દિલ્હી લિકર પોલિસી કૌભાંડ મામલે વારંવાર સમન્સ પાઠવવામાં આવ્યા છતાં અરવિંદ કેજરીવાલ હાજર ન થતાં એજન્સી ED બીજી વખત કોર્ટ પહોંચી હતી. જે અરજી પર સુનાવણી કરતાં કોર્ટે કેજરીવાલને 16 માર્ચે હાજર થવાનો આદેશ કર્યો હતો. પરંતુ કેજરીવાલ આ આદેશ વિરૂદ્ધ સેશન્સ કોર્ટ પહોંચી ગયા હતા. પણ ત્યાંથી પણ તેમને રાહત ન મળી અને શુક્રવારે (15 માર્ચ) કોર્ટે અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ કેજરીવાલે શનિવારે કોર્ટ સમક્ષ હાજર થવું પડ્યું. જોકે, કોર્ટે તેમને જામીન આપી દીધા હતા.
અરવિંદ કેજરીવાલ દિલ્હીની રૉઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ દિવ્ય મલ્હોત્રાની કોર્ટમાં હાજર થયા હતા. જ્યાં કોર્ટે કેજરીવાલને ₹15,000ના બૉન્ડ પર જામીન આપ્યા હતા. કોર્ટ હવે આગામી 1 એપ્રિલે મામલાની વધુ સુનાવણી કરશે અને કેજરીવાલે CrPCની કલમ 207 (પોલીસ રિપોર્ટ અને અન્ય દસ્તાવેજોની નકલ આરોપીને પહોંચાડવી) હેઠળ દાખલ કરેલી અરજી પર સુનાવણી હાથ ધરશે.
નોંધનીય છે કે આ જામીન સમન્સ પર હાજર ન થવા બદલ EDએ દાખલ કરેલા કેસમાં મળ્યા છે, દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં નહીં. તેમાં કેજરીવાલ વિરૂદ્ધ જે તપાસ ચાલી રહી છે તે ચાલુ જ રહેશે.
શું છે કેસ અને ફરિયાદો
વાસ્તવમાં વારંવાર સમન્સ પાઠવવામાં આવ્યા છતાં કેજરીવાલ એકેય વખત ન દેખાતાં એજન્સી બીજી વખત કોર્ટ પહોંચી હતી અને દિલ્હી CM વિરુદ્ધ ફરિયાદ કરી હતી. 6 માર્ચે દાખલ કરેલી આ ફરિયાદ પર કોર્ટે 7 માર્ચે સુનાવણી હાથ ધરીને કેજરીવાલને 16 માર્ચે હાજર થવા માટે આદેશ આપ્યો હતો. ત્યારબાદ કેજરીવાલે કોર્ટના આ સમન વિરૂદ્ધ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી અને કહ્યું હતું કે, તેમને 16 માર્ચે હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવે અને તેમના વકીલને તેમનું પ્રતિનિધિત્વ કરવાની મંજૂરી આપવામાં આવે. EDએ કેજરીવાલની આ અરજીનો વિરોધ કર્યો હતો.
આ અરજી પર લાંબી સુનાવણી ગુરુવાર (14 માર્ચ) અને શુક્રવારે થઈ હતી. ત્યારબાદ શુક્રવારે કેજરીવાલની અરજી ફગાવી દેવામાં આવી. સ્પેશ્યલ જ્જ રાકેશ સયાલે કહ્યું કે, કાર્યવાહી પરનો સ્ટે ફગાવી દેવામાં આવે છે. પરંતુ જો તેઓ (કેજરીવાલ) હાજર રહેવાથી મુક્તિ માંગે છે તો તેઓ ટ્રાયલ કોર્ટમાં અપીલ કરી શકે છે.
ગુરુવારે (14 માર્ચ, 2024) EDએ કોર્ટમાં જારી કરાયેલા સમન્સ વિરુદ્ધ અરવિંદ કેજરીવાલની અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રીએ પોતે કોર્ટને ખાતરી આપી છે કે, તેઓ 16 માર્ચે કોર્ટ સમક્ષ હાજર રહેશે. EDએ દાખલ કરેલી બે અલગ-અલગ ફરિયાદો વિરુદ્ધ સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટમાં થઈ હતી. એજન્સીએ આરોપ લગાવ્યો છે કે, અનેક સમન્સ મોકલ્યા હોવા છતાં તેઓ (કેજરીવાલ) દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં એજન્સી સમક્ષ હાજર થઈ રહ્યા નથી.
ઉલ્લેખનીય છે કે, 7 માર્ચે કોર્ટે કેજરીવાલને સમન્સ મોકલ્યું હતું અને 16 માર્ચે કોર્ટ સમક્ષ હાજર રહેવા માટેનો આદેશ આપ્યો હતો. EDએ અત્યાર સુધીમાં કેજરીવાલને 8 સમન્સ મોકલ્યા છે. જોકે, તેઓ એકવાર પણ એજન્સી સમક્ષ હાજર થયા નથી. જેના કારણે EDએ તેમના વિરુદ્ધ કોર્ટમાં 2 ફરિયાદ દાખલ કરી હતી. ત્યારબાદ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટે કેજરીવાલને કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.