તાજેતરમાં અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટી સાંસદ કંગના રણૌતને ચંડીગઢ એરપોર્ટ ઉપર એક CISF મહિલા કોન્સ્ટેબલે થપ્પડ મારી દીધી હતી. ત્યારબાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. બુધવારે (3 જુલાઈ) સમાચાર સામે આવ્યા, જેમાં દાવો કરવામાં આવ્યો કે તેને ફરી નોકરીમાં લઇ લેવામાં આવી છે અને બેંગ્લોર બદલી કરવામાં આવી છે. પરંતુ હવે તેને લઈને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
CISFએ જણાવ્યું કે, કુલવિન્દર કૌર હજુ પણ સસ્પેન્ડ જ છે અને તેની વિરુદ્ધ વિભાગીય તપાસ ચલાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા અને મીડિયામાં તેને ફરીથી નોકરીમાં બહાલ કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવ્યા બાદ આ પ્રકારના સમાચાર વહેતા થયા હતા, જેને લઈને આ સ્પષ્ટતા કરવાની CISFએ ફરજ પડી હતી.
CISF constable Kulwinder Kaur, who allegedly slapped BJP MP Kangana Ranaut, is still suspended and a departmental inquiry against her is still on: CISF
— ANI (@ANI) July 3, 2024
જોકે, અમુક મીડિયા રિપોર્ટ્સ જણાવી રહ્યા છે કે કુલવિન્દર કૌરની બદલી બેંગ્લોરમાં કરવામાં આવી છે, પરંતુ તે નોકરીમાં બહાલ થઈ શકશે નહીં અને સસ્પેન્ડ જ રહેશે. રિપોર્ટ અનુસાર, તેની બેંગ્લોરમાં રિઝર્વ બટાલિયનમાં બદલી કરવામાં આવી છે, પરંતુ તપાસ પૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી તે સસ્પેન્ડ જ રહેશે. જાણવા મળ્યા અનુસાર, તેનો પતિ પણ CISFમાં જ નોકરી કરે છે અને હાલ બેંગ્લોરમાં ફરજ બજાવે છે.
ઉલ્લેખનીય છે કે ગત 6 જૂનના રોજ કુલવિન્દર કૌર જ્યારે ચંદીગઢ એરપોર્ટ ઉપર ફરજ પર હાજર હતી ત્યારે તેણે ત્યાં વિમાનમાં બેસવા જતાં ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ કંગના રણૌતને થપ્પડ મારી દીધી હતી. કંગના હિમાચલ પ્રદેશથી ચંદીગઢ થઈને દિલ્હી જઈ રહ્યાં હતાં, જ્યાં તેમણે લોકસભા ચૂંટણી બાદ યોજાનારી NDAની સંસદીય દળની બેઠકમાં ભાગ લેવાનો હતો.
પછીથી કૌરે કારણ આપ્યું હતું કે તેણે કંગના રણોતની ખેડૂત આંદોલન પરની ટિપ્પણીથી ગુસ્સે થઈને આવુ કૃત્ય કર્યું હતું. પરંતુ એક સરકારી કર્મચારી અને એ પણ સુરક્ષાકર્મી થઈને આ પ્રકારનું બિનજવાબદારીભર્યું વર્તન કરવા બદલ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી અને પછીથી તેની સામે FIR પણ નોંધાઈ હતી.
હાલ તે નોકરીમાંથી બહાર છે અને તેની સામે પોલીસ તેમજ વિભાગીય તપાસ ચલાવવામાં આવી રહી છે. જેથી તે નોકરીમાં ફરીથી લેવામાં આવી હોવાના સમાચાર ખોટા છે. તેની બદલી બેંગલોરમાં કરવામાં આવી છે, તે પણ રિઝર્વ બટાલિયનમાં.