કચ્છ જિલ્લાના અંજારમાં આવેલા આદિપુર પોલીસ સ્ટેશનમાં 10 મહિના પહેલાં એક સગીરા પર દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે માત્ર 15 દિવસની અંદર જ તમામ પુરાવા અને સાક્ષ્યને આધારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. કોર્ટે પણ આ કેસને સંવેદનશીલ ગણીને ત્વરિત નિર્ણય માટેના પ્રયાસો હાથ ધર્યા હતા. ત્યારબાદ હવે કોર્ટે માત્ર 10 મહિનામાં જ POCSO સંબંધિત કેસમાં પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. સગીર વયની કિશોરી પર બળાત્કાર ગુજારનાર અંજારના શખ્સને ગાંધીધામ કોર્ટે ગુનેગાર ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા કરતો ચુકાદો સંભળાવ્યો છે. આ સાથે ₹20,000નો દંડ પણ ફટકાર્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ પણ કરી છે.
ઘટનાની વિગતો અનુસાર, કચ્છના આદિપુર પોલીસ સ્ટેશનમાં ગત 2 સપ્ટેમ્બર 2023ના રોજ POCSO હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદ અનુસાર, 30 ઓગસ્ટ, 2023ના રોજ આદિપુર તોલાણી કોલેજ સામે મા મઢવાળી પરોઠા હાઉસમાં કામ કરતાં અને અંજારમાં આવેલા મેઘપર બોરીચી નૂરીનગરમાં રહેતા આરોપી પુષ્પરાજ ઉર્ફે વિકી સંતકુમારે ફરિયાદીના ઘરે જઈને દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. ફરિયાદી અનુસાર, આરોપીએ તેના ઘરે જઈને ત્રણ પુત્રી પૈકીની બે દીકરીઓને ચોકલેટ આપી હતી.
ત્યારબાદ 7 વર્ષની એક સગીર વયની કિશોરીનો હાથ પકડીને તેને બાથરૂમમાં લઈ ગયો હતો. બાથરૂમમાં લઈ જઈને તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની જાણ થતાં ફરિયાદીએ આરોપીના નામની બૂમ પાડતા તે બાથરૂમમાંથી નીકળીને નાસી છૂટ્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આદિપુર પોલીસ અને કચ્છ પોલીસની ટીમોએ માત્ર 15 દિવસની અંદર જ તમામ પુરાવા અને સાક્ષ્યને જોડીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી હતી.
#Justice
— Harsh Sanghavi (@sanghaviharsh) June 30, 2024
The justice system stands firm in its commitment to ensuring justice for the vulnerable.
▪️ Within a remarkable fifteen days, the Gujarat Police team compiled compelling evidence and filed a charge sheet for the horrific rape of a seven-year-old girl in Anjar.
▪️ The…
ગાંધીધામ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ બીજી ગોલાણી સમક્ષ આ કેસ ચાલી રહ્યો હતો. ફરિયાદી પક્ષના 15 સાહેદની તપાસ અને 27 દસ્તાવેજી પુરાવાના તથા દલીલોના આધારે કોર્ટે આરોપી પુષ્પરાજને દોષિત ઠેરવ્યો છે. ગાંધીધામની કોર્ટે માત્ર 10 જ મહિનામાં નિર્ણય સંભળાવીને આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને ₹20,000નો દંડ ફટકાર્યો છે. સાથે કોર્ટ દ્વારા કહેવાયું છે કે, જો દંડની રકમ ના ભરી તો વધુ 6 મહિનાની સાદી કેદની સજા આપવામાં આવશે.
કોર્ટે કહ્યું કે, દંડની રકમમાંથી ₹15,000 ભોગ બનનાર પીડિતાને વળતર પેટે આપવાના રહેશે. આ ઉપરાંત ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 357 (A) હેઠળ ભોગ બનનારની આર્થિક અને સામાજિક સ્થિતિ જોતાં તેને બે લાખ વળતર ચૂકવવાની ભલામણ સાથે ચુકાદાની નકલ જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટીને મોકલવામાં આવી છે. સરકાર તરફથી વકીલ હિતેશી ગઢવીએ આ કેસ લડ્યો હતો.