હિંદુ ધર્મમાં સમયનું મહત્વ ખૂબ વધુ માનવામાં આવે છે. કયા સમયે શુભ કાર્ય કરી શકાય તે માટેના નિર્દેશો આપણને આપણાં શાસ્ત્રોમાંથી મળે છે. શાસ્ત્રસંમત સમય સાથે કોઈપણ કાર્ય કરવાથી તેનું ચોક્કસ પરિણામ પણ મળે છે. હિંદુ ધર્મ ખાસ કરીને વૈદિક ધર્મ અને સનાતન ધર્મ તરીકે ઓળખાય છે, હિંદુ ધર્મનો મૂળ આધાર વેદો છે અને વેદોમાં વિવિધ ગ્રહોની ગતિને ધ્યાનમાં રાખીને સમય વિશેની માહિતી આપવામાં આવી છે. તે પૈકી એક સમયગાળો એવો હોય છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને અભિજિત મુહૂર્ત અથવા તો વિજય મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે.
ધર્મશાસ્ત્રો અનુસાર, અભિજિત મુહૂર્ત અથવા વિજય મુહૂર્તમાં કોઈપણ કાર્યનો આરંભ કરવામાં આવે તો તે ચોક્કસ સફળ થાય છે. તે જ કારણ છે કે તાજેતરમાં બધા નેતાઓ વિજય મુહૂર્તમાં જ ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. આ સમયગાળો માણસને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેથી કોઈપણ રાજનેતા વિજય મુહૂર્તમાં નામાંકન કરે છે. 18 માર્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવવાના હતા. પરંતુ તેઓ સમય ચૂકી જતાં હવે 19 માર્ચે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. તો તે સમયગાળો શા માટે એટલો મહત્વનો છે? આ પ્રશ્નના જવાબ માટે ઑપઇન્ડિયાએ વિવિધ સ્થળોના 4 જ્યોતિષાચાર્યનો સંપર્ક કર્યો હતો. જ્યોતિષાચાર્યો પાસેથી મળેલી માહિતીના આધારે વધુ જાણીએ.
શું હોય છે અભિજિત મુહૂર્ત (વિજય મુહૂર્ત)?
ધર્મગ્રંથ પ્રમાણે રાવણ અને કંસ જેવા દુર્વૃત્તિના અસૂરોનો નાશ કરીને વિજય પ્રાપ્ત કરનાર ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણનો જન્મ અભિજિત મુહૂર્તમાં થયો હતો. ભગવાન મહાદેવે ત્રિપુરાસુરનો જે ક્ષણે વધ કર્યો, તે પણ અભિજિત કાળ હતો. આ કારણથી અભિજિત મુહૂર્તને ‘વિજય મુહૂર્ત’ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મમાં મુહૂર્ત વિશે વાત કરવામાં આવે તો ઘણાં બધાં મુહૂર્તો જોવા મળે છે. પરંતુ તેમાં સૌથી વિશેષ મુહૂર્ત જો કોઈ હોય તો તે અભિજિત મુહૂર્ત છે. અભિજિત મુહૂર્તનું ધાર્મિક મહત્વ ખૂબ વિશાળ માનવામાં આવે છે.
આ મુહૂર્તને વિશેષ એટલા માટે માનવામાં આવે છે કે, ભગવાન વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણ અને ભગવાન રામનો જન્મ પણ અભિજિત કાળમાં થયો હતો. તેથી આ મુહૂર્તને ઉત્તમ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. એ જ કારણ છે કે, 500 વર્ષોના સંઘર્ષ બાદ પણ ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પવિત્ર અભિજિત મુહૂર્તમાં કરવામાં આવી હતી. સાથે એ પણ નોંધવું જોઈએ કે, વૈદિક શાસ્ત્ર અનુસાર, દિવસ અને રાત્રિના 15-15 એમ કુલ 30 મુહૂર્ત 24 કલાક દરમિયાન જોવા મળે છે. આ 30 મુહૂર્તમાં સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત અભિજિત હોય છે.
