સોમવારે (17 જૂન) દેશભરના મુસ્લિમ સમુદાયના લોકો બકરીદનો તહેવાર ઉજવી રહ્યા હતા. અનેક જગ્યાએ જાહેર કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા તો અનેક જગ્યાએ મસ્જિદમાં નમાજ પઢીને ઈદ ઉજવવાની તૈયારી હતી. તેવામાં બકરીદના દિવસે જ દિલ્હીની 200 વર્ષ જૂની સંગેમરમર મસ્જિદ અચાનક તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. કહેવાય રહ્યું છે કે, દુર્ઘટના સમયે મસ્જિદ સંપૂર્ણપણે ખાલી હતી, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ. હાલ આસપાસના તમામ મકાનોને પણ ખાલી કરી દેવામાં આવ્યા છે.
બકરીદના દિવસે દિલ્હીની સંગેમરમર મસ્જિદ અચાનક તૂટી પડી હતી. ચૂડીવાલા વિસ્તારમાં આવેલી આ મસ્જિદ લગભગ 200 વર્ષ જૂની હોવાનું કહેવાય રહ્યું છે. પોલીસ દ્વારા જાણવા મળ્યું છે કે, દિલ્હીના ચૂડીવાલા વિસ્તારમાં અચાનક જમીન ખસવાની સૂચના મળી હતી. ઘટનાસ્થળ પર પહોંચ્યા બાદ જાણ થઈ કે, દિલ્હી પ્રસિદ્ધ સંગેમરમર મસ્જિદ જમીન ખસવાના કારણે તૂટી પડી છે. આ ઘટના સોમવારે બપોરે લગભગ પોણા ત્રણ કલાક આસપાસ બનવા પામી હતી.
BIG BREAKING: Sangmarmar Masjid collapses on the occasion of Bakrid after a nearby road caved.
— Treeni (@TheTreeni) June 17, 2024
📍Churiwala, Delhi pic.twitter.com/T7PE9IhU4i
પોલીસ અધિકારીએ આ મામલે જણાવ્યું છે કે, જૂની દિલ્હીના હૌજ કાજી વિસ્તારમાં એક મસ્જિદની દીવાલો પર તિરાડો દેખાઈ આવી હતી. તેની કેટલીક મિનિટ બાદ જ તે આખી મસ્જિદ તૂટી પડી હતી. તેમણે કહ્યું કે, બપોરના સમયે ઘટેલી આ ઘટનામાં કોઈપણ જાનહાનિ થઈ નથી. મસ્જિદ પડે તે પહેલાં જ તેને ખાલી કરાવી નાખવામાં આવી હતી. મસ્જિદની દીવાલો પર તિરાડો દેખાવાની સાથે જ ફાયર વિભાગના અધિકારીઓને જાણ કરી દેવામાં આવી હતી. ફાયર વિભાગની બે ગાડીઓની મદદથી આખી મસ્જિદને ખાલી કરી દેવામાં આવી હતી. પોલીસે વિસ્તારની ઘેરબંધી કરી લીધી હતી અને આસપાસના મકાનો ખાલી કરાવી દીધા હતા. ત્યારબાદ અચાનક મસ્જિદ તૂટી પડી હતી.
સ્થાનિક લોકોનો દાવો છે કે, જમીન ખસ્યા બાદ જ મસ્જિદ તૂટી પડી હતી. જોકે, પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે, તેઓ આ ઘટનાની તપાસ કરશે. દિલ્હી મહાનગરપાલિકાના એક અધિકારી અનુસાર, મસ્જિદનો પાયો નબળો હોવાથી આવું થયું છે. 25 વર્ષે પહેલાં તે મસ્જિદનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. 200 વર્ષ જૂની આ મસ્જિદ તૂટી પડતાં આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી હતી. પોલીસ, ફાયર અને વીજળી વિભાગની અનેક ટીમો ઘટનાસ્થળ પર હાજર હતી.