લોકસભા ચૂંટણી સમાપ્ત થઈ અને ભાજપના નેતૃત્વમાં NDAએ સતત ત્રીજી વખત બહુમતી મેળવી. પણ ભારતીય જનતા પાર્ટી માટે પરિણામો ઈચ્છા મુજબનાં ન રહ્યાં, કારણ કે પાર્ટી બહુમતથી દૂર રહી. સૌથી આઘાતજનક પરિણામ પાર્ટી માટે ઉત્તર પ્રદેશમાંથી આવ્યું, જ્યાં ગત વખતે 80માંથી 62 બેઠકો જીતી હતી. આ વખતે આંકડો માત્ર 33નો રહી ગયો. ભાજપની બેઠકોમાં આવેલા આ ધરખમ ઘટાડા બાદ હવે વિશ્લેષણ અને આકલન થઈ રહ્યાં છે કે આવી પરિસ્થિતિ શા માટે સર્જાઇ અને ખાસ કરીને UPમાં આવું પરિણામ કેમ આવ્યું.
જાતિ સમીકરણો અને ગઠબંધન
મોદી સરકારના અનેક પ્રયાસો બાદ પણ INDI ગઠબંધન જાતિવાદી રાજકારણને મુખ્યધારામાં લાવવામાં સફળ થયું અને ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં આ જોવા મળ્યું. INDI ગઠબંધને જે જાતિઓને ભાજપ વિરુદ્ધ કરી, તેમાં તેઓ થોડાઘણા સફળ થયા અને જાતિગત સમીકરણો ગોઠવાય તો પરિણામ પર ચોક્કસ અસર થાય. સમાજવાદી પાર્ટીનું મુસ્લિમો અને યાદવોમાં વર્ચસ્વ છે, જેમાં તેમણે મહેનત કરી અને કોંગ્રેસે પોતાની વૉટબેન્ક જીવિત કરવા પ્રયાસ કર્યા. જોકે, આ પાર્ટીઓ પણ પહેલાં એકબીજા સામે જ લડતી હતી, પણ મોદી અને ભાજપને હરાવવા માટે એક થવું પડ્યું.
સમાજવાદી પાર્ટીએ મુસ્લિમો-દલિતોને એક કરવા માટેની ધ્રુવીકરણ નીતિ અપનાવી, એમાં ભાજપના વિકાસના રાજકારણના મુદ્દાને ફટકો પડ્યો. UPમાં મુસ્લિમ મતો આમ પણ ભાજપ વિરુદ્ધ જ રહે છે, આ વખતે સપા અને કોંગ્રેસ સાથે હોવાથી જ્યાં મુસ્લિમ મતદારો ઠીકઠાક સંખ્યામાં હતા તે બેઠકો પર ગઠબંધનને ફાયદો થયો. બીજી તરફ, માયાવતીની બહુજન સમાજ પાર્ટી, જે દલિત મતબેન્ક ધરાવે છે, તે આ વખતે નાબૂદ જ થઈ ગઈ અને તેની વૉટબેન્ક પણ સપા અને કોંગ્રેસ તરફ ખસેડાઈ. નોંધવું જોઈએ કે UPમાં 20 ટકા મુસ્લિમ વસતી અને 20 ટકા દલિત વસ્તી છે.
સમાજવાદી પાર્ટી પોતાની મુસ્લિમ-યાદવ વૉટબેન્ક કબ્જે કરવામાં સફળ રહી. બીજી તરફ, રાજપૂતોએ પણ પશ્ચિમ UPમાં ભાગ ભજવ્યો. ભાજપે 8 લોકસભા મતવિસ્તારોમાં એક જ રાજપૂત ઉમેદવાર ઉતાર્યા હતા. આ સિવાય, દલિત મતો પણ ભાજપ વિરુદ્ધ ગયા.
આ ચૂંટણીમાં એક અફવા એવી પણ ફેલાઈ કે ભાજપ જો જીતી ગયો તો બંધારણ બદલી નાંખશે અને અનામત સાથે ચેડાં કરશે. આ અફવાને પછી વિપક્ષી નેતાઓએ રાજકીય ફાયદા માટે જોર આપ્યું અને તેની અસર પણ દેખાઈ.
ભાજપનો વધુ પડતો આત્મવિશ્વાસ
ઘણા ભાજપ ઉમેદવારોએ પોતાના વધુ પડતા આત્મવિશ્વાસના કારણે પણ હારનો સામનો કરવો પડ્યો. આ સાંસદો પોતાના કામ કરતાં મોદીના ચહેરા પર વધુ પડતા આધારિત રહ્યા. UPમાં ઘણા વિસ્તારોમાં મતદારોનો મત એવો હતો કે મોદીના નામે મત આપીએ છીએ, પણ સાંસદોને કોણ જાણે છે. અમુક ઠેકાણે તો આ આત્મવિશ્વાસ ત્યાં સુધી પહોંચી ગયો હતો કે ઉમેદવારો બહાર પણ નહતા નીકળ્યા.
ભાજપ કાર્યકરો એ ભ્રમમાં પણ રહ્યા કે, ‘આવશે તો મોદી જ’ અને ‘અબકી બાર 400 પાર’ના નારા જીત માટે પૂરતા છે. એટલે ઘણા ભાજપ ઉમેદવારો બહાર ન નીકળ્યા તેની બીજી તરફ સપા-કોંગ્રેસે લાભ લઈને ગ્રાઉન્ડ બનાવવા માંડ્યું. ભાજપે હવે આત્મમંથન કરવાનો સમય છે કે તેમના નેતાઓ જ ગ્રાઉન્ડ પર નહીં ઉતરે તો જનતા શું કામ સમર્થન આપે?
ભાજપના નિર્ણયો મોટાભાગે નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચહેરા પર ચાલતા પ્રચાર આધારિત રહ્યા. વિપક્ષે પ્રચાર માટે સ્થાનિક મુદ્દાઓ પસંદ કર્યા, નેરેટિવ ઘડ્યા અને વિવિધ સમુદાયોને પોતાની સાથે લીધા, જેથી મત મળ્યા.
વિદ્યાર્થીઓ અને યુવાઓમાં નારાજગી
અગ્નિવીર યોજના અને પેપર લીક વગેરેને કારણે યુવા અને વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી. લગભગ 48 લાક ઉમેદવારોએ પોલીસની ભરતી માટે ઉમેદવારી કરી હતી, પણ પેપર લીકના કારણે પરીક્ષા જ રદ કરી દેવામાં આવી.
રામ મંદિરનો પણ કેમ ફેર ન પડ્યો?
હજુ જાન્યુઆરી મહિનામાં જ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થઈ. 500 વર્ષના સંઘર્ષ બાદ પ્રભુ મંદિરે પધારી રહ્યા હતા અને આ અવસર ઐતિહાસિક હતો અને વિશ્વભરના હિંદુઓ માટે ન ભૂતો ન ભવિષ્યતિ જેવો હતો. અયોધ્યાએ ન માત્ર મંદિર જોયું, પણ એક ભવ્ય પ્રવાસન ધામ તરીકે નગરીને વિકસાવવામાં આવી અને વિકસી રહી છે. તેમ છતાં અયોધ્યા જે બેઠકમાં આવે છે તે ફૈઝાબાદ સીટ પર સમાજવાદી પાર્ટી ઉમેદવારની 54 હજાર મતથી જીત થઈ.
આની પાછળ ઘણાં પરિબળો છે. એક તો સ્થાનિક સ્તરે નારાજગી એ વાતની છે કે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે જે જમીનો કે સંપત્તિ લીધી હતી તેનું પૂરતું વળતર આપવામાં આવ્યું નથી. નોંધવું જોઈએ કે 5 ઓગસ્ટ, 2020ના રોજ મંદિરના શિલાન્યાસ સાથે અયોધ્યાના પુનર્વિકાસનું કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં એરપોર્ટ, રેલવે સ્ટેશનથી માંડીને વિશ્વકક્ષાની સુવિધાઓ બની રહી છે.
આ પ્રોજેક્ટ્સ માટે ઘણી જમીનો લેવામાં આવી, ઘણાં ઘરો અને દુકાનો પણ તોડવામાં આવ્યાં. પરંતુ આરોપ છે કે અસર જેમને થઈ તેમને પૂરતું વળતર મળ્યું નહીં અને અમુક પરિવારોને તેમાં બહુ માથાકૂટોનો સામનો કરવો પડ્યો. રાજ્ય સરકારના 100 કરોડ રૂપિયા ફાળવવાના પ્રયાસો છતાં આ નારાજગી દૂર થઈ શકી નહીં.
ફૈઝાબાદથી ભાજપના ઉમેદવાર લાલુ સિંઘે એપ્રિલમાં એક સભામાં કહ્યું હતું કે, NDAને બંધારણમાં સુધારા કરવા કે બદલવા માટે 2/3 બહુમતી જોઈશે. આમ કહીને તેમણે પગ પર જ કુહાડો માર્યો. પછીથી જોકે કહ્યું કે, તેઓ બંધારણીય સુધારાની વાત કરવા જતા હતા, પણ ત્યાં સુધીમાં નુકસાન થઈ ચૂક્યું હતું. આ નિવેદનનો પછીથી વિપક્ષે ‘ભાજપ બંધારણ બદલી નાખશે’નો નેરેટિવ ઘડવામાં ઉપયોગ કર્યો.
RSSની ગેરહાજરી, જમીનના કાર્યકર્તાઓનો અભાવ
વધુ પડતો આત્મવિશ્વાસ માત્ર ભાજપ ઉમેદવારોમાં નહીં પણ પાર્ટી હાઇકમાન્ડમાં પણ જોવા મળ્યો. મે મહિનામાં ભાજપ અધ્યક્ષ જે. પી નડ્ડાએ કહ્યું હતું કે પાર્ટી એટલી મજબૂત થઈ ગઈ છે કે હવે RSSની મદદ વગર પણ આગળ વધી શકે છે. તેમનું કહેવું હતું કે, RSS હવે એક વૈચારિક ફ્રન્ટ છે. પણ પરિણામો પરથી લાગે છે કે હજુ પણ સંઘ અને ભાજપે સાથે કામ કરવાની જરૂર છે.
સ્થાનિક સ્તરે એવું પણ જોવા મળ્યું કે RSSના જે કાર્યકર્તાઓ પહેલાં જમીન પર કામ કરતા હતા અને મતદારો સાથે સીધા સંપર્કમાં હતા તેઓ આ વખતે ઓછા સક્રિય રહ્યા. એટલે કે પાર્ટી નેતૃત્વ અને RSS વચ્ચે પણ તાલમેલનો અભાવ જોવા મળ્યો.
ટૂંકમાં કહીએ તો ઉમેદવારો પસંદ કરવામાં થાપ ખાઈ જવાના કારણે, નબળા પ્રચારના કારણે અને કાર્યકર્તાઓ અને નેતાઓની નિષ્ક્રિયતા અને પાર્ટીના અમુક નેતાઓનાં નિવેદનોના કારણે UPમાં ભાજપને અસર થઈ અને તેની અસર સીધી પરિણામો પર દેખાઈ. બીજી તરફ, વિપક્ષે પોતાની વૉટબેન્ક સુરકાશિત કરવામાં સફળતા મેળવી.
2027માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ભાજપે સત્તા ટકાવી રાખવી હોય તો ત્યાં સુધીમાં આત્મમંથન કરીને સંગઠન મજબૂત કરવું જ રહ્યું.