તાજેતરમાં ઑપઇન્ડિયાએ જામનગર જિલ્લાની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમમાં સરકારી જમીન પર ગેરકાયદેસર ઉભી કરેલી દરગાહ અને દરગાહ થકી હજારો ચોરસ ફૂટ જગ્યામાં કરવામાં આવેલા દબાણ વિશે એક અહેવાલ આપ્યો હતો. વર્ષ 2022માં સરકારી સરવેમાં ગેરકાયદેસર જાહેર થયેલી આ દરગાહને હટાવવાના આદેશો અપાયા બાદ પણ દબાણ યથાવત હોવાની માહિતી ઑપઇન્ડિયાએ આપી હતી. ત્યારે આજે (13 મે 2024)ના રોજ અવૈધ કબજા હટાઓ સંઘર્ષ સમિતિના કાર્યકર્તા યુવરાજ સોલંકીની મદદથી ઑપઇન્ડિયા રણજીત સાગર ડેમ સુધી પહોંચ્યું હતું.
રણજીત સાગર ડેમમાં કરવામાં આવેલા દબાણનો વર્તમાન સમયનો આખો ચિતાર ઑપઇન્ડિયાએ લીધો હતો. ગ્રાઉન્ડ ઝીરો પરથી ઑપઇન્ડિયાએ જે માહિતી એકઠી કરી તે ખરેખર આશ્ચર્યજનક હતી. દરગાહ બનાવીને હજારો ચોરસ ફૂટ સરકારી જમીન પર કરવામાં આવેલા આ દબાણ, દબાણને કોર્ડન કરવા માટે કરવામાં આવેલી ફેન્સીંગ, વધારાનું બાંધકામ કરવા માટેનો સરસામાન, રાજનેતાઓની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલા બાંકડા, જ્યાં જૂઓ ત્યાં ફેલાયેલી અત્તરની શીશીઓ અને મઝહબી સાહિત્ય… દ્રશ્યો ખરેખર અચરજ પમાડે તેવા હતા.
બહારના મુખ્ય રસ્તા પર જ અમને એક સફેદ કલરનું બોર્ડ જોવા મળ્યું, જેના પર લીલા અક્ષરોથી ‘હજરત પંજુ પીર દરગાહ શરીફ’ અને 786-92 લખેલું હતું. બોર્ડના ઉપરના બંને ખૂણામાં ચાંદ તારાના નિશાન દોરેલા હતા. આ બોર્ડની ઉપર ઇસ્લામિક નિશાનો છાપેલો એક લીલો અને એક લાલ એમ બે ચોરસ ઝંડા પણ જોવા મળ્યા. આ બોર્ડને સિમેન્ટથી પાકા ફાઉન્ડેશનમાં મજબૂતીથી લગાવવામાં આવ્યું હતું.
હજારો ચોરસ ફૂટ જગ્યાને ફરતે ફેન્સીંગ કરીને દબાણ
ઑપઇન્ડિયા જયારે યુવરાજ સોલંકીના સહયોગથી રણજીત સાગર ડેમમાં પહોંચ્યું. ગ્રાઉન્ડ પર પહોંચતાની સાથે જ અમને કાંટાળા તારથી ફેન્સીંગ કરેલી એક જગ્યા જોવા મળી. જે ગેરકાયદેસર બાંધકામ વિશે માહિતી લેવા ઑપઇન્ડિયા રણજીત સાગર ડેમ પહોંચ્યું. ત્યાં સૌપ્રથમ અમારી નજર આ ફેન્સીંગ પર પડી. દબાણવાળી જગ્યાને કોર્ડન કરીને સુરક્ષિત કરવા માટે તેની ફરતે કાંટાળા તારની વાડ કરવામાં આવી છે. આ વાડ કરીને રણજીત સાગર ડેમની હજારો ચોરસ ફૂટ જગ્યાને કોર્ડન કરી દેવામાં આવી છે. સામાન્ય રીતે આ પ્રકારની વાડ લોકો પોતાની જમીન/જગ્યાને સુરક્ષિત કરવા માટે કરતા હોય છે. રણજીત સાગર ડેમની સરકારી જમીનને એજ રીતે કાંટાળા તારની ફેન્સીંગ કરીને કોર્ડન કરવામાં આવી છે.
લાંબી-લાંબી મઝારો અને મોટા જબ્બર દબાણ
યુવરાજ સોલંકીના માધ્યમથી આગળ વધતા અમને નજરે પડ્યું કે વર્ષ 2022માં કરવામાં આવેલા સરવે બાદ આપવામાં આવેલા આદેશો પછી પણ દબાણ યથાવત છે. બાંધકામ જે પરિસ્થિતિમાં હતું તેમનું તેમ જ છે. આગળના ભાગે એક પાકો ઓટલો છે, તેના પર 31 ફૂટ જેટલી લાંબી 3 મઝાર છે. આ ચણતરની બાજુએ કોલમ બિંબ ઉભા કરીને ઉપર આડી પાઈપો લગાવવામાં આવેલી છે. આ સ્ટ્રક્ચર પર પતરા મારીને છત બનાવવામાં આવી છે. બાજુમાં જ ઈંટ અને સિમેન્ટથી પાકો ગોખલો છે, જેમાં માટીના કોડિયા મુકેલા છે. અહીં અમને લીલા કલરના કાગળમાં પેક ચોકલેટ ચઢાવેલી પણ જોવા મળી, કદાચ કોઈ વ્યક્તિએ થોડા સમય પહેલા જ આ સ્થળની મુલાકાત લીધી હશે.
આ જગ્યાથી થોડે દૂર આવી જ એક સંરચના છે. પાકા ઓટલા પર 31 ફૂટથી લાંબી 2 મઝાર જોવા મળી રહી છે. અહીં પણ થાંભલા ઉભા કરી દેવામાં આવ્યા છે. બસ હવે ઉપર પતરા નાખવાના જ બાકી છે. આ સંરચનાની બાજુમાં 6 ફૂટની અન્ય 1 મઝાર પણ નજરે પડી રહી છે. ઉલ્લેખનીય છે કે ઇસ્લામમાં બનતી મઝારો (એક પ્રકારની કબર) પાંચથી લઈને 6 ફૂટ જેટલી જ લાંબી હોય છે. પરંતુ આશ્ચર્યજનક રીતે અહીં બનાવવામાં આવેલી 5 મઝારો 31 ફૂટ જેટલી લાંબી છે. ખાસ વાત તો તે છે કે આ તમામ મઝારો પર એટલી જ લંબાઈની ચાદરો ચઢાવવામાં આવી છે.
સામાન્ય રીતે પાંચ-છ ફૂટ લાંબી મઝારો પર તેટલી લંબાઈની જ ચાદર જોવા મળે છે, પરંતુ અહીં ચઢાવવામાં આવેલી ચાદરો સ્પેશ્યલ બનાવડાવી હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. ચઢાવવામાં આવેલી ચાદરોની વાત કરીએ તો તે તમામ ચાદરો નવી અને ચોખ્ખી છે. કારણકે જો ડેમનું પાણી ઓસર્યા બાદ એ જ ચાદરો હોત તો તે ગંદી અને કીચડવાળી હોત. આ જોઈ અંદાજો આવી શકે કે અહીં તાજેતરમાં જ કોઈ વ્યક્તિએ આવીને સાફસફાઈ કરી નવી ચાદર ચઢાવી છે.
ઠેર-ઠેર અત્તરની શીશીઓ, પોટલાઓ, પ્લાસ્ટિકનો કચરો અને મઝહબી સાહિત્યો
ઑપઇન્ડિયાએ આસપાસની જગ્યાની તપાસ કરતા અમને અહીં અગણિત અત્તરની ખાલી અને ભરેલી શીશીઓ જોવા મળી હતી. કેટલીક શીશી તાપથી સુકાઈ ગયેલી જમીન પર હતી તો કેટલીક શીશીઓ ડેમના પાણીમાં પણ હતી. કેટલીક ખાલી અને કેટલીક ભરેલી આ અત્તરની શીશીઓ મોટાભાગની કાંચની તો કોઈક પ્લાસ્ટિકની પણ હતી. આ શીશીઓને પેક કરવા માટેના રેપર્સ પણ અમને ઠેર ઠેર પડેલા જોવા મળ્યા. આખા વિસ્તારમાં પાણીના ભેજ અને અત્તરની તીવ્ર સ્મેલ પણ આવી રહી હતી.
માત્ર અત્તરની શીશીઓ જ નહીં, અહીં અમને કેટલાક ઇસ્લામિક સાહિત્ય પણ નજરે પડ્યા. કેટલાક અરબી તો કેટલાક હિન્દી અને ગુજરાતી ભાષામાં લખેલા કાગળો અહીં અમને જોવા મળ્યા. આ પૈકીના એક સાહિત્ય પર, “નમાઝ કાયમ કરો, નમાઝ મોમીનકી મેઅરાઝ હૈ” લખેલું હતું. અન્ય એક કાગળ પર અન્ય એક હઝરત શાલુ પીર દરગાહ શરીફ લખેલું હતું. શેખ ઓસમાણશાહ જાફરશાહ મુલતાનીના નામવાળા આ કાગળ પર જામનગરના કાલાવાડ રોડનું સરનામું લખેલું જોવા મળ્યું હતું.
આટલું જ નહીં, આ સિવાય ઑપઇન્ડિયાને આ જગ્યાએ અનેક મોટા ચાદરોના પોટલા પણ જોવા મળ્યા હતા. તેની અંદર શું બાંધેલું હતું, તે જાણવું અશક્ય હતું. પરંતુ બની શકે કે અહીં ચઢાવવામાં આવેલી ચાદરો અને જૂનો ચઢવો બધો આ પોટલામાં મુકવામાં આવ્યો હતો. આ સાથે જ અમને અહીં સિમેન્ટના નાનામોટા પાકા ચણતર પણ જોવા મળ્યા હતા. આ જગ્યા પર ઠેર ઠેર પ્લાસ્ટિકનો કચરો પણ નજરે પડી રહ્યો હતો.
કોંગ્રેસી નેતાના નામવાળા બાંકડા અને દરગાહ બનાવવા માટે લાવવામાં આવેલો સરસામાન
કાંટાળા તારથી ફેન્સીંગ કરેલી જમીનના ટુકડાના એક ખૂણામાં અમને કેટલોક કાટમાળ પણ જોવા મળ્યો. ત્યાં જઈ તપાસ કરતા અમે જોયું કે આ એ પ્રકારના જ થાંભલા છે, જેનો ઉપયોગ દરગાહનો શેડ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. આ દરમિયાન યુવરાજે અમને જણાવ્યું કે આ સામાન બાજુમાં જે અધુરી છોડી દેવામાં આવેલી દરગાહ છે, તેનો છે. આ સમાન તે દરગાહની છત અને અન્ય કામો માટે ઉપયોગમાં લેવાના ઉદ્દેશ્યથી અહી લાવવામાં આવ્યો છે.
આ કાટમાળ વચ્ચે જ અમને કેટલાક બેસવાના બાંકડા જોવા મળ્યા. સામાન્ય રીતે આ પ્રકારના બાંકડા સાંસદસભ્યોથી માંડીને કોર્પોરેટરો સોસાયટીઓ, બાગ-બગીચાઓ અને જાહેર જગ્યાઓ પર લોકોને બેસવા માટે પોતનું બજેટ ફાળવીને મુકાવતા હોય છે. થોડો સમય પાણીની નીચે રહેવાના કારણોસર આ બાંકડાઓ પર લખવામાં આવેલા અક્ષરો કીચડ નીચે દબાઈ ગયા હતા. થોડી સાફ-સફાઈ કરતા અમને આ બાંકડાઓ પર “માનનીય સાંસદ સભ્ય શ્રી વિક્રમભાઈ માડમના અનુદાનમાંથી, જામનગર- વર્ષ 2011-12, સ્વચ્છતા જાળવો” લખેલું જોવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વિક્રમ માડમ કોંગ્રેસના નામાંકિત નેતા છે. વિક્રમ માડમ ભાણવડ અને ખંભાળિયાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2004 અને 2009માં કોંગ્રેસના સાંસદ પણ રહ્યા છે. વર્ષ 2014માં વિક્રમ માડમ ભાજપ નેતા પૂનમ માડમ સામે ચૂંટણી હારી ગયા હતા.
