માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝૂએ ઇઝરાયેલી નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગાઝામાં ઇઝરાયેલી હુમલાને લઈને મુસ્લિમ દેશોમાં વધી રહેલા વિરોધ વચ્ચે ઇઝરાયેલી પાસપોર્ટ ધારકોના માલદીવમાં પ્રવેશને રોકવા માટેના કાયદામાં સુધારો કરવા માટેનો સરકારે નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ કાર્યાલયમાં ઇમરજન્સી પ્રેસ કૉન્ફરન્સમાં માલદીવના ગૃહમંત્રી અલ એહસૂને આ અંગેની માહિતી આપી છે. હવે આ ઘટનાને લઈને ઇઝરાયેલીઓએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે. એક સોશિયલ મીડિયા હેન્ડલે માલદીવ કરતાં ભારતના લક્ષદ્વીપ ટાપુને વધુ સુંદર ગણાવ્યો છે.
મોહમ્મદ મુઈઝૂ સરકારે ઇઝરાયેલી નાગરિકોને માલદીવમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. માલદીવના ગૃહમંત્રીએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે, માલદીવની કેબિનેટે ઇઝરાયેલી પાસપોર્ટ સાથે માલદીવમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવા માટે કાયદાઓમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. તેના પર નજર રાખવા માટે મંત્રીઓની એક વિશેષ સમિતિ બનાવવામાં આવી છે. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર માલદીવ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. તેની સાથે ઇઝરાયેલીઓએ ભારત અને લક્ષદ્વીપ ટાપુની ચર્ચા પણ શરૂ કરી દીધી છે.
લક્ષદ્વીપ ફરી ચર્ચામાં
મુઈઝૂ સરકારના નિર્ણય બાદ ઇઝરાયેલીઓએ ભારતના અલગ-અલગ સમુદ્રી વિસ્તારોના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવાના શરૂ કરી દીધા છે. ઇઝરાયેલીઓએ લક્ષદ્વીપના ભરપૂર વખાણ કર્યા છે. અનેક ઇઝરાયેલીઓએ ભારતની ચર્ચા શરૂ કરી દીધી છે. ભારતના અદભૂત બીચ ડેસ્ટિનેશનની તસવીરો શેર કરીને ભારત આવવા માટેની ઉત્સુકતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘ઇઝરાયેલ વોર રૂમ’ નામના એક હેન્ડલે પોસ્ટ કરીને લખ્યું છે કે, “મે એવું સાંભળ્યું છે કે, લક્ષદ્વીપ માલદીવ કરતાં વધુ સુંદર છે.” નોંધનીય છે કે, આ વર્ષે જ જાન્યુઆરીમાં PM મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લઈને તેની પ્રશંસા કરી હતી. જેના કારણે માલદીવ બોખલાઈ ગયું હતું. ભારતના લક્ષદ્વીપને માલદીવ પોતાના પર્યટન માટે જોખમ તરીકે જૂએ છે.
I hear that Lakshadweep is more beautiful than the Maldives anyway 🇮🇱🇮🇳 https://t.co/A8kBj6OXqY pic.twitter.com/LktHuqaNmI
— Israel War Room (@IsraelWarRoom) June 2, 2024
આ સાથે અનેક ઇઝરાયેલીઓએ ભારતના અલગ-અલગ સ્થળની તસવીરો શેર કરીને ત્યાં ફરવા માટે જવાની ઈચ્છાઓ વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર મુઈઝૂ સરકારના આ નિર્ણયની નિંદા પણ કરવામાં આવી રહી છે. અનેક વિદેશી યુઝર્સ માલદીવ પ્રવાસ બંધ કરવાનો નિર્ણય લેતા પણ જોવા મળ્યા છે. ઉપરાંત ભારતના ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પણ ઇઝરાયેલનો પક્ષ લીધો છે અને માલદીવના નિર્ણયને પોતાના પગ પર જ કુહાડી તરીકે દર્શાવ્યો છે.