લોકસભા ચૂંટણી પહેલાં PM મોદીએ ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે. વડાપ્રધાને અરુણાચલ પ્રદેશ પરના ચીનના દાવાને ફગાવી દીધો છે અને ફરી એકવાર સ્પષ્ટતા કરી દીધી છે કે, અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ હતું. જેને લઈને સરકાર કોઈપણ પ્રકારની દખલગીરી ચલાવી લેશે નહીં. આ સાથે તેમણે મણિપુરનો ઉલ્લેખ પણ કર્યો છે. તેમણે કહ્યું છે કે, કેન્દ્ર સરકારના સમયસર હસ્તક્ષેપ અને મણિપુર સરકારના પ્રયાસોથી આજે રાજ્યની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.
PM મોદીએ આસામ ટ્રિબ્યુનને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વિશે વાત કરી હતી. તેમણે અરુણાચલ પ્રદેશ પરના ચીનના દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે, “અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે, હતું અને રહેશે.” નોંધનીય છે કે, થોડા દિવસો પહેલાં ચીની સરકારે અરુણાચલના 30 અલગ-અલગ સ્થળોના નવા નામોનું લિસ્ટ જાહેર કરી હતી. જેમાં તેણે રાજ્યના વિસ્તારોને ચાઇનીઝ ભાષામાં નવા નામો આપ્યા હતા. જે બાદ વિદેશ મંત્રી જયશંકર અને વિદેશ મંત્રાલયે પણ પ્રતિક્રિયા આપી હતી. ત્યારબાદ હવે વડાપ્રધાને પોતે આ મામલે પ્રતિક્રિયા આપી છે. સાથે વડાપ્રધાને પૂર્વોત્તરના વિકાસને લઈને પણ ચર્ચા કરી હતી. તેમણે આ અંગે કહ્યું કે, “આજે પૂર્વોત્તર ના દિલ્હીથી દૂર છે અને ના દિલથી.”
PM મોદીએ અખબાર સાથેની વાતચીત દરમિયાન સેલા ટનલના વ્યૂહાત્મક મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. જે સમગ્ર વર્ષ દરમિયાન અરુણાચલ પ્રદેશમાં સૈનિકો અને સામગ્રીની અવરજવરને સરળ અને ઝડપી બનાવશે. વડાપ્રધાને ટનલ વિશે કહ્યું કે, “તે એક વાસ્તવિક વ્યૂહાત્મક ગેમ-ચેન્જર છે, જે તવાંગને દરેક હવામાનમાં કનેક્ટિવિટી પ્રદાન કરે છે.” તેમણે ડોની પોલો એરપોર્ટ અને અરુણાચલ પ્રદેશમાં 55,000 કરોડની જળ અને આવાસ યોજનાઓ સહિત રાજ્યની સમૃદ્ધિમાં સુધારો કરવા હાથ ધરાયેલા અન્ય પ્રોજેક્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, સરકારે ઉન્નતિ અને અન્ય યોજનાઓ દ્વારા સમગ્ર ઉત્તર-પૂર્વના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
‘ભારત સરકાર અને રાજ્ય સરકારના પ્રયાસોથી મણિપુરની સ્થિતિમાં સુધાર’
સંઘર્ષગ્રસ્ત મણિપુરની સ્થિતિ, વિપક્ષની ટીકા અને રાજ્યમાં વંશીય સંવાદિતા સુનિશ્ચિત કરવાના પગલાં અંગે PM મોદીએ કહ્યું કે, “અમે માનીએ છીએ કે પરિસ્થિતિને સંવેદનશીલતાથી વર્તવાની આપણી સામૂહિક જવાબદારી છે.” સરકારના પ્રયાસોથી રાજ્યમાં સુધારો આવ્યો છે તે તરફ ધ્યાન દોરતા PM મોદીએ કહ્યું, “અમે સંઘર્ષના ઉકેલ માટે અમારા શ્રેષ્ઠ સંસાધનો અને વહીવટી તંત્ર સમર્પિત કર્યું છે. ભારત સરકારના સમયસર હસ્તક્ષેપ અને મણિપુર સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને કારણે રાજ્યની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે.” આ ઉપરાંત વડાપ્રધાને મણિપુર સંઘર્ષના સમાધાન માટે કરેલ સરકારી પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું કે, જ્યારે સંઘર્ષ ચરમ પર હતો ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરમાં જ રોકાયા હતા. તેમણે સંઘર્ષના સમાધાન માટે વિવિધ હિતધારકો સાથે 15થી વધુ બેઠકો કરી હતી. રાજ્ય સરકારની જરૂરિયાત મુજબ કેન્દ્ર સરકાર સંપૂર્ણ મદદ આપી રહી હતી. આ સાથે જ વડાપ્રધાને અન્ય પ્રયાસો વિશે પણ ચર્ચા કરી હતી.