EDએ દિલ્હીના સીએમ અને AAP નેતા અરવિંદ કેજરીવાલના જામીનને (Kejriwal Bail) હાઇકોર્ટમાં પડકાર્યા હતા. શુક્રવારે કેજરીવાલની તિહાર જેલમાંથી મુક્તિ પહેલા ED દિલ્હી હાઇકોર્ટ પહોંચી ગઈ હતી. હવે દિલ્હી હાઈકોર્ટ દ્વારા તેમની જમાનત પર રોક લગાવી દેવામાં આવી છે. હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી ઈડીની અરજી પર સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી અરવિંદ કેજરીવાલના જામીન પર રોક રહેશે. દારૂ કૌભાંડમાં (Delhi Liquor Scam) કેજરીવાલની કથિત સંડોવણીની તપાસ કરતી એજન્સીએ હાઈકોર્ટ પાસે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. ગુરુવારે એટલે કે 20 જૂને મોડી સાંજે, રાઉઝ એવન્યુ કોર્ટે સીએમ કેજરીવાલને ₹1 લાખના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. જામીન મળ્યા બાદ જ EDએ તેને પડકારવાનો નિર્ણય લીધો હતો.
Delhi High Court agrees to take up the ED plea seeking an urgent hearing on its appeal challenging the trial court order granting bail to Kejriwal. Delhi HC says the file related to the case will come before the bench in 10-15 minutes
— ANI (@ANI) June 21, 2024
દિલ્હીના સીએમ કેજરીવાલ શુક્રવારે તિહાર જેલમાંથી બહાર નહીં આવી શકે. EDની અરજી પર સુનાવણી કરતી હાઈકોર્ટની બેન્ચે જામીન પર સ્ટે મુક્યો છે. હાઈકોર્ટે EDની અરજી પર સુનાવણી સુધી કેજરીવાલના જામીન પર રોક લગાવી દીધી છે.
હાઇકોર્ટમાં EDએ મુક્યો પોતાનો પક્ષ
દિલ્હી હાઈકોર્ટમાં કેજરીવાલના જામીન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીમાં EDએ કહ્યું હતું કે દિલ્હીના સીએમના જામીન કેસને અસર કરી શકે છે. EDએ દિલ્હી હાઈકોર્ટને તાત્કાલિક કેજરીવાલના જામીન પર રોક લગાવવા કહ્યું છે. ઇડી ઇચ્છે છે કે દિલ્હી હાઇકોર્ટ તાત્કાલિક રાઉઝ એવન્યુ કોર્ટના આદેશ પર સ્ટે આપે.
ED તરફથી હાજર રહેલા એડવોકેટ એસવી રાજુએ જણાવ્યું હતું કે, “ગઈ કાલે રાત્રે 8 વાગ્યે જામીનનો નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. ઓર્ડર પણ અપલોડ કરવામાં આવ્યો ન હતો અને અમને જામીનને પડકારવાની યોગ્ય તક આપવામાં આવી ન હતી.”
રાઉઝ એવન્યુ કોર્ટે આપ્યાં હતા શરતી જામીન
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ગુરુવારે જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી રાહત આપતાં જામીન આપ્યા હતા. કેજરીવાલ દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગ (Money Laundering) કેસમાં તિહાર જેલમાં છે. વિશેષ ન્યાયાધીશ ન્યાય બિંદુએ આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર કેજરીવાલને ₹1 લાખના અંગત બોન્ડ પર આ રાહત આપી હતી. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કેજરીવાલના જામીનના આદેશને 48 કલાક માટે સ્ટે આપવાની વિનંતીને પણ ફગાવી દીધી હતી.
જો કે, કોર્ટે મુખ્યમંત્રીને રાહત આપતા પહેલા કેટલીક શરતો લાદી હતી. શરતોમાં એ પણ સામેલ હતું કે તે તપાસમાં અવરોધ કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ નહીં કરે. ન્યાયાધીશે કેજરીવાલને જરૂર જણાય તો કોર્ટમાં હાજર રહેવા અને તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ પણ આપ્યો હતો.