પશ્ચિમ બંગાળમાં NIAની એક ટીમ પર હુમલો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે. એજન્સીની એક ટીમ શનિવારે (6 એપ્રિલ) બંગાળના પૂર્વ મિદનાપોર જિલ્લામાં 2022માં તૃણમૂલ કોંગ્રેસના એક નેતાના ઘરે થયેલા બ્લાસ્ટ મામલે તપાસ કરવા માટે પહોંચી હતી ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના શનિવારે સવારે 5:૩૦ કલાકે બની. NIAની ટીમ પર પથ્થર અને ઈંટો ફેંકવામાં આવ્યાં, જેના કારણે કારની વિન્ડસ્ક્રીનને નુકસાન થયું હતું. અમુક રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે કે એજન્સીના અધિકારીઓને નાની-મોટી ઈજા પહોંચી છે, જ્યારે અમુકમાં કોઇ ઈજા ન હોવાની જાણકારી અપાઈ રહી છે. હાલ આ બાબતે એજન્સીનાં ઇનપુટની રાહ જોવામાં આવી રહી છે.
#BreakingNews | NIA team has been attacked in the east Medinipur district of #WestBengal @KamalikaSengupt @Arunima24 @SakshiLitoriya_ pic.twitter.com/wnSZnwly9E
— News18 (@CNNnews18) April 6, 2024
રિપબ્લિકના રિપોર્ટનું માનીએ તો ઘટનામાં 2 અધિકારીઓને ઈજા પહોંચી છે. જ્યારે અમુક રિપોર્ટ્સ અનુસાર, આ મામલે એજન્સીએ ફરિયાદ પણ નોંધાવી છે. હાલ તપાસ ચાલી રહી છે. એમ પણ જણાવવામાં આવ્યું કે NIAની ટીમે પોલીસને અગાઉથી આ દરોડાની કાર્યવાહી અંગે જાણ કરી હતી, તેમ છતાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી ન હતી.
ઉલ્લેખનીય છે કે 3 ડિસેમ્બર, 2022માં બંગાળના પૂર્વ મિદનાપોરના ભૂપતિનગરમાં એક ઘરમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ કેસની તપાસ NIA કરી રહી છે. ગત મહિને એજન્સીએ આ મામલે 8 TMC નેતાઓને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યાં હતાં. એજન્સીને આ બ્લાસ્ટમાં તેમની સંડોવણીની આશંકા છે. પરંતુ તેઓ હાજર થયા ન હતા અને એજન્સી પર ભાજપના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ એજન્સી મિદનાપોરમાં ગઈ તો તેની ઉપર હુમલો કરી દેવામાં આવ્યો હતો.
અહીં નોંધવું જોઈએ કે બંગાળમાં કેન્દ્રીય એજન્સી પર હુમલો એ પ્રથમ ઘટના નથી. અગાઉ જાન્યુઆરીમાં સંદેશખાલીમાં TMCના પૂર્વ નેતા શેખ શાહજહાંની એક કૌભાંડ મામલે પૂછપરછ કરવા માટે EDની ટીમ પહોંચી હતી ત્યારે નેતાના ગુંડાઓએ અધિકારીઓ પર હુમલો કરી દીધો હતો. આ જીવલેણ હુમલામાં અધિકારીઓને ઈજા પણ પહોંચી હતી. કાર પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા તેમજ ટોળાએ ઘેરી લીધા હતા. પછીથી અધિકારીઓએ તપાસ વગર જ પરત ફરવું પડ્યું હતું.
આ મામલે કેસ દાખલ થયાના ઘણા દિવસો સુધી શેખ શાહજહાં ફરાર રહ્યો હતો. આખરે કેન્દ્રીય એજન્સીઓએ તપાસ હાથ પર લેતાં અને કોર્ટે ફટકાર લગાવતાં બંગાળ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. પછીથી તેની કસ્ટડી CBIને સોંપી દેવામાં આવી હતી. હાલ તે જેલમાં બંધ છે.