બરોડા ડેરીના પ્રમુખ અને વડોદરાના સાવલીના MLA કેતન ઈનામદારે ફરી એકવાર લોકસભા ચૂંટણી પહેલાં રાજીનામું આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે ઇમેઇલ કરીને રાજીનામું આપ્યું છે. પરંતુ હજુ સુધી તેમના રાજીનામાંનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. આ પહેલાં પણ તેમણે એકવાર રાજીનામું ધરી દીધું હતું. જોકે, તે બાદ તરત જ તેમણે પોતાનું રાજીનામું પરત પણ ખેંચી લીધું હતું.
સાવલીના MLA કેતન ઈનામદારે વિધાનસભા અધ્યક્ષને સંબોધીને રાજીનામું પાઠવ્યું છે. તેમણે ઇમેઇલથી આ રાજીનામું મોકલ્યું છે. સોમવારે (18 માર્ચ) મોડી રાત્રે તેમણે રાજીનામું આપ્યું હોવાનું કહેવાય રહ્યું છે. પરંતુ વિધાનસભા અધ્યક્ષ તરફથી હજુ સુધી રાજીનામાંનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. તેમણે રાજીનામાં પત્રમાં પોતાના અંતરઆત્માના અવાજને માન આપી રાજીનામું આપ્યું હોવાનું કહ્યું છે. સાથે તેમણે લખ્યું છે કે, તેમના રાજીનામાંનો સ્વીકાર કરવામાં આવે. અહેવાલો અનુસાર, તેમણે માત્ર ધારાસભ્ય પદ પરથી રાજીનામું સોંપ્યું છે, તેનો પણ હજુ સુધી સ્વીકાર થયો નથી. તે દરમિયાન તેઓ ભાજપના પ્રાથમિક સભ્ય તરીકે કાર્યરત રહેશે.
તેમણે લખ્યું, “માનનીય, અધ્યક્ષશ્રી, ગુજરાત વિધાનસભા, ગાંધીનગર. સુજ્ઞમહાશયશ્રી, વંદે માતરમ સહ જણાવું છું કે, હું કેતનકુમાર મહેન્દ્રભાઈ ઈનામદાર, 135-સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરું છું. મારા અંતરઆત્માના અવાજને માન આપીને મારા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી છે.”
નોંધવું જોઈએ કે, ચાર વર્ષ પહેલાં પણ વિજય રૂપાણી પર ઠીકરા ફોડીને તેમણે તે સમયે રાજીનામું આપી દીધું હતું. પરંતુ તે બાદ અચાનક તેમણે રાજીનામું પરત પણ ખેંચી લીધું હતું. તેવામાં ફરી એકવાર તેમણે વિધાનસભા અધ્યક્ષને મેઇલ કરીને રાજીનામું આપ્યું છે. જોકે, હજુ સુધી તે રાજીનામાંનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. બની શકે કે, તેઓ ગયા વખતની જેમ આ વખતે પણ રાજીનામું પરત ખેંચી શકે છે.
ઉલ્લેખનીય છે કે, કેતન ઈનામદાર 2012માં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટણી જીત્યા હતા. જે બાદ તેમણે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો, તે પછી તેઓ 2017 અને 2022 એમ બે ટર્મ ભાજપની ટિકિટ પર જીત્યા હતા. તેમણે વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે રાજનીતિની શરૂઆત કરી હતી. પરંતુ અપક્ષ ધારાસભ્ય તરીકે એક કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ તેઓ ભાજપમાં સામેલ થયા હતા અને ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા.
આ ઘટનાક્રમ પહેલાં ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. અમદાવાદ પૂર્વ બેઠક પરથી જાહેર કરવામાં આવેલા લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. પિતાની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ ચૂંટણી નહીં લડી શકે તેવી તેમણે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે.