અગાઉ અનેક ગુનામાં સપડાઇ ચૂકેલા સુરતના માથાભારે ઇસમ હાસિમ સિદ્દીકી વિરુદ્ધ સુરત પોલીસે કાર્યવાહી કરી છે. જાણવા મળ્યા અનુસાર, તેના ગેરકાયદેસર જિમ અને અન્ય સંપત્તિઓ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલાં જ હાસિમ અને તેના માણસોએ લિંબાયતમાં બે ભાઈઓ પર હુમલો કરી દીધો હતો, ત્યારબાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી.
સુરત | માથાભારે હાસિમ સિદ્દીકીના ગેરકાયદેસર જિમ સહિતની સંપત્તિ પર ફર્યું બુલડોઝર
— ઑપઇન્ડિયા (@OpIndia_G) July 10, 2024
-ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સુરત પોલીસ અને મહાનગરપાલિકાની કાર્યવાહી
-ખંડણી, મારામારી સહિતના અનેક ગુનાઓમાં સપડાઇ ચૂક્યો છે સિદ્દીકી, તાજેતરમાં પોલીસે કરી હતી ધરપકડ#Surat #BulldozerAction #Gujarat pic.twitter.com/4rN4J4kcE9
ધરપકડ બાદ હાસિમે લિંબાયતમાં સરકારી જમીન પર અતિક્રમણ કરીને જિમ અને ક્રિકેટ બોક્સ તાણી બાંધ્યાં હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની ટીમ અને સુરત પોલીસ સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG)ની ટીમ સ્થળ પર બુલડોઝર લઈને પહોંચી હતી અને ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. આ અતિક્રમણ મંદિરની બાજુમાં જ કરવામાં આવ્યું હતું.
કાર્યવાહીને લઈને DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ‘ભાવનાનગર સોસાયટીમાં હાસિમ સિદ્દીકી નામના અસામાજિક વ્યક્તિએ ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું હતું અને જિમ અને બૉક્સ ક્રિકેટનાં સ્ટ્રકચર બનાવ્યાં હતાં, જે SMC દ્વારા તોડી પાડવામાં આવ્યાં છે. આ દરમિયાન સુરત પોલીસ ઝોન-2 અને SOGની ટીમ હાજર રહી.’ તેમણે વધુમાં જણાવ્યું કે, સિદ્દીકી સામે 20 જેટલા ગુના નોંધવામાં આવ્યા હતા. તાજેતરમાં એક મારામારીના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ આગળની તપાસ ચાલી રહી છે.
લિંબાયતમાં હાસિમના માણસોએ કર્યો હતો હુમલો
તાજેતરમાં લિંબાયતમાં તેના માણસોએ આતંક મચાવ્યો હતો અને જાહેરમાં બે ભાઈ સહિત ત્રણ વ્યક્તિઓ ઉપર બેટથી હુમલો કરી દીધો હતો, જેમાં એકનો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો.
હુમલાનો વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં હાસિમ સિદ્દીકીના સાગરિતો ઇમરાન, અજ્જુ, સદ્દામ અને અયુબ જોવા મળ્યા હતા. પોલીસે વિડીયોના આધારે ઈમરાનની ધરપકડ કરી હતી, તેણે જણાવ્યું હતું કે તેનો લિંબાયતમાં રહેતા ફૈઝાન સાથે રસ્તા પર બાઇક ઉભી રાખવાને લઈને ઝઘડો થયો હતો અને આ મામલે બને પક્ષો સામસામે આવી ગયા હતા. માથાકૂટ બાદ હાસિમે માર મારવાનો આદેશ આપતાં તેના માણસોએ ફૈઝાન અને તેના મિત્રો સાથે મારામારી કરી હતી. જેમાં એકનો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો.
પોલીસે આ ઘટના બાદ હાસિમ સિદ્દીકીની પણ ધરપકડ કરી લીધી હતી. બીજી તરફ, હાસિમના માણસોએ પણ વળતી ફરિયાદ કરી હતી, જેની ઉપર પણ પોલીસે કાર્યવાહી કરી હતી. હવે, હાસિમ ગેરકાયદેસર જિમ ચલાવતો હોવાની જાણકારી મળતાં પોલીસે તેની ઉપર બુલડોઝર ફેરવ્યું હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, અન્ય ગેરકાયદેસર સંપત્તિઓ પણ તોડી પાડવામાં આવી છે.
ખંડણી-મારામારી સહિતના ગુનાઓમાં આરોપી છે હાસિમ
નોંધવું જોઈએ કે આ પહેલાં પણ સિદ્દીકી સામે ખંડણીથી માંડીને મારામારીના ગુના નોંધાઈ ચૂક્યા છે. ફેબ્રુઆરી, 2023માં તેણે એક વેપારીને ધમકી આપી હતી અને દર મહિને 15 હજાર રૂપિયા આપવા માટે કહ્યું હતું. પછીથી વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતાં સિદ્દીકી સામે FIR પણ દાખલ કરવામાં આવી હતી.
લિંબાયત વિસ્તારમાં રહેતા હાસિમ સિદ્દીકી વિરુદ્ધ અગાઉ પણ ઘણા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં ખંડણી, લૂંટ, મારામારી, હત્યાના પ્રયાસ વગેરે ગંભીર ગુનાઓ સામેલ છે. તે મૂળ બિહારનો વતની છે અને વર્ષોથી સુરતમાં રહીને ગુનાખોરીમાં સંડોવાયેલો છે.
હાસિમના તમામ સાગરિતો ઉત્તર પ્રદેશ અને બિહારના છે. જેમાંથી અમુક પોતાના વતનમાં પણ ગુનાઓ આચરી ચૂક્યા હોવાનું અને ફરાર હોવાનું જાણવા મળ્યું છે. હાસિમ સિદ્દીકીની ગેંગ વેપારીઓને ધાકધમકી આપીને ઉઘરાણી કરવાનું કામ કરે છે. ખાસ કરીને લિંબાયત, ઉધના, ઉન અને સચિન વિસ્તારોમાં આ ગેંગ સક્રિય છે.