કીર્તિ ચક્રથી સન્માનિત બલિદાની કેપ્ટન અંશુમન સિંઘના પત્ની સ્મૃતિ સિંઘ પર અભદ્ર ટિપ્પણી કરવા મામલે દિલ્હી પોલીસે FIR નોંધી છે. સોશિયલ મીડિયા પર એક સ્ક્રીનશૉટ ફરતો થયો હતો, જેમાં એક ‘અહેમદ K’ નામ ધરાવતા યુઝરે ફેસબુક પર કોમેન્ટ કરીને અભદ્ર ટિપ્પણી કરી હતી. સોશિયલ મીડિયામાં તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગે થોડા દિવસ પહેલાં જ દિલ્હી પોલીસને આ અંગેની ફરિયાદ આપી હતી. આ જ ફરિયાદને આધાર બનાવીને દિલ્હી પોલીસે FIR નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
દિલ્હી પોલીસે BNSની કલમ 79 અને IT એક્ટની કલમ 67 હેઠળ ગુનો નોંધ્યો છે. આ બાબતની જાણકારી દિલ્હી પોલીસના અધિકારીઓએ શનિવારે (13 જુલાઈ) આપી. આધિકારીઓએ કહ્યું કે, દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલના IFSO યુનિટે કીર્તિ ચક્ર કેપ્ટન અંશુમન સિંઘના પત્ની પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને FIR નોંધી છે. આ સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ આરોપી યુઝર વિશેની માહિતી માટે પત્ર લખવામાં આવ્યો છે.
NCWએ સ્વતઃ સંજ્ઞાન લઈને કરી હતી ફરિયાદ
નોંધનીય છે કે, રાષ્ટ્રીય મહિલા આયોગે (NCWએ) કીર્તિ ચક્રથી સન્માનિત કેપ્ટન અંશુમન સિંઘના પત્ની વિરુદ્ધ ‘ઓનલાઈન’ અભદ્ર અને અપમાનજનક ટિપ્પણીને ગંભીરતાથી લીધી હતી. મહિલા આયોગે સોમવારે (8 જુલાઈ) દિલ્હી પોલીસને લેટર લખીને અહેમદ કે. વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવા માટે ફરિયાદ હાથ ધરી હતી. મહિલા આયોગે દિલ્હી પોલીસને કહ્યું હતું કે, તેઓ આરોપી વિરુદ્ધ માત્ર કેસ દાખલ ના કરે, પરંતુ કડક કાર્યવાહી પણ કરે. આયોગે કહ્યું હતું કે, અભદ્ર ટિપ્પણી કરનારો આરોપી દિલ્હીનો રહેવાસી છે. આયોગે દિલ્હી પોલીસને જારી કરેલા લેટરમાં વિશેષ કાયદાકીય જોગવાઈઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 79 અને માહિતી અને ટેકનોલોજી (IT) એક્ટ, 2000ની કલમ 67નો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, શુક્રવાર (5 જુલાઈ, 2024)ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે કેપ્ટન અંશુમન સિંઘને મરણોપરાંત કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કેપ્ટન અંશુમન સિંઘ વતી તેમના પત્ની અને વીરવધુ સ્મૃતિ સિંઘ અને માતા મંજુએ તે સન્માન મેડલ પ્રાપ્ત કર્યો હતો. તે દરમિયાનના ઘણા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ ફોટો અને વિડીયોમાં ઘણા લોકોએ કૉમેન્ટ કરી હતી. દેશવાસીઓએ વીરગત કેપ્ટન અંશુમન સિંઘને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેવામાં અહેમદ કે. નામના એક સોશિયલ મીડિયા યુઝરે કેપ્ટન અંશુમન સિંઘના પત્ની પર ખૂબ જ અભદ્ર ટિપ્પણી કરી કરી હતી.
National Commission for Women (NCW) has identified a lewd and derogatory comment made by Ahmad K. from Delhi on a photo of a Kirt Chakra Captain Anshuman Singh's widow. This act violates Section 79 of the Bharatiya Nyaya Sanhita, 2023, and Section 67 of the Information Technology… pic.twitter.com/h2zvqfKGgy
— NCW (@NCWIndia) July 8, 2024
અહેમદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ‘અર્જુન સિંઘ હેડ’ નામના યુઝર દ્વારા મૂકવામાં આવેલી એક પોસ્ટ પર ટિપ્પણી કરી હતી. પોસ્ટમાં વીરવધુ સ્મૃતિ સિંઘ કીર્તિ ચક્ર પ્રાપ્ત કરી રહ્યા હતા. એહમદ કે.એ તે ફોટો પર અભદ્ર કમેન્ટ કરી હતી. તેણે લખ્યું કે, “કિતની ક્યૂટ હૈ, મૈં ચો$# ઈસે.” અહેમદની આવી કમેન્ટ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થવા લાગ્યો હતો. લોકો એક બલિદાની સૈનિકના પત્ની પર આવી અભદ્ર અને નિમ્ન કક્ષાની ટિપ્પણી સહન કરી શક્યા નહીં. તેથી મહિલા આયોગે સ્વતઃ સંજ્ઞાન લઈને ફરિયાદ દાખલ કરી હતી.