Saturday, July 27, 2024
More
    હોમપેજદેશસમારોહ- શપથગ્રહણ, સ્થળ- રાષ્ટ્રપતિ ભવન, મુહૂર્ત- સંધ્યા વિજય, નક્ષત્ર- પુનર્વસુ: નરેન્દ્ર મોદીના...

    સમારોહ- શપથગ્રહણ, સ્થળ- રાષ્ટ્રપતિ ભવન, મુહૂર્ત- સંધ્યા વિજય, નક્ષત્ર- પુનર્વસુ: નરેન્દ્ર મોદીના શપથગ્રહણ માટે સાંજે 7:15નું મુહૂર્ત કેમ? જાણો શું કહે છે જ્યોતિષશાસ્ત્ર

    નરેન્દ્ર મોદીની શપથ ગ્રહણ કુંડળીમાં વૃશ્ચિક લગ્ન જોવા મળી રહ્યા છે. જેનો સરળ અર્થ એ થાય છે કે, આવનારા ભવિષ્યમાં ભારત મહાસત્તા તરફ આગળ વધશે. દેશના શાસક દ્વારા ગુપ્ત રીતે અને ચોંકાવનારા ઐતિહાસિક નિર્ણયો થઈ શકશે. ભારતની પ્રતિષ્ઠા વિશ્વફલક પર દ્રઢ અને મજબૂત દેશ તરીકેની બનશે.

    - Advertisement -

    રવિવારે, 9 જૂન 2024ના રોજ રાષ્ટ્રપતિ ભવન, દિલ્હી ખાતે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. તેઓ સાંજે 7.15 કલાકે પદ અને ગોપનીયતાના શપથ લેશે. દરમિયાન દેશ-વિદેશના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. પરંતુ શપથગ્રહણ સમારોહના સમયને લઈને ઘણી ચર્ચાઓ વહેતી થઈ છે. લોકોમાં તે ચર્ચા વહેતી થઈ છે કે, નરેન્દ્ર મોદી સાંજના સમયે શા માટે શપથ લેવા જઈ રહ્યા છે. લોકોના આ પ્રશ્નને લઈને ઑપઇન્ડિયાએ પારંગત જ્યોતિષાચાર્યનો સંપર્ક કર્યો હતો. તેમણે શપથ ગ્રહણના સમયને લઈને જ્યોતિષશાસ્ત્ર મુજબ ઉત્તર આપ્યા છે.

    દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે. બે વખત સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ આ વખતે નરેન્દ્ર મોદી સહયોગી પક્ષો સાથે મળીને સરકાર બનાવી રહ્યા છે. તે માટે શપથ ગ્રહણ સમારોહનું વિશેષ મુહૂર્ત પણ કાઢવામાં આવ્યું છે. યોગ્ય અને શુભ મુહૂર્તમાં કરેલાં કાર્યો હંમેશા ફળદાયી હોય છે. તેથી શપથ સમારોહના સમય માટે જ્યોતિષશાસ્ત્રની મદદ લેવામાં આવી છે. શપથ ગ્રહણના સમય પાછળના રહસ્યો અને જ્યોતિષ વિજ્ઞાનને સમજવા માટે ઑપઇન્ડિયાએ દક્ષિણ ગુજરાતના પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય હિતેષ રાજ્યગુરુનો સંપર્ક કર્યો હતો.

    હિતેષ રાજ્યગુરુએ ઑપઇન્ડિયાને શપથ ગ્રહણના સમયને લઈને વિશેષ માહિતી પૂરી પાડી હતી. તેમણે કહ્યું હતું કે, ગ્રહો અને નક્ષત્રોની દિશાને જોતાં જે મુહૂર્તમાં મોદી શપથ લેશે, તેના પ્રભાવથી ભારતને વિશ્વમાં આગવું અને મહત્વનું સ્થાન હાંસલ થઈ શકે છે. તેમણે કહ્યું કે, ભારત વિશ્વગુરુ બનવા તરફ નિર્ણાયક ભૂમિકા ભજવવશે. તે સાથે તેમણે જ્યોતિષશાસ્ત્રના મહત્વ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, ગ્રહોની દિશા જોઈને સમય નક્કી કરવો એ સ્પષ્ટ ગાણિતિક વિજ્ઞાન છે. જેનો પ્રભાવ મનુષ્યના જીવનમાં પડે છે.

    - Advertisement -

    શપથ ગ્રહણ માટે 9 જૂનની તિથી શા માટે?

