તાજેતરમાં જ ચીને અરુણાચલ પ્રદેશના 3૦ વિસ્તારોનાં નામ બદલવાની ઘોષણા કરી હતી, જે મુદ્દો ચર્ચામાં છે. ભારતે પણ આ મામલે કડક પ્રતિક્રિયા આપીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ડ્રેગનના ધમપછાડાથી વાસ્તવિકતા બદલાય જશે નહીં અને વાસ્તવિકતા એ છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે. હવે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ એક સલાહ આપી છે. તેમણે કહ્યું કે, ‘જેવા સાથે તેવા’ બનીને ભારતે પણ તિબેટના 60 વિસ્તારોનાં નામ બદલી નાખવાં જોઈએ.
હિમંત સરમા આસામમાં એક ઠેકાણે લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગયા હતા, જ્યાં પત્રકારો દ્વારા તેમને ચીન દ્વારા અરુણાચલ પ્રદેશના વિસ્તારોનાં નામ બદલવા અંગે પૂછવામાં આવ્યું. જેના જવાબમાં તેમણે કહ્યું કે, ભારતે તિબેટના વિસ્તારોનાં નામ બદલી નાખવાં જોઈએ. તેમણે આ બાઈટનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. સાથે લખ્યું કે, “હું ભારત સરકારને વિનંતી કરું છું કે તેઓ ચીન પર ‘જેવા સાથે તેવા’ની નીતિ અપનાવે અને તિબેટના 60 વિસ્તારોનાં નામ બદલી નાખે.
मैं भारत सरकार से अनुरोध करता हूं कि वह चीन पर जैसे को तैसा/ Tit for Tat की नीति अपनाए और तिब्बत में भी 60 जगहों के नाम बदल दे। pic.twitter.com/HiHsahol1g
— Himanta Biswa Sarma (Modi Ka Parivar) (@himantabiswa) April 2, 2024
તેમણે કહ્યું, “મારી સરકારને વિનંતી છે કે આપણે તિબેટના 60 વિસ્તારોનાં નામ બદલી નાખવાં જોઈએ, જે ચીનનો વિસ્તાર છે. કારણ કે હંમેશા ‘જેવા સાથે તેવા’ની નીતિ અપનાવવી જોઈએ. પણ હું વધારે ટિપ્પણી નહીં કરું, કારણ કે આ ભારત સરકારના નીતિગત નિર્ણયની વાત છે, પણ જો તેઓ 30 જગ્યાઓનાં નામ બદલે તો આપણે 60 વિસ્તારોનાં બદલવાં જોઈએ.” ઉલ્લેખનીય છે કે તિબેટ એ વર્ષોથી ચીનના કબજામાં છે અને અહીં ચીન જ શાસન કરે છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે એક યાદી જાહેર કરીને અરુણાચલ પ્રદેશના 30 વિસ્તારોને નવાં નામો આપવાની જાહેરાત કરી. ત્યારબાદ ભારતે તેનો વળતો જવાબ આપ્યો. ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે, ડ્રેગન મૂર્ખતાપૂર્ણ પ્રયાસ કરી રહ્યું છે અને અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ છે તે વાસ્તવિકતા તેના નામ બદલવાથી બદલાય નહીં જાય.
આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકર પણ નિવેદન આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, “આજે હું તમારા ઘરનું નામ બદલી નાખું તો શું તે ઘર મારું થઈ જશે? અરુણાચલ પ્રદેશ ભારતનું રાજ્ય હતું, છે અને હંમેશા રહેશે જ. નામ બદલવાથી કોઈ ફરક નહીં પડે.