Saturday, November 23, 2024
More
    હોમપેજરાજકારણ‘અમે સાંભળ્યું નથી, તેમણે સમાજ વિશે નથી કહ્યું, વિડીયો જૂનો છે…’: રૂપાલાનો...

    ‘અમે સાંભળ્યું નથી, તેમણે સમાજ વિશે નથી કહ્યું, વિડીયો જૂનો છે…’: રૂપાલાનો વિરોધ કરતા ક્ષત્રિય આગેવાનો રાહુલ ગાંધી બાબતે નરમ પડ્યા, કહ્યું- તેમની સામે આંદોલન નહીં થાય 

    ઑપઇન્ડિયાએ રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા સાથે વાત કરી. તેમણે રાહુલ ગાંધીના વિડીયોને જૂનો ગણાવી દીધો અને કહ્યું કે તેના થકી રાજકારણ કરવામાં આવી રહ્યું છે. 

    - Advertisement -

    રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે ગુજરાતની ક્ષત્રિય સંકલન સમિતિ આંદોલન ચલાવી રહી છે. તેમણે રાજા-મહારાજાઓ વિશે એક નિવેદન આપ્યું હતું, જેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ તાજેતરમાં જ રાહુલ ગાંધીએ પણ રાજાઓ ઉપર એક ટિપ્પણી કરી. પરંતુ ગુજરાતમાં જેટલો રૂપાલાનો વિરોધ થયો હતો એટલો રાહુલ ગાંધીનો વિરોધ થતો જોવા મળી રહ્યો નથી. દરમ્યાન, ક્ષત્રિય આગેવાનોને પણ પ્રશ્ન થઈ રહ્યા છે કે આ વિશે તેમનું શું સ્ટેન્ડ છે. 

    આ બાબતે ઑપઇન્ડિયાએ રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા સાથે વાત કરી. તેમણે રાહુલ ગાંધીના વિડીયોને જૂનો ગણાવી દીધો અને કહ્યું કે તેના થકી રાજકારણ કરવામાં આવી રહ્યું છે. 

    તેમણે કહ્યું કે, “આ વિડીયો જૂનો છે. તેઓ બેન-દીકરીઓ માટે નથી બોલ્યા. આ સમાજને તોડવા માટે પાર્ટીનું ષડ્યંત્ર છે.” આગળ તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધી જે બોલ્યા છે તે તો બધા બોલે છે. પરંતુ બેન-દીકરીઓ પર આવ્યું, તેના માટે પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છીએ.” તેમણે એમ પણ કહ્યું કે, અમારા તરફથી રાહુલ ગાંધીનો કોઇ વિરોધ નથી આ તો ભાજપમાં અમુક લોકો છે તેઓ ઉભું કરી રહ્યા છે.” શું કોંગ્રેસ તરફી મતદાન કરવામાં આવશે? તેમ પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે બીજો સામે કોઇ વિકલ્પ જ નથી એટલે સીધી વાત છે કે તેના તરફી જ થશે. 

    - Advertisement -

    તેમણે અખબાર દિવ્ય ભાસ્કર સાથે પણ વાતચીત કરી હતી. જેમાં કહ્યું કે, રાહુલ ગાંધીએ રાજા-રજવાડાં વિશે કહ્યું છે અને રજવાડાં તો ઘણાં હતાં. તેમણે ક્ષત્રિયોનો ઉલ્લેખ નથી કર્યો. તેમણે કહ્યું કે આંદોલન ચાલુ જ રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, રાજા-રજવાડાં અનેક હતાં અને રાહુલ ગાંધી કોને કહેતા હોય તેની ખબર નથી એટલે તેમનું રૂપાલા વિરુદ્ધ આંદોલન ચાલુ જ રહેશે.

    જોકે, અહીં નોંધવા જેવી બાબત એ છે કે નિવેદનમાં કોઇ સમાજનો ઉલ્લેખ તો પરષોત્તમ રૂપાલાએ પણ નહતો કર્યો. રૂપાલાએ પણ રાજા-મહારાજાઓની જ વાત કરી હતી, પરંતુ તેને મુદ્દો બનાવીને છેલ્લા ઘણા દિવસથી આંદોલન ચાલી રહ્યું છે અને હવે વાત ભાજપ વિરુદ્ધ મતદાન કરવા સુધી પહોંચી ગઈ છે. 

    વીરભદ્રસિંહે એવો પણ દાવો કર્યો કે રાહુલ ગાંધીનો વિડીયો જૂનો છે અને ભાજપ આ વિડીયો વાયરલ કરીને રાજકારણ રમે છે. જોકે, આમાં તથ્ય નથી અને રાહુલનો વિડીયો તાજેતરનો અને આ લખાય રહ્યું છે ત્યારે માત્ર 2 દિવસ જ જૂનો છે. તેમણે શુક્રવારે (26 એપ્રિલ, 2024) એક સંબોધનમાં આ વાત કહી હતી, જેનો વિડીયો તેમની પોતાની યુ-ટ્યુબ ચેનલ પરથી જ અપલોડ કરવામાં આવ્યો હતો. જેથી વિડીયો એડિટ કરવામાં આવેલો કે ખોટો હોવાની વાતમાં પણ કોઇ તથ્ય નથી. 

    “રાહુલ ગાંધી જે બોલ્યા તે અમે સાંભળ્યું નથી” 

    દિવ્ય ભાસ્કરના રિપોર્ટ અનુસાર, કરણી સેનાના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ દોલુભા જાડેજાએ એમ કહ્યું કે, તેમણે રાહુલ ગાંધી જે બોલ્યા તે સાંભળ્યું જ નથી. તેમણે પણ દાવો કર્યો કે વિડીયો જૂનો અને એડિટ કરેલો છે. સાથે એવી પણ સ્પષ્ટતા કરી દીધી કે રાહુલ ગાંધી સામે અમે આંદોલન નહીં કરીએ અને મુદ્દો ભટકવા નહીં દે. તેમણે એમ પણ કહ્યું હોવાનું ભાસ્કરે લખ્યું છે કે મતદાન કોંગ્રેસતરફી અને ભાજપ વિરુદ્ધ જ થશે, રાહુલ ગાંધી કંઈ બોલે તે તેઓ ધ્યાને નહીં લે. સાથે કહ્યું કે, રાહુલ ગાંધીના નિવેદનથી રૂપાલા આંદોલનને અસર નહીં થાય. 

    આ આંદોલનમાં જાણીતો ચહેરો પી. ટી જાડેજાએ કહ્યું કે, રાહુલ ગાંધી ગમે-તે બફાટ કરે તેનો તેઓ જવાબ નહીં આપે અને તેમનો અત્યારે મુદ્દો રૂપાલાના વિરોધનો જ છે. તેમણે ઉમેર્યું કે, “રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન-દીકરીઓ અંગે નિવેદન આપ્યું છે, જે અગાઉ પણ અનેક લોકો આપી ચૂક્યા છે. ક્ષત્રિય સમાજનો ઉદ્દેશ્ય 26 બેઠકો પર ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો જ રહેશે. 

    પદ્મિનીબાએ કહ્યું- રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જોઈએ

    જોકે, પદ્મિનીબા વાળાએ કહ્યું હતું કે રાહુલ ગાંધી જે બોલ્યા તેનો પણ વિરોધ થવો જોઈએ અને એકને માફ કરી દેવામાં આવે તે ન ચાલે. તેમણે એમ પણ પૂછ્યું કે રાહુલ ગાંધીને તેઓ જે બોલે છે તેની છૂટ મળી છે? અને તેઓ બોલે એ સ્વીકારી લેવાનું? જોકે, તેમણે સંકલન સમિતિ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, હવે આમાં રાજકારણ આવી ગયું છે એટલે તેની અસર આંદોલન પર કેટલી થશે તે કહી શકાય નહીં. તેમણે પૂછ્યું હતું કે રૂપાલા સામે આંદોલન કરીએ છીએ તો રાહુલ ગાંધી સામે કેમ નહીં? 

    ઉલ્લેખનીય છે કે પદ્મિનીબા વાળા થોડા સમયથી સંકલન સમિતિથી દૂર થઈ ગયાં છે પરંતુ આંદોલનમાં સક્રિય છે. તેમણે સમિતિ પર પોતાને સાઈડલાઈન કરવાના આરોપ લગાવ્યા હતા. તાજેતરમાં તેમણે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું હતું કે હવે આ આંદોલનમાં સ્વાભિમાનની લડાઈ જેવું કશું દેખાતું નથી અને મુદ્દો ભાજપ-કોંગ્રેસ પર પહોંચી ગયો છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે, લડાઈ પરષોત્તમ રૂપાલા સુધી સીમિત રાખવી જોઈતી હતી અને મુદ્દાને છેક નરેન્દ્ર મોદી સુધી લઇ જવાનો ન હતો. તેમણે ઉમેર્યું હતું કે પીએમ મોદીએ દેશ અને બેન-દીકરીઓ માટે જે કામ કર્યાં છે તે ભૂલવાં ન જોઈએ. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં