કડી તાલુકામાં આરોગ્ય વિભાગમાં નર્સ તરીકે ફરજ બજાવતી હિંદુ યુવતીની બે દિવસ પહેલા છેડતી કરનાર રિક્ષા ચાલક જાવેદની ધરપકડ કરવામાં આવી છે. પીડિતા મહેસાણામાં ટ્રેનીંગ પૂર્ણ કરી અન્ય મુસાફરો સાથે રિક્ષામાં બેસી પોતાના ઘરે જતી હતી. દરમિયાન રિક્ષા ચાલક જાવેદ સિપાઈએ અવાવરું જગ્યાએ રિક્ષા રોકી હિંદુ યુવતીને અડપલાં કરી છેડતી હતી. જે બનાવને પગલે યુવતીના નિવેદનને આધારે પોલીસે નાડોલીયાના રહેવાસી જાવેદ સિપાઈ સામે ગુનો નોંધ્યો હતો.
મળતી માહિતી અનુસાર પીડિતા હિંદુ યુવતી છેલ્લા બે વર્ષથી કડી તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં (FSW) નર્સ તરીકે ફરજ બજાવે છે. ગત 4 જુલાઈના રોજ મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગની ટ્રેનિંગ ગોઠવવામાં આવી હતી. પીડિતા પણ તેમાં ભાગ લેવા ગઈ હતી. ટ્રેનિંગ સવારથી સાંજે 6:00 કલાક સુધી ચાલતા તે મોડી સાંજે મહેસાણાથી એસ.ટી બસમાં કડી આવી હતી.
કડી આવ્યા બાદ તે ભાગ્યોદય હોસ્પિટલ પાસેથી GJ 2 AU 1539 નંબરની રિક્ષામાં અન્ય મુસાફરો સાથે બેઠી હતી. રિક્ષામાં બેઠેલ મુસાફરો કડી કલ્યાણપુરા રોડ પરના જેમ જેમ ગામો આવતાં ગયાં તેમ તેમ ઉતરતા ગયા. અંતે પીડિત હિંદુ યુવતી તેના ગામથી એક ગામ દૂર એકલી જ રિક્ષામાં છેલ્લે રહી હતી. આ દરમિયાન યુવતી તેના મંગેતર સાથે સાથે ફોન પર સતત વાતો કરતી હતી.
તેવામાં રિક્ષા ચાલક જાવેદ સિપાઈએ તેની એકલતા અને અંધારાનો લાભ લેવા થોડેક દૂર જઈ રિક્ષા ઉભી રાખી નીચે ઉતરી યુવતીની બાજુમાં પાછળની સીટમાં બેસી ગયો હતો. પાછળ આવીને તે પીડિતાને શારીરિક અડપલાં કરી છાતીના ભાગે હાથ ફેરવી તેની સાથે બળજબરી કરવાં લાગ્યો હતો. દરમિયાન યુવતીએ પ્રતિકાર કરી ‘હું પોલીસને તેમજ મારા પતિને બોલાવી લઉં છું’, તેમ કહેતાં યુવક રિક્ષા લઈને ભાગી છુટ્યો હતો.
ઘટના બાદ ડઘાઈ ગયેલી યુવતીએ તેના મંગેતરને જાણ કરતા તેણે તેના મિત્રને એકટીવા લઈને મોકલતાં યુવતી તેના સાથે બેસીને ઘરે આવી હતી. ઘટનાથી યુવતી એટલી ડરી ગઈ હતી કે તેનું સ્વાસ્થ્ય બગડી ગયું હતું. ગત શુક્રવારે રાતે તેની તબિયત વધુ લથડતા, તેને તાત્કાલિક કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી.
આ મામલાને ગંભીરતાથી લઈને તેણે અંતે પોલીસ ફરિયાદ કરી હતી. બીજી તરફ ઘટનાની જાણ થતાની સાથે જ વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના હિંદુ સંગઠનો દોડી આવ્યા હતા અને યુવતીને હિંમત આપી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે આરોપી જાવેદ સિપાઈની ધરપકડ કરીને તેને જેલના સળિયા ગણતો કરી દીધો છે.