શહેરના મંગલ પાંડે અને કાલા ઘોડા પૂલ બંધ કરવાની ફરજ પડી હતી. વિશ્વામીત્રી નદીમાં 29.36 ફૂટની ભયજનક સપાટી વટી જતા, બેરીકેટ મુકીને રસ્તા બંધ કરવાની ફરજ પડી હતી. બીજી તરફ ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ (Fire and Emergency Services) દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.

    નોંધનીય છે કે વડોદરામાં અનેક વિસ્તારોમાં હજુ પાણી ભરાયા છે, તો કેટલાક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયા છે. આજવા નજીક આવેલા વાઘોડિયા અને આસપાસના ગામોને પણ એલર્ટ કરાયા છે. બીજી તરફ શહેરમાં ભરાયેલા પાણીના કારણે 4200થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોની કેટલીક શાળા-કૉલેજો બંધ રાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. બીજી તરફ એમએસ યુનિવર્સિટીમાં (MSU M S University) યોજાનાર પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે. તંત્ર દ્વારા ઈમરજન્સી નંબરો જાહેર કરવામાં આવ્યા છે. કેટલાક ગામોમાં લોકો પાણીમાં ફસાતા રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation) ચલાવવાની ફરજ પણ પડી હતી. વધેલા પાણીના સ્તર વચ્ચે વડોદરાવાસીઓને મગરનો પણ ખોફ સતાવી રહ્યો છે.

    - Advertisement -

    સુરત ખાડીપૂરમાં ડૂબ્યું, ત્રણના મોત

    વડોદરા ઉપરાંત સુરત (Surat) પણ પૂરની પરિસ્થતિનો સામનો કરી રહ્યું છે. સતત વરસાદ અને દરિયામાં હાઈટાઇડના કારણે શહેરમાં ખાડી પૂરનું નિર્માણ થયું છે. અનેક વિસ્તારો કેટલાય ફૂટ સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ પૂરે અત્યાર સુધીમાં એક બાળક સહિત 3નો ભોગ લીધો છે. સચિનના કનસાડ રોડ પર ગોકુલધામ સોસાયટી નજીક મેદાનમાં ભરાયેલા પાણીમાં એક 5 વર્ષીય બાળક ડૂબી ગયું હતું. પરવટ ગામ અંકુર એપાર્ટમેન્ટ નજીક ખાડીના પાણીમાંથી પસાર થતી વખતે 30 વર્ષીય યુવક ડૂબી ગયો, જેને હજુ સુધી નથી શોધી શકાયો. પરવટ ગામ નજીક કેપીટલ સ્ક્વેરની સામે કન્સ્ટ્રક્શન સાઈટ નજીક પણ ખાડીના પાણી ફરીવળ્યા હતા. જ્યાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર ભરાયેલા પાણીમાં 20 વર્ષીય યુવક ડૂબતા તેનું મોત નીપજ્યું હતું.

    દરિયામાં આવેલા હાઈટાઇડના (મોટી ભરતી) કારણે ખાડીઓમાં પૂર આવ્યા હતા. પર્વતપાટિયા, મીઠીખાડી, સરોલી, સણિયા હેમદ, કુંભારિયા, કઠોદરા, ભટાર આઝાદનગર, રસુલાબાદ સહિતના વિસ્તાર પાણીમાં ગરકાવ હોવાથી નાગરિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જોકે કેટલાક વિસ્તારમાં પાણી ઓસર્ય છે અને સુરત મહાનગરપાલિકાની ટીમે પાણી ઓસર્યા તે સ્થળે યુદ્ધના ધોરણે સફાઇ સાથે આરોગ્ય સંબંધિત કામગીરી હાથ ધરી છે. આગામી 24 કલાકમાં વરસાદ ન વરસે તો સ્થિતિ સામાન્ય થઇ જશે તેવું પ્રશાસનનું માનવું છે. જોકે ખાડી પૂર ઓસર્યા બાદ પણ રોગચાળો ફાટી નીકળવાની ભીતિ લોકોમાં સેવાઈ રહી છે. બીજી તરફ તંત્ર તમામ પડકારો જીલવા સજ્જ નજરે પડી રહ્યું છે.

    ભરૂચમાં પણ વરસાદ બાદ કીમ નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ

    વડોદરા સુરત મધ્યમાં આવેલા ભરૂચની પણ વરસાદ બાદ હાલત કફોડી છે. નેત્રંગ તાલુકાને ધમરોળ્યા બાદ હવે ભરૂચના હાંસોટમાં કપરી પરિસ્થિતિની નિર્માણ થયું છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કીમ નદીમાં ઘોડાપુર આવતાં કાંઠા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.

    જિલ્લાના હાંસોટ તાલુકાના કીમ નદીના કાંઠે આવેલા ઓભા, આસરમા અને પાંજરોલી સહિતના ગામોમાં પૂરના પાણી ફરી વળ્યાં હતાં. સાહોલ ગામ પાસેના બ્રિજ પર પાણી પહોંચી જતા હાંસોટ-સુરત વચ્ચેનો સ્ટેટ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો. સંપર્ક વિહોણા બનેલા ગામોમાં તંત્રએ ફૂડપેકેટ વિતરણ કરવાની ફરજ પડી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં