પરષોત્તમ રૂપાલાના નિવેદનના કારણે ભારતીય જનતા પાર્ટીને તમામ 26 લોકસભા બેઠકો પર હરાવવાનો નિર્ણય કરીને આંદોલનમાં કૂદી પડેલી ક્ષત્રિય સંકલન સમિતિએ બહાર તો ઠીક પણ હવે અંદરથી જ વિરોધનો અને ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે વ્યક્તિઓએ આ આંદોલનની શરૂઆત કરી હતી તેમણે જ હવે કહેવા માંડ્યું છે કે આ આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાનું લાગી રહ્યું છે. આવાં એક નહીં પણ અનેક નિવેદનો તાજેતરમાં જ સામે આવ્યાં.
રવિવારે (5 મે) ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં એક સંમેલન યોજ્યા બાદ ક્ષત્રિય અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, મને લાગે છે કે આ આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે. તેમણે કહ્યું, “આ આંદોલનમાં સ્ટેજ ઉપરથી જેઓ બોલે છે તે બધાને લગભગ હું ઓળખું છું. લગભગ કૉંગ્રેસમાં કોઇ લડેલા છે, કોઇ હારેલા છે, કોઇ કૉંગ્રેસનો હોદ્દો ધરાવે છે. આવા કોંગ્રેસના લોકો જેમને ભારતીય જનતા પાર્ટી સાથે સ્નાન-સૂતકનો સંબંધ નથી, તેવા લોકો આંદોલનને વેગ આપી રહ્યા છે અને કૉંગ્રેસ પ્રેરિત આંદોલન છે તેવું મારું માનવું છે.”
આ નિવેદનના થોડા જ કલાકો બાદ શરૂઆતમાં જેઓ આંદોલનમાં સક્રિય રહ્યાં હતાં તેવાં પ્રજ્ઞાબા ઝાલાએ પણ આવું જ કંઈક કહ્યું. તેમણે કહ્યું કે, “જે રીતે તેમનાં નિવેદનો સામે આવી રહ્યાં છે તે જોઈને લાગે છે કે સમિતિ કોંગ્રેસપ્રેરિત છે. આંદોલન રૂપાલા માટે હતું. પછી રાહુલ ગાંધીએ રાજા-રજવાડાં વિશે બફાટ કર્યો. ઉમેશ મકવાણાએ ભાવનગરમાં નિવેદન આપ્યું. તો આ લોકો પાસે માફી કેમ મંગાવવામાં નથી આવતી, તેમને શા માટે અવગણવામાં આવી રહ્યા છે? તેમની તરફ કેમ કોઇ ધ્યાન નથી આપી રહ્યું? શા માટે સંકલન સમિતિ ત્યાં ધ્યાન નથી આપી રહી?”
આ સિવાય પણ પદ્મિનીબા વાળાથી માંડીને અન્ય અમુક નેતાઓ ક્ષત્રિય સંકલન સમિતિ પર સવાલો ઉઠાવી ચૂક્યા છે અને ભાજપ-કોંગ્રેસ કરવાનો કે કોંગ્રેસને સમર્થન કરવાનો આરોપ લગાવી ચૂક્યા છે.
આ આરોપો વચ્ચે સંકલન સમિતિ ભલે કહેતી હોય કે તેમનું આ આંદોલન સંપૂર્ણપણે સામાજિક છે અને કોઇ રાજકીય પક્ષ પ્રેરિત નથી, પણ આવા સવાલો ઊઠવા વ્યાજબી છે. તેનાં કારણો ઘણાં છે.
નિવેદનો ત્રણ પક્ષના નેતાઓએ આપ્યાં, તો એકનો જ વિરોધ કેમ?
સૌથી પહેલું કારણ છે માત્ર ભાજપનો જ વિરોધ અને અન્ય નેતાઓની વાત આવે ત્યારે કાં તો આંખ આડા કાન કરવા, અથવા તો પછી ટીકા કરીને સંતોષ માની લેવો. પરષોત્તમ રૂપાલાએ પણ રાજા-રજવાડાં વિરુદ્ધ જ નિવેદન આપ્યું હતું અને રાહુલ ગાંધીએ પણ. ઉમેશ મકવાણાએ પણ આ જ પ્રકારનું એક નિવેદન આપ્યું હતું. તો પછી જે સંકલન સમિતિ ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ છેલ્લા એક મહિનાથી પડી છે તે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી વિરુદ્ધ શા માટે નથી બોલી રહી? એવો પ્રશ્ન થાય તે સ્વભાવિક છે.