    જ્યોતિષાચાર્યે ઑપઇન્ડિયાને કહ્યું કે, શપથ ગ્રહણનો સમય યોગ્ય અને ઉત્તમ નક્ષત્રમાં જોવા મળી રહ્યો છે. ખાસ વાત તો એ છે કે, શપથ ગ્રહણનું મુહૂર્ત રામ મંદિરના મુહૂર્ત જોનારી સમિતિએ કાઢ્યું છે. આ મુહૂર્તના સમય માટે તેમણે 20થી 25 દિવસની તૈયારી કરી હતી. જ્યોતિષાચાર્ય અનુસાર, 9 જૂનની સાંજનું મુહૂર્ત ભારત માટે શુભ અને કલ્યાણકારી છે. તે મુહૂર્તના પ્રભાવથી આવનારા પાંચ વર્ષ સુધી દેશને લાભ પ્રાપ્ત થતો રહેશે. નક્ષત્ર અને મુહૂર્ત વિશે જણાવતા તેમણે વધુમાં કહ્યું કે, 9 જૂનના દિવસે જ્યેષ્ઠ (જેઠ) મહિનાની તૃતીયા તિથી છે. તે સાથે જ પુનર્વસુ નક્ષત્ર છે. આ નક્ષત્રને ‘દેવ નક્ષત્ર’ કહેવામાં આવે છે. તેથી આ નક્ષત્રમાં કરેલાં કાર્યો હંમેશા સફળ થાય છે.

    પુનર્વસુ નક્ષત્રને તમામ શુભકાર્યો માટે શુભ અને મંગલકારી ગણવામાં આવે છે. ભગવાન શ્રીરામનો જન્મ પણ પુનર્વસુ નક્ષત્રમાં થયો હતો. તે સમયે અભિજીત મુહૂર્ત ચાલી રહ્યું હતું. તેથી ભગવાન રામનો જન્મ પુનર્વસુ નક્ષત્રના અભિજીત મુહૂર્તમાં થયો હતો. 9 જૂનના દિવસે અમૃત યોગ પણ બની રહ્યો છે. મહત્વની વાત એ છે કે, ભારત પણ આજે અમૃતકાળમાં વિકાસ કરી રહ્યું છે. અમૃત યોગ સાથે થયેલા કાર્યના લીધે ભવિષ્યમાં ભારતનો વિકાસ વિશ્વમાં મહત્વનું સ્થાન હાંસલ કરી શકે છે.

    શા માટે 7.15 કલાકનો સમય?

    ઑપઇન્ડિયાએ 7.15ના મુહૂર્તને લઈને સવાલ કર્યો હતો. જેના ઉત્તરમાં જ્યોતિષાચાર્યે કહ્યું હતું કે, સાંજે 7.7થી 7.35 સુધી વિશેષ શુભ સૂક્ષ્મ મુહૂર્ત છે. તે સમયે વૃશ્ચિક લગ્ન રહેશે. જેને સ્થિર લગ્ન તરીકે પણ ઓળખવામાં આવે છે. નરેન્દ્ર મોદીએ વર્ષ 2014, 2019માં પણ આ જ લગ્નમાં શપથ ગ્રહણ કર્યા હતા. વૃશ્ચિક લગ્નને ‘ગુપ્ત રીતે કાર્ય કરનાર લગ્ન’ પણ કહેવામાં આવે છે. તેનો સ્વભાવ ગુપ્ત રીતે અને ચોંકાવનારા નિર્ણયો લેવાનો છે. એટલે શાસક ગુપ્ત રીતે કોઈ ચોંકાવનારા ઐતિહાસિક નિર્ણયો લઈ શકે છે. આ લગ્નમાં મોદીએ 2014, 2019માં શપથ લીધા હતા. જેનું પરિણામ 10 વર્ષમાં જોઈ શકાયું છે. જ્યારે હવે ફરી એકવાર તેઓ તે જ લગ્નમાં શપથ લેવા જઈ રહ્યા છે. આ સમયે કુંડળીમાં લગ્નનો સ્વામી મંગળ અને ચંદ્ર બંને કર્ક રાશિમાં હશે. સુર્ય, બુધ, ગુરુ અને શુક્ર ગ્રહ કુંડળીના સાતમાં સ્થાને હશે. જેનાથી ભારતની ભૂમિકા વધુ મજબૂત થશે.

