Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતજ્યાં અગાઉ હતી મસમોટી દરગાહ, ત્યાં હવે સમતલ જમીન; રાતોરાત ખાલી કરાઈ...

    જ્યાં અગાઉ હતી મસમોટી દરગાહ, ત્યાં હવે સમતલ જમીન; રાતોરાત ખાલી કરાઈ જગ્યા: ઑપઇન્ડિયાના રિપોર્ટ બાદ જામનગરમાં જ્યાં ફર્યું સરકારી બુલડોઝર, ત્યાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ 

    જામનગરના રણજીત સાગર ડેમ નજીક આવેલી દરગાહ વિશે ઑપઇન્ડિયાએ મે, 2024માં પ્રકાશિત કર્યા હતા અહેવાલો. તંત્રના ધ્યાને આવતાં એક મહિના બાદ કાર્યવાહી કરવામાં આવી. જ્યાં કાર્યવાહી થઈ, ત્યાંની જમીની પરિસ્થિતિ શું છે, એ આ વિશેષ અહેવાલમાં જાણો.

    - Advertisement -

    જામનગર શહેરના બહુ પ્રખ્યાત રણજીતસાગર ડેમની પાછળના ભાગમાં એક દરગાહ બાંધી દેવામાં આવી હતી. શરૂઆતમાં તેનું સ્વરૂપ નાનું હતું, પણ પછીથી એક નહીં પણ ત્રણ-ત્રણ કબરો ત્યાં ઉભી કરી દેવામાં આવી અને સારી એવી સરકારી માલિકીની જગ્યા કબજે કરી લેવામાં આવી હતી. ઑપઇન્ડિયાના ધ્યાને આ આવતાં મે, 2024માં વિશેષ અહેવાલો પ્રકાશિત કરીને તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગત બુધવારે (19 મે, 2024) રાત્રે તંત્રે ભારે પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચીને બુલડોઝર ફેરવી દીધું. 

    આ દરગાહ હટાવવા માટે મામલતદાર દ્વારા વર્ષ 2022માં પણ આદેશ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારે કોઇ કાર્યવાહી થઈ ન હતી. દરમ્યાન, સતત હિંદુ કાર્યકર્તાઓ રજૂઆતો કરતા રહ્યા. થોડા સમય પહેલાં આ મુદ્દો ફરી ઊંચકાયો હતો અને ઑપઇન્ડિયાએ પણ રિપોર્ટ પ્રકાશિત કર્યા હતા. આખરે અધિકારીઓએ સંજ્ઞાન લઇને કાર્યવાહીને અંજામ આપ્યો અને સમગ્ર જગ્યા ખુલ્લી કરાવી દેવામાં આવી. બુધવારે બપોરે શરૂ થયેલું ઑપરેશન મોડી રાત સુધી ચાલ્યું હતું. 

    ઑપરેશનને લઈને જણાવતાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ઑપઇન્ડિયાને જણાવે છે કે, “ત્યાં ધાર્મિક દબાણ હતું. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે કોઇ પણ જાતનાં ગેરકાયદેસર ધાર્મિક દબાણ હોય તેને હટાવવા માટે આદેશો આપ્યા છે. આ દબાણ તો એક મોટા જળાશય નજીક હતું. જેથી જામનગર મહાનગરપાલિકા અને પોલીસે મળીને બુધવારે (19 જૂન) સાંજે આ કાર્યવાહી હાથ ધરી હતી.” તેમણે જણાવ્યું કે, કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી અને દબાણના સ્થળેથી કશું જ મળી આવ્યું નથી, હાલ જગ્યા ખાલી કરી દેવામાં આવી છે. 

    - Advertisement -

    સ્થળ પર અત્યારે શું પરિસ્થિતિ? 

    કાર્યવાહી બાદ ઑપઇન્ડિયાએ સ્થાનિક હિંદુવાદી કાર્યકર્તા યુવરાજ સોલંકીની મદદથી ગ્રાઉન્ડ પરથી માહિતી મેળવી. અમને જાણવા મળ્યું કે હવે ત્યાં ખરાબાની ખાલી પડેલી જમીન સિવાય કશું જ નથી. જેટલું અનધિકૃત બાંધકામ કરવામાં આવ્યું હતું તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે અને કાટમાળ પણ હવે જોવા મળતો નથી. જે સ્થળે અગાઉ દરગાહ બાંધવામાં આવી હતી ત્યાં હવે ખાલી પડેલી જગ્યા જોવા મળે છે. જમીન સમતળ કરી દેવામાં આવી છે. 

    જોકે, કાટમાળ હટાવી લેવામાં આવ્યા બાદ પણ ત્યાં અમુક ચીજવસ્તુઓ પડેલી જોવા મળી. જેમાં સરકારી વીજ થાંભલાઓમાં વપરાતા ઇન્સ્યુલેટર તેમજ અન્ય અમુક ચીજો મળી. નોંધવું જોઈએ કે અગાઉ પણ ઑપઇન્ડિયાએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે દરગાહ પર ઘણું બાંધકામ સરકારી કામોમાં વપરાતા સામાનનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. જે ડિમોલિશન બાદ સાબિત પણ થયું. અહીં BSNL પોલના પણ અવશેષો જોવા મળ્યા, જેનો ઉપયોગ કરીને દરગાહની આસપાસ કામચલાઉ બાંધકામ કરવામાં આવ્યું હતું. 

    સ્થળ પરથી યુવરાજ સોલંકીએ જણાવ્યું કે, સરકારી ખરાબાની સંપૂર્ણ જમીન ખાલી કરાવી દેવામાં આવી હતી અને મોટા પ્રમાણમાં જે અનધિકૃત બાંધકામ દ્વારા દબાણ કરાયું હતું તે પણ દૂર કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, તંત્રે જ્યાં ડિમોલિશન કર્યું છે તે જગ્યાએ મજારોની નીચેથી કશું જ મળી આવ્યું નથી અને સપાટ જગ્યા જ જોવા મળી છે. જેથી આ દબાણ કરવા ખાતર બાંધકામ કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. 

    તેમણે ઉમેર્યું કે, તેની બાજુમાં એક 6 ફૂટની અન્ય એક મજાર હતી, ત્યાં પણ કશું મળી આવ્યું નથી. સાથે જણાવ્યું કે, અગાઉ પણ અમે અરજી કરી હતી કે આ દરગાહના બાંધકામમાં સરકારી વસ્તુઓનો ઉપયોગ થયો છે. ત્યારે હવે ડિમોલિશન બાદ કાટમાળમાંથી એવી અમુક ચીજવસ્તુઓ મળી આવી છે તે એ વાતની સાબિતી આપે છે.

    ઑપઇન્ડિયાએ મુદ્દો ઉઠાવ્યો એ બદલ આભાર, અમને કાર્યવાહીથી સંતોષ, સરકાર અન્ય દબાણો પર પણ ધ્યાન આપે: સ્થાનિક હિંદુ કાર્યકર્તા 

    યુવરાજે કહ્યું કે, અમે 2022થી આ મામલે લડી રહ્યા હતા અને લેખિત ફરિયાદ બાદ 2022માં સર્કલ ઓફિસરે તેને અતિક્રમણ પણ ઠેરવ્યું હતું. પરંતુ ત્યારબાદ કોઇ દબાણના લીધે કે અન્ય કોઇ કારણોસર કાર્યવાહી થઈ ન હતી. પરંતુ તાજેતરમાં રજૂઆતો કરી અને ત્યારબાદ ઑપઇન્ડિયાએ પણ મુદ્દો ઉઠાવ્યો અને ઉચ્ચ અધિકારીઓ સુધી અમારી વાત પહોંચી ત્યારે એકથી દોઢ જ મહિનામાં આ કાર્યવાહી કરી દેવામાં આવી છે. અમને આ કાર્યવાહીથી પૂર્ણ સંતોષ છે. ઑપઇન્ડિયાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ.

    સરકારને મીડિયાના માધ્યમથી રજૂઆત કરતાં તેમણે કહ્યું કે, જામનગર અને આસપાસ પણ અન્ય અનેક સ્થળોએ દબાણ કરવામાં આવ્યાં છે, જે સરકારને પણ ધ્યાને છે, પણ કોઇને કોઇ કારણોસર ત્યાં કાર્યવાહી થતી નથી જે મામલે હવે સંજ્ઞાન લઈને નક્કર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. સાથે આ કિસ્સામાં તેમણે કહ્યું કે, દબાણ તો દૂર કરી દેવામાં આવ્યું, પરંતુ હવે તેનું સંચાલન જેઓ કરતા હતા, ભંડોળ જ્યાંથી આવતું હતું, તેમની સામે પણ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે અને દબાણકર્તાઓ સામે પણ શિક્ષાત્મક અને કાયદાકીય પગલાં લેવામાં આવે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં