તાજેતરમાં જ કેન્દ્ર સરકારે લાગુ કરેલા નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ હવે પાડોશી દેશોમાંથી ધાર્મિક આધાર પર પ્રતાડિત થઈને આવેલા લઘુમતીઓને નાગરિકતા આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ જ ક્રમમાં બુધવારે (15 મે) 14 વ્યક્તિઓને નાગરિકતા માટેનાં પ્રમાણપત્રો આપવામાં આવ્યાં.
ગૃહમંત્રાલય દ્વારા આ બાબતની જાણકારી આપવામાં આવી છે. ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ કુલ 14 વ્યક્તિઓને સિટિઝનશિપ સર્ટિફિકેટ એનાયત કર્યાં. આ દરમિયાન અન્ય સચિવો, IB ડાયરેક્ટર, રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ગૃહ સચિવે નાગરિકતા પ્રાપ્ત કરનાર તમામ વ્યક્તિઓને અભિનંદન પણ પાઠવ્યા.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગત 11 માર્ચના રોજ CAA લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને તેની સાથે જ દેશભરમાં કાયદો લાગુ કરી દેવામાં આવ્યો. આ કાયદા અનુસાર, એપ્લિકેશન ફોર્મ અને તેની ઉપર કાર્યવાહી જિલ્લા સ્તરની એક સમિતિ કરે છે. ત્યારબાદ નાગરિકતા આપવાનું કામ રાજ્ય સ્તરની સમિતિનું છે.
Citizenship Certificates were physically handed over to 14 applicants in Delhi today. Digitally signed Certificates are being issued to many other applicants through email: Ministry of Home Affairs pic.twitter.com/0qCN999FJy
— ANI (@ANI) May 15, 2024
કાયદો લાગુ થયા બાદ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર, 2014 પહેલાં ધાર્મિક આધાર પર પ્રતાડિત થઈને ભારત આવ્યા હોય તેવા વ્યક્તિઓની અરજી આવી હતી. ત્યારબાદ આ અરજીઓ ઉપર જે-તે અધિકારીઓની અધ્યક્ષતામાં બનેલી સમિતિએ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી અરજદારોને શપથ લેવડાવ્યાં હતા.
જિલ્લા સ્તરની સમિતિએ ત્યારબાદ આ અરજીઓ રાજ્ય સ્તરની સમિતિને મોકલી આપી હતી. ડાયરેક્ટરની અધ્યક્ષતામાં બનેલી આ સમિતિએ પછી તેની ખરાઈ કરી હતી. આ તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી. ખરાઈ બાદ દિલ્હીની કમિટીએ 14 વ્યક્તિઓને નાગરિકતા આપવાનો નિર્ણય લીધો. ત્યારબાદ તમામને પ્રમાણપત્રો ઈસ્યુ કરવામાં આવ્યાં.
CAA વર્ષ ડિસેમ્બર, 2019માં સંસદનાં બંને ગૃહમાંથી પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગતિ અને કાયદો બન્યો હતો. પરંતુ રાષ્ટ્રપતિ ભવનના ગેઝેટ અનુસાર, ગૃહ મંત્રાલય તેને લાગુ કરવાની અધિસૂચના બહાર પાડે ત્યારબાદ તે લાગુ કરવામાં આવે છે. દરમ્યાન, દેશભરમાં આ કાયદા વિરુદ્ધ મુસ્લિમોને ભડકાવીને પ્રદર્શનો પણ કરવામાં આવ્યાં અને મહિનાઓ સુધી દિલ્હીના શાહીનબાગમાં પ્રદર્શનો ચાલ્યાં. આ જ પ્રદર્શનના નામે પછીથી રાજધાનીમાં હિંદુવિરોધી હિંસા થઈ. ત્યારબાદ કોરોના મહામારી આવવાના કારણે ગૃહ મંત્રાલય નિયમો બનાવીને અધિસૂચના બહાર પાડી શક્યું ન હતું. આખરે માર્ચ, 2024માં અધિસૂચના બહાર પાડવામાં આવી.
આ નિયમ હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ, શિખ, પારસી, બૌદ્ધ કે જૈન વ્યક્તિ, જેણે 31 ડિસેમ્બર, 2014ના રોજ અથવા તે પહેલાં ભારતમાં પ્રવેશ કરી લીધો હોય અને જેમને પાસપોર્ટ એક્ટ, 1920ની કલમ 3(2)(C) હેઠળ અને ફોરેનર્સ એક્ટ, 1946ની જોગવાઈઓ હેઠળ બનાવવામાં આવેલ નિયમો કે આદેશોમાંથી છૂટ મળી હોય, તેઓ નાગરિકત્વ પ્રાપ્ત કરી શકશે.