માત્ર જામનગરના લોકો જ નહીં, વાઈલ્ડ લાઈફ માટે પણ આ ડેમ અતિ મહત્વનો
ઉલ્લેખનીય છે કે જામનગરની ભૌગોલિક સ્થિતિ વાઈલ્ડલાઈફની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વની છે. દરિયાકાંઠાને અડીને આવેલા આ જિલ્લામાં દર વર્ષે વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. રણજીત સાગર ડેમથી ખીજડીયા બર્ડ સેન્ચુરી માંડ 20/22 કિલોમીટર હશે. ત્યારે સ્વભાવિક છે કે સેન્ચુરીમાં આવતા દેશી-વિદેશી પક્ષીઓ અહીં પણ આવતા હશે. આ ગેરકાયદેસર દરગાહથી ડેમનું પાણી ઓસરીને માંડ 100 મીટર દૂર ગયું છે. જયારે ઑપઇન્ડિયા અહીં નિરીક્ષણ કરી રહ્યું હતું, તે જ સમયે અમારી નજર ડેમમાં ઉતરેલા ફ્લેમિન્ગો પક્ષીના ઝૂંડ પર પડી. સામાન્ય રીતે ઠંડીના મોસમમાં અહીં આવતા આ પક્ષીઓની આ સિઝનમાં અહીં ઉપસ્થિતિ અમારા માટે પણ એટલી જ આશ્ચર્યજનક હતી, જેટલું આશ્ચર્ય આપને આ વાંચીને થઇ રહ્યું છે. અને દૂરથી જ આ સુંદર પક્ષીઓને મોબાઈલ ફોનના કેમેરામાં કંડારવાનો પ્રયત્ન કર્યો.
આ દરમિયાન યુવરાજે અમને જણાવ્યું કે આ જગ્યા માત્ર પક્ષીઓ જ નહીં, પરંતુ માછલીઓ અને મગર માટે પણ મહત્વની છે. યુવરાજના જણાવ્યા અનુસાર મેટિંગ સિઝનમાં મગર અહીં સંવનન પ્રક્રિયા માટે આવતા હોય છે. આ બધું સાંભળીને અમને વિચાર આવ્યો કે જે પ્રમાણે અહીં ડેમના પાણીમાં અમને અત્તરની શીશીઓ, પ્લાસ્ટિકના કચરા અને અને અન્ય હાનીકારક વસ્તુઓ જોવા મળી તે અહીની વાઈલ્ડ લાઈફને કઈ હદે નુકશાન પહોંચાડી શકે?
દર વર્ષે ડૂબી જતી જગ્યાને ફરી ઉભી કરવા રૂપિયા ક્યાંથી આવતા હશે?
તમામ બાબતોની ઝીણવટભરી તપાસ બાદ એક બાબત અહીં વિચારવા લાયક લાગી. વર્ષના લગભગ 6 મહિના આ જગ્યા પાણીમાં ડૂબેલી રહે છે. પહેલા વરસાદ અને બાદમાં નર્મદાના નીરથી ડેમને ભરવામાં આવે છે. ડેમ જયારે છલોછલ ભરેલો હોય, ત્યારે અહીં આવવું મુશ્કેલ છે. પણ જયારે પાણી ઓસરી જાય, ત્યારે આ જગ્યા પાણીના ફોર્સથી ઉઝડેલી અને કાદવથી ખરડાયેલી હોય છે. અહીં આવતા કાસમભાઈએ પણ ઑપઇન્ડિયાને એમ જણાવ્યું હતું કે તેઓ માત્ર ધૂપ કરવા અહીં આવતા, ખર્ચ કરવાની તેમની કેપેસીટી નથી. જો બીજું કોઈ અહીં આવતું ન હોય તો દર વર્ષે આ જગ્યાની માવજત કોણ કરે છે? તેને બનાવવા અને સારસંભાળ રાખવાનો ખર્ચ કોણ પૂરો પાડે છે? જે મુજબનો સરસામાન અહીં પડ્યો છે, તે વસ્તુઓ લાવવાના રૂપિયા કોણે કાઢ્યા હશે? પ્રશાસને તે દિશામાં પણ તપાસ ચોક્કસથી કરવી જોઈએ કે આખરે સરકારી જમીન પર ગેરકાયદેસર બનાવવામાં આવેલી આ દરગાહ માટે ફંડિંગ આવ્યું ક્યાંથી?