દેશમાં વારંવાર સામે આવી રહેલા ધર્માંતરણના મામલા પર અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે, જો ધર્માંતરણનો ખેલ આમ જ ચાલતો રહેશે તો આવનારા સમયમાં દેશમાં બહુસંખ્યક વસ્તી અલ્પસંખ્યક થઈ જશે. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની બેન્ચે કોર્ટમાં આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું છે કે, જ્યાં પણ અને જ્યારે પણ ભારતીય લોકોનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે, તેને તાત્કાલિક રોકવું જોઈએ. અલ્હાબાદ હાઈકોર્ટના જજે આ ટિપ્પણી એક કેસની સુનાવણી દરમિયાન આપી છે. તેમણે ધર્માંતરણને જોખમ ગણાવ્યું છે.
અલ્હાબાદ હાઈકોર્ટે ધર્માંતરણના ખતરાની ચેતવણી આપતા કહ્યું છે કે, “ઉત્તર પ્રદેશ સહિત દેશભરમાં SC/ST અને આર્થિક રીતે નબળા વ્યક્તિઓનું ખ્રિસ્તી ધર્મમાં ગેરકાયદેસર ધર્માંતરણ મોટા પાયે થઈ રહ્યું છે. તેને તાત્કાલિક ધોરણે રોકવું જોઈએ. લાલચ આપીને ધર્મ બદલાવની રમત ચાલુ રહી તો એક દિવસ બહુસંખ્યક (હિંદુઓ) વસ્તી અલ્પસંખ્યક થઈ જશે. આ પ્રકારની ઘટનાઓ બંધારણની કલમ 25 દ્વારા આપવામાં આવેલી ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની વિરુદ્ધ છે. ધર્મ પ્રચારની સ્વતંત્રતા કોઈને ધર્મપરિવર્તન કરાવવાની પરવાનગી નથી આપતી.”
India's Majority Population Would Be In Minority One Day If Conversions In Religious Congregations Not Stopped: Allahabad HC | @ISparshUpadhyay #AllahabadHighCourt #ReligiousConversion https://t.co/egehR1cQmB
— Live Law (@LiveLawIndia) July 1, 2024
નોંધનીય છે કે, ઘણા મામલા સામે આવ્યા બાદ અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આવી ટિપ્પણી કરવામાં આવી છે, અલગ-અલગ કેસોના કારણે કોર્ટને જાણવા મળ્યું હતું કે, અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ અને અન્ય આર્થિક રીતે વંચિત જૂથોના લોકોનું ગેરકાયદેસર રીતે ધર્માંતરણ સમગ્ર ઉત્તર પ્રદેશમાં મોટા પાયે થઈ રહ્યું છે. આ દરમિયાન કોર્ટે કૈલાશ નામના વ્યક્તિની જામીન અરજી ફગાવી દીધી હતી. યુપી પોલીસે કૈલાશ સામે IPCની કલમ 365 અને યુપી પ્રોહિબિશન ઓફ અનલોફુલ રિલિજિયસ કન્વર્ઝન એક્ટ, 2021ની કલમ 3/5 (1) હેઠળ કેસ નોંધ્યો છે. તેના પર આરોપ છે કે, તે પોતાના ગામના લોકોને દિલ્હીમાં એક ધર્માંતરણના કાર્યક્રમમાં લઈ ગયો હતો. તેના પર આરોપ હતો કે, તેણે લોકોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરવાના કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
બાદમાં એક મહિલાએ કૈલાશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ જણાવ્યું હતું કે, કૈલાશ તેને ખાતરી આપીને કાર્યક્રમમાં લઈ ગયો હતો કે તેનો ભાઈ, જે માનસિક બિમારીથી પીડિત હતો, તે ત્યાં જવાથી સાજો થઈ જશે અને તેને એક અઠવાડિયામાં તેના વતન પરત મોકલી દેવામાં આવશે. જોકે, બાદમાં તે મહિલાનું ધર્મપરિવર્તન કરી નાખવામાં આવ્યું હતું. ફરિયાદમાં કૈલાશ પર ઘણા લોકોને ખ્રિસ્તી ધર્મમાં કન્વર્ટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.