    શપથ લેવાના સમયે ગૌધુલિક નામનું સંધ્યા વિજય મુહૂર્ત છે. જે શાસ્ત્રો અનુસાર, તમામ કાર્યો માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં ત્રણ વિજય મુહૂર્તની વાત કરવામાં આવી છે. વિજય મુહૂર્તને અભિજિત મુહૂર્ત પણ કહેવામાં આવે છે. કુંડલીનિકા અનુસાર ત્રણ પ્રકારનાં વિજય મુહૂર્ત હોય છે. જેમાં ત્રેતર, મધ્યાહ્ન અને સંધ્યાનો સમાવેશ થાય છે. શપથ ગ્રહણ માટે સંધ્યા વિજય મુહૂર્તની પસંદગી કરવામાં આવી છે. મધ્યાહ્ન વિજય મુહૂર્તના સમયે 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

    ત્રણ વિજય મુહૂર્તમાં એક મુહૂર્ત મધ્યાહન સમયે આવે છે, બીજું સંધ્યા સમયે આવે છે અને ત્રીજું મધ્યરાત્રિએ આવે છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મધ્યરાત્રિના અભિજીત-વિજય મુહૂર્તમાં થયો હતો. સંધ્યા વિજય મુહૂર્ત અન્ય બંને વિજય મુહૂર્ત જેટલું જ મહત્વ ધરાવે છે. શપથ ગ્રહણ સમય માટે ગૌધુલિક સંધ્યા વિજય મુહૂર્તને પસંદ કરવામાં આવ્યું છે. આ મુહૂર્તની વિશેષતા એ છે કે, હમણાં સુધીના ઇતિહાસમાં આ મુહૂર્ત હંમેશા ફળદાયી અને કલ્યાણકારી રહ્યું છે. તેનાથી ભારતનું ભવિષ્ય વધુ ઉજ્જવળ થશે અને દેશ વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર થશે. મુહૂર્ત, લગ્ન, નક્ષત્ર અને ગ્રહોની આવી સટીક સ્થિતિ પાંચ કે દસ વર્ષમાં માત્ર એક વખત જ આવે છે.

    હિંદુ જ્યોતિષશાસ્ત્રના સંહિતા ખંડ જેને મેદિની જ્યોતિષ પણ કહેવામાં આવે છે, તેના નિયમો અનુસાર, દેશના શાસક એટલે આધુનિક ભાષામાં વડાપ્રધાનની સ્થિતિને આપણે તેમની શપથ ગ્રહણ કુંડળીના લગ્નથી જોઈ શકીએ છીએ. નરેન્દ્ર મોદીની શપથ ગ્રહણ કુંડળીમાં વૃશ્ચિક લગ્ન જોવા મળી રહ્યા છે. જેનો સરળ અર્થ એ થાય છે કે, આવનારા ભવિષ્યમાં ભારત મહાસત્તા તરફ આગળ વધશે. દેશના શાસક દ્વારા ગુપ્ત રીતે અને ચોંકાવનારા ઐતિહાસિક નિર્ણયો થઈ શકશે. ભારતની પ્રતિષ્ઠા વિશ્વફલક પર દ્રઢ અને મજબૂત દેશ તરીકેની બનશે. તે સાથે અમુક સમયે ગઠબંધનના કારણે સરકારમાં અસ્થિરતા પણ આવી શકે છે. એકંદરે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ અને મજબૂત બની રહેશે.

    નરેન્દ્ર મોદીની જન્મ કુંડળીમાં પણ વૃશ્ચિક લગ્ન છે અને શપથ ગ્રહણ કુંડળીમાં પણ વૃશ્ચિક લગ્ન છે. બંનેના મિલાપથી વિશ્વમાં દેશની નામના વધશે અને દેશની અંદર શાંતિ અને સ્થિરતા બની રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, નરેન્દ્ર મોદીના શપથ સમારોહના સમયને યોગ્ય અને ઉત્તમ ગણવામાં આવ્યો છે. ગ્રહો અને નક્ષત્રોનો પ્રભાવ આવનારા ભવિષ્યમાં જોવા મળી શકે છે. 2025નું વર્ષ પડકારજનક રહી શકે છે. નરેન્દ્ર મોદી માટે સ્વાસ્થ્યની તકલીફ અથવા તો રાજકીય ષડયંત્ર રચાઈ શકે છે. પરંતુ વિજય મુહૂર્તના કારણે આખરી વિજય સત્યનો હશે અને ભારતનું ભવિષ્ય ઉજ્જવળ હશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં