2002નાં રમખાણો બાદ ખોટા દસ્તાવેજોના આધારે નિર્દોષ લોકોને ફસાવવાનું કાવતરું ઘડવાના કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે ‘એક્ટિવિસ્ટ’ તીસ્તા સેતલવાડ અને પૂર્વ આઇપીએસ અધિકારી આરબી શ્રીકુમારના જામીન ફગાવી દીધા છે. તીસ્તા અને શ્રીકુમારની જામીન અરજી પર અમદાવાદની સેશન્સ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે બંનેને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો.
Gujarat | Bail application of social activist Teesta Setalvad and former IPS officer RB Sreekumar rejected by the Sessions Court.
— ANI (@ANI) July 30, 2022
They were arrested in June, in relation to a case on her NGO
તીસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારે સેશન્સ કોર્ટમાં અરજી કરીને પોતે નિર્દોષ હોવાનું કહીને જામીનની માંગ કરી હતી. જે બાદ કેસની તપાસ કરતી એસઆઈટીએ સોગંદનામું રજૂ કરીને બંને વિરુદ્ધ ગંભીર આરોપ મૂક્યા હતા અને જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જે બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. પછીથી બે વખત જામીન અરજી પર નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. જે બાદ આજે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
કોર્ટે સુનાવણી કરતાં કહ્યું કે, આરોપોની ગંભીરતાને જોતાં જો આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવશે તો ખોટો સંદેશ જશે કે તત્કાલીન મુખ્યમંત્રી અને અન્યો વિરુદ્ધ આ પ્રકારે ષડ્યંત્ર રચ્યા બાદ પણ કોર્ટે મામલાની ગંભીરતા સમજી ન હતી. જેથી તમામ સબૂતોના આધારે આરોપીઓ એક મહિલા અને પૂર્વ આઇપીએસ અધિકારી હોવા છતાં તેમને જામીન મળવા શક્ય નથી. કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળી તેમજ સોગંદનામાંને ધ્યાને લઇ આદેશ પસાર કર્યો હતો અને જામીન રદ કરી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે તીસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમાર દ્વારા કરવામાં આવેલ જામીન અરજીના વિરોધમાં એસઆઈટીએ સોગંદનામું રજૂ કરીને અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે તીસ્તા અને તેમની ગેંગે કોંગ્રેસ નેતાઓની મદદથી સમગ્ર કાવતરું ઘડ્યું હતું અને તેમનો આશય તત્કાલીન ગુજરાત સરકારને અસ્થિર કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય નિર્દોષોને ખોટા કેસમાં ફસાવવાનો હતો.
એ પણ સામે આવ્યું હતું કે કોંગ્રેસ નેતા અહમદ પટેલે તીસ્તા સેતલવાડને 30 લાખ રૂપિયા આપ્યા હતા. આ પૈસા બે તબક્કામાં આપવામાં આવ્યા હતા. જેમાં પહેલી વખત 25 લાખ અને પછીથી 5 લાખ રૂપિયા અપાયા હતા. એસઆઈટીએ સોગંદનામાંમાં સાક્ષીઓને ટાંકીને આ ખુલાસા કર્યા હતા.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેસ નોંધવામાં આવ્યા બાદ તીસ્તા સેતલવાડ અને આરબી શ્રીકુમારની ગત 25 જૂનના રોજ મુંબઈ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આ મહિનાની શરૂઆતમાં આ કેસના ત્રીજા આરોપી સંજીવ ભટ્ટની પણ કસ્ટડી મેળવવામાં આવી હતી. આ તમામ વિરુદ્ધ ખોટા દસ્તાવેજો ઉભા કરી, સાક્ષીઓને પ્રભાવિત કરી નિર્દોષોને ફસાવવા માટેનું કાવતરું ઘડવાનો આરોપ લાગ્યો છે.