ઉત્તર પ્રદેશમાં બકરીદ પર્વની ઉજવણીને લઈને કડક સૂચના જારી કરવામાં આવી છે. ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેમણે અધિકારીઓને બકરીદના તહેવારની તૈયારીઓ કરવા સૂચના આપી હતી. તેમજ અધિકારીઓને જ્યાં નમાઝ અદા કરવામાં આવે છે અને કુરબાની કરવામાં આવે છે તેની કાળજી લેવા સૂચના આપી હતી. કોઈ નવી પરંપરા ન શરૂ કરવી જોઈએ. જો કોઇપણ પ્રકારની અવ્યવસ્થા જણાશે તો અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
બકરીદ પરની તૈયારીઓ અંગે ચર્ચા કરતા CM યોગીએ ફરી પુનરોચ્ચાર કર્યો હતો કે રસ્તાઓ પર નમાજ નહીં કરવા દેવાય અને પ્રતિબંધિત પ્રાણીઓની કતલ કરવામાં આવે તો કોઈપણ સંજોગોમાં કાર્યવાહી કરવી જોઈએ. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી પોલીસ કમિશનર, ડિવિઝનલ કમિશનર, જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓ દ્વારા કાયદો અને વ્યવસ્થા અને શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓ અંગે સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે કરવામાં આવી રહેલી તૈયારીઓની વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સમીક્ષા કરી રહ્યા હતા.
સીએમ યોગીએ કહ્યું કે 16મી જૂને ગંગા દશેરા, 17મી જૂને બકરીદ, 18મી જૂને જ્યેષ્ઠ માસમાં મંગળ પર્વ અને 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. જુલાઇ મહિનામાં મોહરમ અને કંવર યાત્રા જેવા પવિત્ર કાર્યક્રમો યોજાનાર છે. સ્વાભાવિક રીતે આ સમય કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે. સરકાર અને પ્રશાસનને 24 કલાક એક્ટિવ મોડમાં રહેવાની જરૂર છે.
આવી સ્થિતિમાં, અધિકારીઓ સૂચનાનું ચુસ્તપણે પાલન કરે અને રાજ્યમાં બકરીદનો તહેવાર શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે ઉજવાય તે સુનિશ્ચિત કરે તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક્શન મોડમાં છે. તેમનું વલણ આક્રમક રહે છે. રાજ્યમાં ગુનાઓ અંગે તેઓ સતત કડક પગલાં લઈ રહ્યા છે અને અધિકારીઓને સુધારવાની સૂચનાઓ આપી રહ્યા છે.