રાહુલ ગાંધી વિરુદ્ધ માત્ર સમિતિના પ્રવક્તાએ ટીકા કરતું નિવેદન આપ્યું હતું, પણ તેમની માફી મંગાવવા માટે કોઇ કરતાં કોઇ પ્રયાસ થયા નથી. અમુક સંકલન સમિતિના નેતાઓ તો એવા પણ નીકળ્યા, જેમણે એવું જ કહી દીધું કે રાહુલ ગાંધીનો વિડીયો જૂનો અને એડિટ કરેલો છે. પણ ખરેખર એવું ન હતું. અમુકે અમે સાંભળ્યું નથી, જેવા જવાબો આપ્યા.
પ્રશ્ન એ છે કે શું કોઇ સમાજ માટે કે સામાજિક સંગઠન માટે કયો પક્ષ અને કઈ પાર્ટી કે કયો વ્યક્તિ એ મહત્ત્વ ધરાવે છે? ના. સામાજિક સંગઠનો તો પક્ષનિરપેક્ષ હોય છે. તો પછી શા માટે એક જ પાર્ટીનો વિરોધ થાય છે અને બીજા પર ધ્યાન જ આપવામાં આવતું નથી કે તેમની માફી મંગાવવાના પ્રયાસ થતા નથી.
કોંગ્રેસને સમર્થન શા માટે?
મજાની વાત એ છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે રાજા-રજવાડાં વિરુદ્ધ નિવેદન આપ્યું હોવા છતાં ધર્મરથ ફરી રહ્યા છે તેમાં કોંગ્રેસના જ ઉમેદવારોના સમર્થનમાં મતદાન કરવા માટે શપથ લેવડાવવામાં આવી રહ્યા છે. આવાં બેવડાં વલણો પર પ્રશ્ન થાય જ તે સ્વભાવિક વાત છે. જો પ્રશ્ન સ્વાભિમાનનો જ હોય અને અપમાનનો જ હોય તો પછી કોંગ્રેસને પણ સમર્થન કેમ? અપમાન તો તેના નેતાએ પણ કર્યું છે.
પ્રશ્ન એવો પણ થઈ રહ્યો છે કે જે રાજા-રજવાડાંના અપમાન બદલ સંકલન સમિતિએ આંદોલન શરૂ કર્યુ હતું તેમાંથી 45 રાજવીઓએ તો મોદીને અને ભાજપને સમર્થન જાહેર કરી દીધું. તો પછી શું સમિતિ આ રાજાઓનું પણ નહીં માને? એવો પ્રશ્ન થવો પણ સ્વભાવિક છે.
બીજી તરફ, સંકલન સમિતિને ભાજપ સાથે વાંધો હોય ત્યાં સુધી તો સમજી શકાય છે. પરંતુ ભાજપ સાથે વાંધો છે એટલે કોંગ્રેસ કે બીજી પાર્ટીઓને સમર્થન આપવાની વાત ઘણાંના ગળે ઉતરી રહી નથી. કોઇ પાર્ટી જીતે કે હારે તેનાથી એક સામાજિક સંગઠનને વળી શું નિસબત હોય? એવું પણ નથી કે કોઇ પાર્ટી જીતે કે કોઇ હારે તેનાથી સ્વાભિમાન કે અસ્મિતા પરત આવી જશે. એ જ કારણ છે કે હવે તેની ઉપર કોંગ્રેસ પ્રેરિત હોવાના આરોપો લાગવાના શરૂ થઈ ગયા છે.
જોકે, હકીકત એ પણ છે કે શરૂઆતમાં બહુ તીવ્ર લાગતું આંદોલન હવે મતદાન આવે ત્યાં સુધીમાં તદ્દન ઠંડુ પડી ગયું છે. તેની કેટલીક અને કેવી અસર થાય તે તો 4 જૂને જ જાણવા મળશે.