દિલ્હી લિકર પોલિસી કેસ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) જારી કરેલા 9 સમન્સ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં પહોંચેલા દિલ્હીના મુખ્યમંત્રી અને AAP સંયોજક અરવિંદ કેજરીવાલની અરજી પર બુધવારે (20 માર્ચ, 2024) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ મામલે કોર્ટે તેમને કોઈ રાહત આપી નથી. આ ઉપરાંત કેજરીવાલને ED સમક્ષ હાજર થવાને લઈને પણ દિલ્હી હાઈકોર્ટે પ્રશ્ન પૂછ્યા હતા. કોર્ટે કહ્યું છે કે, આ કેસની સુનાવણી આગામી મહિનામાં કરવામાં આવશે. આવી સ્થિતિમાં કેજરીવાલ ગુરુવારે (21 માર્ચ) ED સામે હાજર થશે કે કેમ તેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. કારણ કે, એજન્સીએ તેમને નવમું સમન્સ મોકલીને 21 માર્ચે હાજર રહેવા નિર્દેશ આપ્યો હતો.
અરવિંદ કેજરીવાલની અરજી પર જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ મનોજ જૈનની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને સીધો સવાલ કર્યો હતો કે, તેમને 9 સમન્સ મોકલવામાં આવ્યા છે. તેઓ એજન્સી સમક્ષ હાજર કેમ નથી થતાં? હાજર થવામાં શું વાંધો છે? જ્યારે અરવિંદ કેજરીવાલ તરફથી હાજર રહેલ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, તેમના અસીલ એજન્સી સામે હાજર થવા માટે તૈયાર છે. પરંતુ તેની ધરપકડ કરવામાં નહીં આવે તેઓ ભરોસો આપવામાં આવે તો જ.
કેજરીવાલે અરજીમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 2(1)(S)ને લઈને પડકાર ફેંક્યો છે. કલમ 2(1)(S) તેવા ‘વ્યક્તિઓ’ને પરિભાષિત કરે છે જે, જે PMLAના દાયરામાં આવી શકતા હોય. કેજરીવાલના વકીલે કહ્યું કે, PMLAમાં રાજકીય પક્ષની વ્યાખ્યા જ કરવામાં આવી નથી. તો આવી સ્થિતિમાં કયા આધારે સમન્સ મોકલવામાં આવ્યા છે? ED વતી એએસજી રાજૂએ કેજરીવાલની અરજીનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, અરજી સુનાવણી માટે યોગ્ય જ નથી અને આ મામલે એજન્સી પોતાનો જવાબ પણ દાખલ કરશે.
બંને પક્ષોની દલીલો સાંભળીને હાઈકોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું કે, આ મામલે હવે વધુ સુનાવણી 22 એપ્રિલ, 2024ના રોજ હાથ ધરવામાં આવશે. જોકે, કોર્ટે આ મામલે કેજરીવાલને કોઈ રાહત આપી નથી. કોર્ટે ન તો EDના સમન્સ પર રોક લગાવી અને ન તો આ મામલે કોઈ આદેશ જારી કર્યો. હવે આ મામલે 22 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
નોંધનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અને AAP સંયોજક અરવિંદ કેજરીવાલને EDએ 9 સમન્સ મોકલ્યા છે. તેમને આખરી સમન્સમાં 21 માર્ચે ED સમક્ષ હાજર રહેવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ પહેલાં EDએ તેમને 8 સમન્સ મોકલ્યા હતા. કેન્દ્રીય એજન્સીએ 2 નવેમ્બર, 2023ના રોજ કેજરીવાલને પહેલું સમન્સ મોકલ્યું હતું, પરંતુ તેઓ હાજર થયા ન હતા. આ પછી એજન્સીએ તેમને 21 નવેમ્બર, 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી અને 4 માર્ચે સમન્સ મોકલ્યા હતા. અરવિંદ કેજરીવાલ આમાના એકપણ સમન્સ પર એજન્સી સમક્ષ હાજર થયા ન હતા.