રવિવારે (9 જૂન 2024) સાંજે 7:15 વાગ્યે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે. તેમની સાથે જે-જે નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવનાર છે તેમને રાષ્ટ્રપતિ ભવનથી ફોન આવવાના શરૂ થઈ ચૂક્યા છે. તો બીજી તરફ શપથગ્રહણ પહેલાં નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાને એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી અને NDAની સહયોગી પાર્ટીઓના અનેક વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. અનુમાન છે કે આ જ નેતાઓ આજે સાંજે નરેન્દ્ર મોદી સાથે મંત્રીઓ તરીકે શપથ ગ્રહણ કરશે.
વડાપ્રધાન આવાસ પર યોજાયેલી બેઠકમાં હાજર નેતાઓની વાત કરીએ તો અમિત શાહ, રાજનાથ સિંઘ, એસ જયશંકર, શિવરાજ સિંઘ ચૌહાણ, પિયૂષ ગોયલ, કિરણ રિજિજુ, જ્યોતિરાદિત્ય સિંધિયા, નિર્મલા સીતારમણ, અશ્વિની વૈષ્ણવ જેવા ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે મનોહરલાલ ખટ્ટર, અન્નપૂર્ણા દેવી, ભગીરથ ચૌધરી, સર્બાનંદ સોનેવાલ, જિતિન પ્રસાદ, રવનીત બિટ્ટુ, અજય ટમટા, રાવ ઇન્દ્રજીત સિંઘ, નિત્યાનંદ રાય, ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્ર સિંઘ શેખાવત, હર્ષ મલ્હોત્રા તેમજ કૃષ્ણપાલ ગુર્જર સહિતના નેતાઓ હાજર રહ્યા. આ નેતાઓમાંથી અમુક નેતાઓ એવા છે, જેઓ ત્રીજી ટર્મમાં પણ મંત્રી તરીકે રિપીટ થશે.
VIDEO | Modi 3.0 Swearing-in Ceremony: Visuals from the meeting between NDA leaders, held at PM's residence earlier today.
— Press Trust of India (@PTI_News) June 9, 2024
(Source: Third Party) pic.twitter.com/T9MKOhEjKr
બેઠકમાં NDAની સહયોગી પાર્ટીઓના નેતાઓ પણ જોવા મળ્યા. જેમાં લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના પ્રમુખ અને યુવાનેતા ચિરાગ પાસવાન, જનતા દળ યુનાઇટેડના પૂર્વ અધ્યક્ષ અને નીતીશ કુમારના નજીકના સાથી લલનસિંહ, પૂર્વ સીએમ અને ભારત રત્ન કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુર, JDS પ્રમુખ એચડી કુમારસ્વામી, અપના દલ ચીફ અનુપ્રિયા પટેલ, RLD પ્રમુખ જયંત ચૌધરી વગેરે નેતાઓ હાજર રહ્યા. આ નેતાઓમાંથી પણ મોટાભાગના મંત્રી પદના શપથ લેશે તે લગભગ નક્કી છે.
ગુજરાતમાંથી કોણ બેઠકમાં હાજર?
બીજી તરફ જો ગુજરાતમાંથી હાજર નેતાઓની વાત કરીએ તો વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી સંભવિત મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતના બે દિગ્ગજ ચહેરા જોવા મળ્યા. જેમાં એક હતા ગુજરાત ભાજપ પ્રમુખ અને નવસારીથી 77% વોટ શેરથી વિજેતા બનેલા સીઆર પાટીલ અને પોરબંદર લોકસભા બેઠક પરથી વિજેતા બનેલા મનસુખ માંડવિયા.
ઉલ્લેખનીય છે કે શપથગ્રહણ પહેલાં PM મોદીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં હાજર નેતાઓને સંભવિત મંત્રીમંડળના ચહેરા તરીકે જોવામાં આવી રહ્યા છે. આજે સાંજે 7:15 વાગ્યે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લેશે અને ત્રીજી વાર દેશમાં NDAની સત્તા સ્થાપશે. આખા દેશમાં ભાજપ કાર્યકર્તાઓ આજના દિવસને ઉત્સવની જેમ ઉજવી રહ્યા છે.