લોકસભા ચૂંટણીના બ્યૂગલો ફૂંકાઈ ગયા છે. તમામ રાજકીય પક્ષો પ્રચારની તૈયારીમાં વ્યસ્ત છે. ગુજરાતમાં ચૂંટણીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેવામાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે અને રાજકોટ લોકસભા બેઠકો પરથી તેમની ઉમેદવારી પરત ખેંચવા માટે માંગણી કરી રહ્યો છે. પરંતુ રાજકોટ બેઠક પરથી રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાશે કે કેમ, તે પ્રશ્ન પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. તમામ શંકા-કુશંકા પરથી પડદો હતી ગયો છે. ભાજપે રૂપાલાના લોકસભા ચૂંટણી માટેના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી દીધી છે. રૂપાલા 16 એપ્રિલે રાજકોટથી ઉમેદવારી નોંધાવશે.
ભાજપ દ્વારા પરષોત્તમ રૂપાલાના લોકસભા ચૂંટણી માટેના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. રૂપાલા 16 એપ્રિલે રાજકોટથી ઉમેદવારી નોંધાવશે. 16 એપ્રિલના રોજ સવારે 10:30 કલાકે તેઓ બહુમાળી ભવન ખાતે સૌપ્રથમ જંગી જનસભાને સંબોધિત કરશે અને ત્યારબાદ તેઓ ભાજપ તરફથી વિજયમુહૂર્તમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે નામાંકન ફોર્મ ભરવા માટે જશે. છેલ્લા ઘણા સમયથી એવી અટકળો વહેતી થઈ હતી કે, ભાજપ હાઈકમાન્ડ રૂપાલાની ટિકિટ રદ કરી દેશે. પરંતુ આખરે આ તમામ વાતો પાયાવિહોણી સાબિત થઈ છે.
સાથે એ પણ નોંધવું જોઈએ કે, તાજેતરમાં જ સૌરાષ્ટ્ર-કચ્છના ભાજપ પ્રવક્તાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તે સમયે મીડિયાકર્મીએ તેમને પ્રશ્ન પૂછ્યો હતો કે, શું ભાજપ રૂપાલાની ઉમેદવારી રદ કરીને કોઈ નવો ઉમેદવાર જાહેર કરશે? પત્રકારના પ્રશ્ન પર જવાબ આપવા પ્રવક્તાએ કહ્યું હતું કે, તેવી કોઈ વિચારણા કરવામાં આવી નથી. રાજકોટ બેઠક પરથી રૂપાલા જ ચૂંટણી લડશે. આ સાથે જ તેમણે આ બધી વાતોને અફવા પણ ગણાવી હતી. આ ઉપરાંત પરષોત્તમ રૂપાલાએ પોતે પણ આ મામલે નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, તે બાબત વિશે તેમને કોઈ જાણ નથી, તે પાર્ટી અને સમાજ વચ્ચેનો મુદ્દો છે.
આ ઘટના બાદ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ મીડિયા સાથે વાત કરીને સ્પષ્ટતા કરી હતી કે, રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે અને ન તો ઉમેદવાર બદલવામાં આવશે. તેમણે ક્ષત્રિય સમાજ સાથેની બેઠક બાદ જ આ મામલે નિવેદન આપ્યું હતું. તેમ છતાં તેવી અટકળો વહેતી જ રહી હતી. જ્યારે હવે તે અફવાઓ પર સંપૂર્ણપણે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
નોંધનીય છે કે, એક તરફ રૂપાલા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે, તો બીજી તરફ ક્ષત્રિય સમાજ તેમનો વિરોધ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં એક કાર્યક્રમમાં રૂપાલાએ રાજા-મહારાજાઓ પર એક નિવેદન આપ્યું હતું. જેનો વિરોધ હાલ સુધી ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે. આ મામલે રૂપાલાએ 2 વાર જાહેરમાં માફી પણ માંગી છે, એકવાર તો પ્રદેશ અધ્યક્ષે પોતે વિનંતી કરી છે. તેમ છતાં રાજપૂત સમાજનું વિરોધ પ્રદર્શન ચાલુ જ છે. તેવામાં પરષોત્તમ રૂપાલા પણ રાજકોટથી જ ચૂંટણી લડશે તે પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે.