ભરૂચમાં એક પ્રખ્યાત અને હિંદુઓની આસ્થાના કેન્દ્ર સમા શ્રી પશુપતિ મહાદેવ મંદિરને સળગાવવાનો પ્રયત્ન થયો છે. જે બાદ CCTV ચેક કરતા એક અજાણ્યો ઇસમ જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાડતો જોવા મળે છે. સાથે જ પોલીસને ‘સર તન સે જુદા’ લખેલી પરચીઓ પણ મળી આવી છે. નોંધનીય છે કે આ જ મંદિરમાં થોડા સમય પહેલા જ 5 લાખના દાગીના ચોરી થઈ હતી.
નોંધનીય છે કે આ શ્રી પશુપતિ મહાદેવ મંદિર શ્રી શંકરાચાર્ય મઠ દ્વારકાશારદાપીઠ દ્વારા સંચાલિત છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક હિંદુઓ રોષે ભરાયા હતા અને વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ મંદિર પાસે પહોંચ્યા હતા. જે બાદ સ્થાનિક પોલીસતંત્ર પણ એલર્ટ થઈ ગયું હતું અને કોઇ અનિચ્છનીય ઘટના ન બને એ માટે ચુસ્ત બંદોબસ્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઘટનાને અંજામ આપી અજાણ્યો વ્યક્તિ ત્યાથી ફરાર થઈ ગયો હતો. પરંતુ આખી ઘટના ત્યાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે ભરૂચ પોલીસે અત્યારે તપાસ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી છે. સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે આ ઘટના શુક્રવારે વહેલી સવારે 05:30 વાગ્યાની આસપાસ બની હતી.
નોંધનીય છે કે,એક ઈસમે આવીને મંદિર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાના અત્યારે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાની સાથે ભરૂચ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. અલગ અલગ ટીમો બનાવી તપાસ ચાલુ કરી છે. ગુનો દાખલ કરી દીધો છે. જેને કૃત્ય કર્યું છે તેને પકડવા માટે પોલીસ કાર્યવાહી કરશે.
‘સર તન સે જુદા’ લખેલી પરચીઓ મળી આવી- પોલીસ અધિકારી
મીડિયા સાથે વાત કરતા ભરૂચના જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ કહ્યું કે, “આજે સવારે 5:30 અને 6:00 વાગ્યાની વચ્ચે એક બનાવ અહીં ભરૂચમાં બન્યો છે. જ્યાં કોઈ એક ઈસમ મઠ ખાતે આવીને કોઈ પદાર્થ નાખીને તેને સળગાવવાનો પ્રયાસ કરે છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે. LCB, SOG, DySP, લોકલ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી દીધી છે. ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. આવું કૃત્ય કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.”
તપાસમાં પોલીસને એક CCTV ફુટેજ હાથ લાગ્યું હતું. જેમાં એક અજાણ્યો ઇસમ મંદિરમાં જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાવીને ત્યાથી ભાગતો નજરે પડે છે. સાથે જ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ મંદિરમાં આગ લગાવ્યા બાદ પરિસરમાં ઉશ્કેરણીપૂર્ણ લખાણ લખેલી પરચીઓ પણ નાખી હતી.
અહેવાલોનું માનીએ તો અન્ય એક તપાસ અધિકારીએ જણાવ્યું છે કે, “આ પરચીઓમાં એક હાથેથી લખેલો સંદેશ હતો, ‘ગુસ્તાખ પીર કી સજા, સર તન સે જુદા'”
થઈ હતી 5 કિલો દાગીનાની ચોરી
આ પહેલા ચાલુ વર્ષે ફેબ્રુઆરી માસમાં આ જ મંદિરમાં મોતી ચોરીની ઘટના પણ સામે આવી હતી. સીસીટીવી ફૂટેજ અનુસાર બે તસ્કર મંદિર પરિસરમાં જોવા મળ્યા હતા. આ બે તસ્કરો સવારે 3.45 વાગ્યાના અસરમાં નજરે પડયા હતા. 5 કિલોથી વધુ ચાંદીના દાગીનાની ચોરી કરી ચોર પલાયન થઇ ગયા હતા. ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસને ઘટનાની જાણ કરતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બનાવ સંદર્ભે અંકલેશ્વર પોલીસે તપાસ શરૂ કરી હતી.