અભિજિત મુહૂર્તના દેવ છે બ્રહ્માજી
શિક્ષણ વિભાગ ગુજરાતમાં વર્ગ-2 અધિકારી અને જ્યોતિષશાસ્ત્રના જાણકાર વિશાલભાઈ રાજ્યગુરુએ આ વિશે માહિતી આપતા જણાવ્યું છે કે, 24 કલાક દરમિયાનના 30 મુહૂર્ત માટેના અલગ-અલગ દેવતાઓ પણ હોય છે. તેમણે જણાવ્યું કે, અભિઅભિજિતજીત મુહૂર્તને ‘વિધિ મુહૂર્ત’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે, પૂજા, પ્રાર્થના, ધાર્મિક વિધિ, દેવપ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા, દીક્ષા, મંત્ર-સાધના વગેરે માટે આ મુહૂર્ત શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ મુહૂર્તના દેવતા સ્વયં બ્રહ્મા છે. તેથી ઘર કે, ફેક્ટરીમાં બ્રહ્મસ્થાનનો વાસ્તુદોષ હોય તો અભિજિત મુહૂર્તમાં પ્રતિહાર કે પ્રાયશ્ચિત કર્મ કરવું શ્રેષ્ઠ ગણાય છે.
દક્ષિણ ગુજરાતમાં સ્થિત વાપીના જ્યોતિષાચાર્ય હિતેશભાઈ રાજ્યગુરુએ જણાવ્યું કે, વૈદિક શસ્ત્રો અનુસાર, દિવસ અને રાત્રિના 15-15 એમ કુલ 30 મુહૂર્ત છે. તેમાં દિવસ દરમિયાન 15 મુહૂર્ત આવે છે અને રાત્રિ દરમિયાન અલગ 15 મુહૂર્ત આવે છે. બંને સમયે જે આઠમું મુહૂર્ત આવે છે, તે અભિજિત મુહૂર્ત છે. એટલે કે દિવસ દરમિયાન મધ્યાહનના સમયે અને રાત્રિ દરમિયાન મધ્યરાત્રિએ અભિજિત મુહૂર્ત આવે છે. આ તમામ 30 મુહૂર્ત સાથે અલગ-લગ દેવતા જોડાયેલા છે. જે નામ અનુસાર વ્યક્તિ કે પ્રાણીને ફળ આપે છે. તેથી અભિજિત મુહૂર્તને બ્રહ્માનું ઉદગમસ્થાન માનવામાં આવે છે. આ પ્રસંગે વિજય પ્રાપ્ત કરવા માટેના દરેક કાર્યો કરવામાં આવે છે. જેથી તેનો લાભ મળી શકે.
દિવસ દરમિયાન ક્યારે આવે છે અભિજિત મુહૂર્ત?
ગોપનાથ મહાદેવ મંદિરના એક જ્યોતિષાચાર્યએ જણાવ્યું કે, 30 મુહૂર્તમાં દરેક મુહૂર્તનો સમયગાળો 48 મિનિટ સુધીનો હોય છે. સૂર્યોદયથી ગણતાં આઠમું મુહૂર્ત જે આવે, તે અભિજિત મુહૂર્ત કહેવાય છે. એટલે કે, અલગ-અલગ સ્થળોએ અલગ-અલગ સમયે અભિજિત મુહૂર્ત આવી શકે છે. જેમ કે, ગુજરાતના સુરતમાં અભિજિત મુહૂર્ત ચાલી રહ્યું હોય તો, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં અભિજિત મુહૂર્ત ના પણ હોય શકે. તેનું સૌથી મોટું કારણ એ છે કે, બંને જગ્યાનો સૂર્યોદય સમય ભિન્ન છે. સૂર્યોદય બાદથી મુહૂર્ત ગણતાં 8માં મુહૂર્તે અભિજિત આવે છે. તેથી અનેક જગ્યાએ અભિજિત મુહૂર્ત અલગ-અલગ સમયગાળા દરમિયાન આવે છે.
તાજેતરની વાત કરવામાં આવે તો અંદાજિત બપોરના 12 વાગ્યાની આસપાસ આ મુહૂર્તની શરૂઆત થાય છે અને 12:48ની આસપાસ સુધી તે મુહૂર્ત ચાલે છે. જે બાદ રાત્રિએ પણ 12 વાગ્યાની આસપાસ જ તેની શરૂઆત થાય છે. આ સમયગાળા દરમિયાન અમુક કાર્યોને બાદ કરતાં મોટાભાગનાં તમામ ધાર્મિક કાર્યો થઈ શકે છે અને તે શુભ અને સારું ફળ આપનારાં ગણાય છે.
અભિજિત મુહૂર્તનું મહત્વ અને કયાં કાર્યો થઈ શકે
કુલ 30 મુહૂર્તોમાં સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત અભિજિત હોય છે. વૈદિક શાસ્ત્રો ઉપરાંત જ્યોતિષશાસ્ત્રોમાં પણ તે બાબતનો ઉલ્લેખ જોવા મળે છે. તમામ મુહૂર્તમાં અભિજિત મુહૂર્ત સૌથી શ્રેષ્ઠ હોય છે. અભિજિતનો અર્થ થાય છે, ‘જીત’ અથવા તો ‘વિજય’. મુહૂર્ત એટલે સમયગાળો. એટલે કે, આ સમયગાળા દરમિયાન કોઈપણ કાર્ય કરવામાં આવે તે સફળ થાય છે. ધાર્મિક અનુષ્ઠાનો અને દેવપ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા સમયે આ મુહૂર્ત ખૂબ જ ઉત્તમ ગણાય છે. ‘વિજયી ભવ’ આ મુહૂર્તનો સાર હોવાથી કોર્ટ-કેસ, સરકારી ટેન્ડર, વિજય સરઘસ, સોગંદવિધિ કે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આ સમયનો ઉપયોગ કરવામાં આવે છે.
અભિજિત મુહૂર્ત મધ્યરાત્રિએ પણ આવતું હોવાથી તે સમયે પણ શુભ કાર્ય થઈ શકે છે. પરંતુ સરકારી કોર્ટ-કચેરી રાત્રે બંધ હોવાથી તે કાર્યો દિવસ દરમિયાન જ અભિજિત મુહૂર્તમાં કરવામાં આવે છે. એટલા માટે જ તાજેતરમાં નેતાઓ મધ્યાહન સમયે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરતા હોય છે.
અભિજિત મુહૂર્તમાં કયા કાર્યો ના થઈ શકે?
જ્યોતિષાચાર્ય રવિશંકરભાઈએ જણાવ્યું છે કે, અભિજિત મુહૂર્ત તમામ રીતે ઉત્તમ છે. પરંતુ બે પરિસ્થિતિમાં તે પોતાનું શુભત્વ ગુમાવે છે. તેથી આ મુહૂર્તને વણજોયું મુહૂર્ત ગણી શકાય નહીં. અઠવાડિયાના તમામ દિવસે આ મુહૂર્ત ઉત્તમ ગણાય છે. પરંતુ બુધવારના દિવસે અભિજિત ઉપયોગ શુભ કાર્યો માટે વર્જિત ગણાય છે, કારણ કે આ સમયગાળા દરમિયાન રાહુની ઉર્જા વિદ્યમાન હોય છે. જેને રાહુકાળ પણ કહેવામાં આવે છે. તેથી બુધવારના દિવસે અભિજિત મુહૂર્તનો ઉપયોગ કરી શકાય નહીં. આ ઉપરાંત કોઈપણ દિવસે અભિજિત મુહૂર્ત દરમિયાન દક્ષિણ દિશા તરફનો પ્રવાસ કરવો વર્જિત છે. એટલે કે, દક્ષિણ દિશા તરફ કોઈપણ વ્યક્તિ પ્રવાસ કરી શકે નહીં. તેમ છતાં આ બંને પરિસ્થિતિઓને બાદ કરતાં અભિજિત મુહૂર્ત સંપૂર્ણ અને શ્રેષ્ઠ મુહૂર્ત ગણવામાં આવે છે.
અભિજિત મુહૂર્તને હિંદુ ધર્મમાં ખૂબ પ્રાધાન્ય આપવામાં આવે છે. તેથી જ કોઈપણ નેતા વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરે છે. કારણ કે, તે સમયગાળો વિજય અપાવનારો અને શુભ ગણવામાં આવે છે. આજે સીઆર પાટીલ વિજય મુહૂર્ત ચૂકી ગયા તો, તેમણે ફોર્મ ભરવાનું જ ટાળ્યું હતું. હવે તેઓ 19 માર્ચે અભિજિત મુહૂર્તમાં જ ફોર્મ ભરશે. આ જ દિવસે આ જ સમયગાળા દરમિયાન ગૃહમંત્રી શાહ પણ ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારીપત્ર દાખલ કરશે.