છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતમાં ATS (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વાડ) દ્વારા એક પછી એક સફળ દરોડા પાડીને કેટલાય આતંકીઓ અને તેમના મદદગારોની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં અમદાવાદ, સુરત, જામનગર સહિત અનેક શહેરોમાં આ કામગીરી થઈ ચૂકી છે. જે બાદ હવે ગુજરાત ATSએ કાંઠા વિસ્તારના પોરબંદરથી એક પાકિસ્તાની જાસૂસને પકડી પાડયો છે, જે સોશિયલ મીડિયા દ્વારા ISIની ગુપ્ત માહિતીઓ મોકલતો હતો.
અહેવાલો અનુસાર ગુજરાત ATSએ ગુરૂવાર, 23 મેના રોજ પોરબંદરથી એક માછીમારની ધરપકડ કરી હતી. તે છેલ્લા ત્રણેક મહિનાઓથી ભારતીય કોસ્ટગાર્ડની ગુપ્ત માહિતી સોશિયલ મીડિયા થકી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIને પહોંચાડતો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સોશિયલ મીડિયામાં પાકિસ્તાની યુવતી દ્વારા હનીટ્રેપમાં ફસાયા બાદ તેણે આ કામ શરૂ કર્યું હતું. તે ISIના કહેવા પર કોસ્ટગાર્ડના જહાજો અને તેમની હાજરી જેવી ઘણી ગુપ્ત માહિતી સીમાપાર પહોંચાડતો હતો. હાલ ATSએ તેની ધરપકડ કરી લીધી છે અને વધુ પુછપરછ ચાલી રહી છે.
અમદાવાદથી પકડાયા ISISના 4 આતંકીઓ
આ પહેલા 20 મેના દિવસે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ગુજરાત ATSએ આતંકી સંગઠન ISISના 4 આતંકીઓને પકડી પાડ્યા હતા. આ તમામ આતંકીઓ (ISIS) અમદાવાદમાં એક મોટા હુમલાને અંજામ આપવા માંગતા હોવાનો ખુલાસો પણ થયો હતો. આ સાથે RSS અને ભાજપના નેતાઓ પણ તેના ટાર્ગેટમાં હતા. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં આતંકીઓની ધરપકડને ગુજરાત ATSની મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ સાથે જ એક આતંકી પાસે પાકિસ્તાની વિઝા પણ મળી આવ્યા હતા.
નોંધનીય છે કે હાલ આ ચારેય 14 દિવસના રિમાન્ડ પર છે. આ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે.