દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે. બે તબક્કાનું મતદાન પણ થઈ ચૂક્યું છે. સામાન્ય રીતે ચૂંટણીના સમયે ઘણી ભ્રામક વાતો અને દાવાઓ સોશિયલ મીડિયાથી લઈને મીડિયામાં ફેલાવવામાં આવે છે. આવા જ એક ખોટા સમાચાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને લઈને વાયરલ થયા હતા. જેમાં કહેવાયું હતું કે, RSS આરક્ષણનો વિરોધ કરે છે. જ્યારે હવે RSSના સરસંઘચાલક મોહન ભાગવતે આરક્ષણ વિશે ચાલી રહેલા તે ખોટા સમાચારોનું ખંડન કરતું એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, સંઘ ક્યારેય પણ આરક્ષણના વિરોધમાં રહ્યું નથી.
રવિવારે (28 એપ્રિલ, 2024) RSS સરસંઘચાલક મોહન ભાગવતે હૈદરાબાદમાં એક શૈક્ષણિક સંસ્થામાં સંબોધન આપ્યું હતું. આ દરમિયાન તેમણે આરક્ષણ વિશે ચાલી રહેલા સમાચારોનું ખંડન કર્યું હતું. તેમણે કહ્યું છે કે, RSSનું એવું સ્પષ્ટપણે માનવું છે કે, અનામત વ્યવસ્થા ત્યાં સુધી અસ્તિત્વમાં રહેવી જોઈએ, જ્યાં સુધી તેની આવશ્યકતા છે. આરક્ષણને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચાલી રહેલા વાકયુદ્ધ દરમિયાન સંઘ પ્રમુખનું આ નિવેદન સામે આવ્યું છે. તેમનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે.
તેમણે સંબોધન દરમિયાન કહ્યું કે, “હું અહીં આવ્યો હતો, તો મે સાંભળ્યું કે, એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવાયું છે કે, સંઘવાળા બહારથી આરક્ષણનું સમર્થન કરે છે પરંતુ અંદર જઈને તેઓ કહે છે કે, આરક્ષણનો તેઓ વિરોધ કરે છે બહાર અમે બોલી નથી શકતા. હવે આ વિડીયોમાં કહેવાયેલી વાત એકદમ અસત્ય છે અને ખોટી છે. જ્યારથી આરક્ષણ આવ્યું છે, ત્યારથી, સંવિધાન મુજબ RSS તમામ આરક્ષાણોને સમર્થન આપે છે. સંઘ એવું કહે છે કે, આરક્ષણ જેમના માટે છે, તેમને જ્યાં સુધી જરૂરી લાગશે અને સામાજિક કારણોસર આપવામાં આવેલું હોવાથી, જ્યાં સુધી ભેદભાવ છે ત્યાં સુધી આરક્ષણ આપવામાં આવવું જોઈએ.”
#WATCH | Hyderabad, Telangana: RSS chief Mohan Bhagwat says, "A video is being circulated that RSS is against reservation and we cannot speak about this outside. Now this is completely false. The Sangh has been supporting all reservations as per the Constitution since the… https://t.co/lGju5pukHj pic.twitter.com/crS5FORdv1
— ANI (@ANI) April 28, 2024
સાથે એ પણ નોંધવું જોઈએ કે, ગત વર્ષ 2023માં સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં આરક્ષણને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી સામાજિક પૂર્વગ્રહો છે, ત્યાં સુધી અનામત આપવામાં આવવું જોઈએ. તેમના મતે આજેપણ અનેક જગ્યાએ ભેદભાવ જોવા મળી રહ્યા છે. ભલે તે દેખાતા ન હોય. પરંતુ ભેદભાવ છે. તેમણે વારંવાર આરક્ષણને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને આરક્ષણનું સમર્થન પણ કર્યું છે.
PM મોદીએ આરક્ષણને લઈને વિપક્ષ પર લગાવ્યા આરોપ
વડાપ્રધાન મોદીએ પણ આરક્ષણને લઈને વિપક્ષને આડેહાથ લીધું હતું. 26 એપ્રિલના રોજ બિહારના અરરિયા અને મુંગેર સંસદીય ક્ષેત્રમાં તેમણે જાહેર સભા દરમિયાન સંબોધન આપતા વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વિપક્ષ પર મુસ્લિમ વોટના આધારે, તે લોકોને લાભ પહોંચાડવા માટે OBC, SC અને STના આરક્ષણને ‘ચોરી’ કરવાના પ્રયાસના આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, વિપક્ષી દળો લોકસભા ચૂંટણી જીતવા માટે ધર્મ-આધારિત આરક્ષણ લાગુ કરવા માંગે છે, જ્યારે તેમને રોકવા અને દલિતો તથા અન્ય પછાત વર્ગોના આરક્ષણની રક્ષા કરવાના તેમના 400 સીટો જીતવાના ઉદ્દેશ્યથી એકદમ વિપરીત છે.
મહત્વપૂર્ણ વાત તો તે છે કે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારે કર્ણાટકમાં OBC કોટાના આરક્ષણ માટે આખા મુસ્લિમ સમુદાયને પછાત વર્ગોમાં વર્ગીકૃત કર્યો છે. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ (NCBC)એ કોંગ્રેસ સરકારના આ નિર્ણયની ટીકા પણ કરી છે. કમિશને તે પણ કહ્યું હતું કે, આ વર્ગીકરણ સામાજિક ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.