Thursday, May 2, 2024
More
    હોમપેજદેશ'મૂર્ખતાપૂર્ણ પ્રયાસ કરી રહ્યું છે ચીન': અરુણાચલના વિસ્તારોનાં નામ બદલવાની ડ્રેગનની અવળચંડાઈ...

    ‘મૂર્ખતાપૂર્ણ પ્રયાસ કરી રહ્યું છે ચીન’: અરુણાચલના વિસ્તારોનાં નામ બદલવાની ડ્રેગનની અવળચંડાઈ પર ભારત સખ્ત, કહ્યું- અરુણાચલ દેશનું અવિભાજ્ય અંગ

    વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આધિકારિક નિવેદન આપીને ચીનની આ કરતૂતને નકારી કાઢી છે. પ્રવક્તાએ કહ્યું છે કે, "ચીન ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશમાં સ્થળોના નામ બદલવાના મૂર્ખતાપૂર્ણ પ્રયાસો ચાલુ રાખી રહ્યું છે. અમે આ રીતના પ્રયાસોને સખત રીતે નકારીએ છીએ."

    - Advertisement -

    ભારતે અરુણાચલ પ્રદેશના અમુક વિસ્તારોના નામ બદલવાની ચીનની કરતૂતો પર સખત પ્રતિક્રિયા આપી છે. ચીને અરુણાચલ પ્રદેશના 30 સ્થળોના નામ ચાઇનીઝ ભાષામાં રાખી દીધાં હતાં, જેને લઈને વિવાદ પણ વકર્યો હતો. હવે આ મામલે વિદેશ મંત્રાલયની સખત પ્રતિક્રિયા પણ સામે આવી છે. મીડિયાના પ્રશ્નોના જવાબ આપતા વિદેશ મંત્રાલયના આધિકારિક પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે, ચીન ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશના સ્થળોનાં નામ બદલવાના મૂર્ખતાપૂર્ણ પ્રયાસ કરી રહ્યું છે. ભારત આવા પ્રયાસોને સખત રીતે નકારી કાઢે છે.

    મંગળવારે (2 એપ્રિલ, 2024) અરુણાચલ પ્રદેશના 30 સ્થળોનાં નામ બદલવાની ચીનની કરતૂત પર ભારતે સખત પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આધિકારિક નિવેદન આપીને ચીનની આ કરતૂતને નકારી કાઢી છે. પ્રવક્તાએ કહ્યું છે કે, “ચીન ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશમાં સ્થળોનાં નામ બદલવાના મૂર્ખતાપૂર્ણ પ્રયાસો ચાલુ રાખી રહ્યું છે. અમે આ રીતના પ્રયાસોને સખત રીતે નકારીએ છીએ.” પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, “ચીન દ્વારા આ રીતના બનાવટી નામ જારી કરવાથી વાસ્તવિકતા બદલાશે નહીં કે, અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે. હતું અને હંમેશા રહેશે જ.”

    નોંધનીય છે કે, ચીનના સરકારી અખબાર અનુસાર, હાલમાં જ નાગરિક બાબતોના મંત્રાલયે અરુણાચલ પ્રદેશના 30 જેટલા ભૌગોલિક વિસ્તારોનાં નામોની ચોથી યાદી જાહેર કરી હતી. અરુણાચલ પ્રદેશને તે લોકો જંગનાન તરીકે ઓળખે છે. 30 નામોની યાદી જાહેર કરવાની સાથે ચીને એ પણ કહ્યું હતું કે, આ નામોને 1 મે, 2024થી લાગુ કરવામાં આવશે. આ પહેલાં માર્ચની શરૂઆતમાં ચીને અરુણાચલ પ્રદેશ પર દાવો કર્યો હતો કે, તે ચીનનો એક ભાગ છે. જોકે, ભારતે હંમેશાથી જ ચીનના તમામ દાવાઓને ફગાવી દીધા છે અને અરુણાચલ પ્રદેશને ભારતનું અભિન્ન અંગ ગણાવ્યું છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા પહેલાં વિદેશ મંત્રી એસ. જયશંકર પોતે પણ આ અંગે નિવેદન આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, “આજે હું તમારા ઘરનું નામ બદલી નાખું તો શું તે ઘર મારું થઈ જશે? અરુણાચલ પ્રદેશ ભારતનું રાજ્ય હતું, છે અને હંમેશા રહેશે જ. નામ બદલવાથી કોઈ ફરક નહીં પડે. અમારી સેના વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તૈનાત છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં