નેપાળને ‘હિંદુ રાષ્ટ્ર’ ઘોષિત કરવા માટે ફરી એકવાર જન આંદોલન શરૂ થયું છે. લાખો લોકો નેપાળની રાજધાનીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રાજાશાહીની વાપસી માટે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. કાઠમંડુમાં રાજાશાહીના સમર્થનમાં પ્રદર્શનકારીઓએ નારા લગાવ્યા છે. નેપાળ સરકારે ભીડને કાબૂમાં લેવા માટેના પ્રયાસો પણ શરૂ કરી દીધા છે. દેશના અલગ-અલગ સ્થળો મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે.
નેપાળમાં આજથી 16 વર્ષ પહેલાં લોકોએ રસ્તા પર ઉતરીને તત્કાલીન રાજા જ્ઞાનેન્દ્ર શાહને સિંહાસન છોડવા માટે મજબૂર કર્યા હતા. જે બાદ નેપાળના લોકોને લોકશાહી અપનાવી લીધી હતી. જોકે, હવે નેપાળના લોકોનું લોકશાહીથી મોહભંગ થઈ ગયો છે અને હવે તેઓ ફરી રાજાશાહીની સ્થાપના માટે નેપાળના રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. નેપાળના લોકોએ કાઠમંડુથી લઈને દેશના અલગ-અલગ સ્થળોએ વિરોધ પ્રદર્શન કર્યા છે અને રાજાશાહીના સમર્થનમાં નારા લગાવ્યા છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ નેપાળના લોકો નેપાળને ‘હિંદુ રાષ્ટ્ર’ ઘોષિત કરવાની માંગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
ભ્રષ્ટાચાર અને શાસનમાં નિષ્ફળતાનો આરોપ
નેપાળના લોકોએ તાજેતરની લોકશાહી સરકાર પર ભ્રષ્ટાચાર કરવાના અને શાસનમાં નિષ્ફળતાના આરોપો લગાવ્યા છે. વર્તમાન વ્યવસ્થા પ્રતિ વધી રહેલી નિરાશાના કારણે જડમૂળથી પરિવર્તન લાવવાની માંગ ઉઠી રહી છે. લોકોની બે સ્પષ્ટ માંગણીઓ છે. રાજાશાહીની પુનઃ સ્થાપના અને નેપાળને હિંદુ રાષ્ટ્રનો દરજ્જો. આ સાથે અનેક લોકો ભગવા ધ્વજ લઈને રસ્તા પર ઉતર્યા છે. 2008માં રાજાશાહી ખતમ થયા બાદ નેપાળના 13 સરકારોએ અત્યાર સુધીમાં શાસન કર્યું છે.
તે તમામ સરકારો પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે, તેઓ ભ્રષ્ટાચારને પોષણ આપી રહી છે અને શાસનમાં નિષ્ક્રિય રહી છે. નેપાળના એક અધિકારીએ આ અંગે કહ્યું છે કે, કેટલાક નેપાળીઓનું એવું માનવું છે કે, ચૂંટાયેલા રાજનેતાઓ તેમની સમસ્યાના સમાધાનના બદલે સત્તામાં વધુ રસ દેખાડી રહ્યા છે. એટલા માટે લોકો એવું વિચારી રહ્યા છે કે, લોકશાહી કરતાં રાજાશાહી વધુ ઉત્તમ હતી.
નોંધનીય છે કે, નવેમ્બર 2023માં પણ નેપાળના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હિંદુ રાષ્ટ્રની માંગણી સાથે નારા લગાવ્યા હતા. લાખોની જનમેદની રસ્તા પર ઉતરતા પોલીસ પ્રશાસને લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. આ સાથે કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. જ્યારે તાજેતરમાં જ નેપાળની રાજકીય પાર્ટીઓ પણ હિંદુ રાષ્ટ્રની માંગણી સાથે મેદાને ઉતરી હતી. આ ઉપરાંત નેપાળ કોંગ્રેસના નેતા શંકર ભંડારીએ એવો પણ દાવો કર્યો હતો કે, નેપાળને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવા માટે ટૂંક સમયમાં જ રાષ્ટ્રીય ચર્ચા શરૂ કરવામાં આવશે.
2008માં રાજાશાહીનો અંત આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, નેપાળ ઘણા લાંબા સમય સુધી રાજાશાહી શાસન ધરાવતો દેશ હતો. વર્ષ 2008 સુધી નેપાળ પર રાજા જ્ઞાનેન્દ્રનું શાસન હતું. પરંતુ 2006થી લોકોના વિરોધ પ્રદર્શન અને બળવાને કારણે વર્ષ 2008માં નેપાળને રાજાશાહીમાંથી મુક્ત કરીને ગણતંત્ર બનાવવામાં આવ્યું હતું. જે બાદ ફરી રાજાશાહી સ્થાપવા માટે લોકો હવે રસ્તા પર ઉતર્યા છે. રાજા જ્ઞાનેન્દ્રના સમર્થકો દેશભરમાંથી નેપાળની રાજધાની કાઠમંડુ પહોંચ્યા છે અને રાજાશાહીને પરત લાવવાની માંગ કરી રહ્યા હતા. હિંદુ રાષ્ટ્રની માંગને લઈને લોકોમાં એટલો રોષ વ્યાપેલો છે કે પોલીસે ભીડને કાબુમાં લેવા માટે સુરક્ષાની તમામ તૈયારીઓ પણ કરી દીધી છે.